Sunday, September 14, 2025
Google search engine
HomeFeaturesFilm Reviewમુક્કાની જેમ વાગે છે આ થપ્પડ...

મુક્કાની જેમ વાગે છે આ થપ્પડ…

ફિલ્મઃ થપ્પડ

કલાકારોઃ તાપસી પન્નૂ, પવૈલ ગુલાટી, તન્વી આઝમી, રત્ના પાઠક, કુમુદ મિશ્રા

ડાયરેક્ટરઃ અનુભવ સિંહા

અવધિઃ આશરે 140 મિનિટ્સ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★

લેખક-દિગ્દર્શક અનુભવ સિંહા (‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’)ની ‘થપ્પડ’ જોતી વખતે મને શેફાલી શાહની શૉર્ટ ફિલ્મ ‘જ્યૂસ’ (દિગ્દર્શકઃ નીરજ ઘૈવાન) યાદ આવી ગઈ. ફિલ્મમાં પતિ મિત્રો સાથે ડ્રૉઈંગ રૂમમાં બેસીને, શરાબની પ્યાલી ખાલી કરતો કરતો ટીવી પર ગેમ જોઈ રહ્યો છે, જ્યારે પત્ની શેફાલી તથા પતિમિત્રોની સાથે આવેલી પત્નીઓ સાંકડા રસોડામાં પરસેવે રેબઝેબ ચખણાની, ડિનરની તૈયારીમાં લાગેલી છે.  ડ્રૉઈંગ રૂમમાંથી ઑર્ડર પર ઑર્ડર આવી રહ્યા છેઃ “આઈસ લાવ”, “પાપડ લાવ”, “પકોડા લાવ”… “યાર, કેટલી વાર”? અફ કોર્સ, વાત અહીં ‘જ્યૂસ’ની નહીં, ‘થપ્પડ’ની છે, જેમાં વાત તો એક સણસણતા તમાચાની છે, પણ સાથે સાથે પિતૃ-સત્તાની પણ છે. ભારતીય સંસ્કૃતિમાં મૂળિયાં કરી ગયેલી આ પિતૃ-સત્તા અથવા પેટ્રિયાર્કી વિશેની ‘થપ્પડ’ના આરંભમાં એક સીન છેઃ પતિ મહાશય મોડે સુધી લેપટૉપ પર કામ કરી રહ્યા છે ને પત્નીને ઓર્ડર છોડી રહ્યા છેઃ “આ પ્રિન્ટર કામ નથી કરતું, એને ઠીક કર, ઉપરથી મારી પિન્ક ફાઈલ લઈ આવ, કૉફી લાવ….”

એ પત્ની, થર્ટી-સમથિંગ અમૃતા અથવા અમુ (તાપસી પન્નૂ) ખુશમિજાજ, આજ્ઞાંકિત ગૃહિણી છે. પતિ વિક્રમ (પવૈલ ગુલાટી)ને છ આંકડાના પગારની નોકરી છે, નિરુપદ્રવી સાસુ (તન્વી આઝમી) છે. દિલ્હીવાસીઓ જેને કોઠી કહે છે એવો બંગલો છે (એકાદ દશ્યમાં કૅમેરા ફરતો ફરતો બંગલાની નેમપ્લેટ પર મંડાય છે ત્યારે દેખાય છે કે એની પર માત્ર વિક્રમનું જ નામ છે)… રોજ વહેલી સવારે ઊઠીને અમુ બહારથી દૂધની બાટલીઓ લે છે, ઘરમાં વાવેલી લીલી ચાની પત્તી કાપી, ગરમ પાણીમાં ઉકાળી, આદું-મધવાળી ચાનો મગ લઈ બાલ્કનીમાં આવે છે. સામે દેખાતું વહેલી સવારનું દશ્ય મોબાઈલના કૅમેરામાં ઝડપે છે. બસ, આ દસ-પંદર મિનિટ એનો ‘મી-ટાઈમ’ છે, એનો પોતાનો સમય છે. એ પછી, પાછળ કૂતરાં છોડ્યાં હોય એમ એ સતત દોડતી રહે છેઃ પતિને સમયસર જગાડવાનો, એનો ચા-નાસ્તો, સાસુમાનું સુગર-ચેકિંગ, રસોઈ… પતિ કારમાં બેસે ત્યારે એને પાકીટ-રૂમાલ, ગરમ કૉફીનો થમોસ, વગેરે આપી, એને રવાના કરવાનો. આ અમુનો રોજનો ક્રમ છે… એક સાંજે ઘરમાં પાર્ટી ચાલી રહી હોય છે ને વિક્રમને એના બૉસ સાથે બોલાચાલી થાય છે. વાત વધી ન પડે એ માટે અમૃતા વચ્ચે પડે છે ને કોઈ કશુંયે સમજે એ પહેલાં, શરાબના ખુમારમાં વિક્રમ એક સણસણતો તમાચો અમૃતાના ગાલ પર ચોડી દે છે.

