Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesFilm Reviewઅંગ્રેજી મિડિયમ: રીતના માર્ક્સ, બાકી દાખલો...?

અંગ્રેજી મિડિયમ: રીતના માર્ક્સ, બાકી દાખલો…?

ફિલ્મઃ અંગ્રેજી મિડિયમ

કલાકારોઃ ઈરફાન ખાન, રાધિકા માદન, દીપક ડોબ્રિયાલ

ડાયરેક્ટરઃ હોમી અડાજણિયા

અવધિઃ 145 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

રાજસ્થાનના એક નગરની મધ્યમવર્ગી ટીનએજ ગર્લ પોતાના પપ્પાને કહે છે કે “જો મને નેવું ટકા માર્ક્સ આવે તો સ્કૂલ તરફથી લંડન ભણવા જવા મળે, બધો ખર્ચો પણ લંડનની યુનિવર્સિટી ઉઠાવશે”… પપ્પાને ખબર છે કે એની લાડકી એક એવરેજ સ્ટુડન્ટ છે. એ કહે છેઃ “બેટા, નેવું ટકા તારે પોત્તે જાત્તે લાવવા પડશે, કેમ કે આ પરીક્ષા છે, કંઈ વિધાનસભાની ચૂંટણી નથી કે પોતાના એમએલએ પૂરા ન થયા તો બીજાના લઈ શકાય”…

કૂલ હેંને? યસ, આ સીન-સંવાદ બાદ એમ લાગ્યું કે એજ્યુકેશન સિસ્ટમ પર વ્યંગ કરતી એક ધમાકેદાર મનોરંજક ફિલ્મ જોવા મળશે, પણ… ઓકે, પહેલાં તમે આ વાંચોઃ ડિરેક્ટર હોમી અડાજણિયા જાણીતા છેઃ સાઈકોલોજિકલ થ્રિલર ‘બીઈંગ સાયરસ’ (2006), ‘કૉકટેલ’ (2011), ‘ફાઈન્