બસ, વાત આ છેઃ વિક્રમે અમૃતાને મારેલા એક તમાચાની. એ ક્ષણથી અમૃતાની જિંદગી બદલાઈ જાય છે, જ્યારે વિક્રમ માટે તથા તમામ સગાંસ્નેહી માટે (ઈવન, અમૃતાની માતા-ભાઈ માટે સુધ્ધાં), મિત્રો જાણે કંઈ બન્યું જ નથી એમ વર્તે છે. એમના મતે, “આવું તો ચાલ્યા કરે”, “અમુએ વાત વિસારે પાડીને મૂવઑન કરવું જોઈએ”. ત્યાં સુધી કે, અમૃતાની કાઉન્સેલર નેત્રા એને કહે છેઃ “યાર, એક થપ્પડ જને? એમાં શું આટલો હોબાળો મચાવવાનો? આનો શું કેસ બને”?

-એ પછી શું બને એ બધું લખીને સ્પૉઈલર આપવું નથી. એટલું તો કહી જ શકાય કે પતિએ મારેલા તમાચા બાદની અમૃતાની મનોઝંઝટ વિશેની આ ફિલ્મ છે, અમૃતાની આસપાસના લોકો, નિકટજનોના એ એક ઘટના (કે દુર્ઘટના) પર રિઍક્શનની ફિલ્મ છેઃ લાફો નહીં, લાફો ઝિંકાયા પછી જે બને છે એનાથી બને છે ફિલ્મ, ‘થપ્પડ’.

ઈન્ટરવલ પહેલાં ફિલ્મ ધીમી ગતિએ ચાલે છે. ઉપાડ થાય છે દિલ્હીમાં વસતી, વિવિધ સમાજમાંથી આવતી છ નારીથી. કહો કે એક કથા-કોલાજ સર્જ્યો છે અનુભવ સિંહાએ. એક વાર પાત્રો પ્રસ્થાપિત થઈ જાય છે ને પેલો તમાચાવાળો સીન આવે છે ને ફિલ્મ પકડ જમાવે છે. એમાંયે, સાસુમા પૂજા રાખે છે એમાં અમૃતા હાજરી આપે છે. આ દશ્ય થપ્પડનો ચરમ છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. પૂજાના આ દશ્યમાં જ ટિકિટના પૈસા વસૂલ છે.

ફિલ્મનાં રાઈટર (ડિરેક્ટર અનુભવ સિંહા-મૃણમયી લાગૂ) હિંદી સિનેમાનાં કુલક્ષણથી દૂર રહ્યાં છે. અમૃતાની કથા-વ્યથા દર્શાવવા એમણે વિક્રમને વિલન ચીતર્યો નથી. એ ઓવરઑલ સારો માણસ છે. બસ, એ સ્વકેન્દ્રી છેઃ એ ભલો, એની નોકરી-કરિયર ભલી અને એનું ઑફિસ પોલિટિક્સ ભલું. તાપસીએ એની ભૂમિકા કન્વિક્શનથી ભજવી છે. હસબંડ વિક્રમનું કેરેક્ટર અઘરું છે. જરીક ઓવરઍક્ટિંગ ને ફિલ્મ મેલોડ્રામામાં સરી પડે. પણ, અનુરાગ કશ્યપની ટીવીસિરીઝ ‘યુદ્ધ’થી આરંભ કરનાર પવૈલએ કમાલનું બૅલેન્સિંગ કર્યું છે. આ ઉપરાંત રત્ના પાઠક શાહ, રાબેતા મુજબ પરફેક્ટ કુમુદ મિશ્રા (અમૃતાનાં માતા-પિતાની ભૂમિકામાં), માયા સરાઓ (અમૃતાની કાઉન્સેલર નેત્રાની ભૂમિકામાં), વગેરે. નેત્રા, જે જવાન છે, કૉન્ફિડન્ટ છે, અન્ય મહિલાને ન્યાય અપાવવા અદાલતમાં લડે છે, પણ એ પોતે પતિ (માનવ કૌલ)ની હાજરીમાં ગૂંગળામણ અનુભવે છે.

સો વાતની એક વાત – સ્ત્રી પર હાથ ઉપાડાય જ નહીં અને જો ઉપાડ્યો તો એ ચૂપ બેસી રહે, સહન કરી લે એવું એક્સપેક્ટ કરતા જ નહીં આવા દ્વિ-સૂત્રીવાળી ‘થપ્પડ’ અવશ્ય જોવા જેવી ફિલ્મ છે.

(જુઓ ‘થપ્પડ’નું  ટ્રેલર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular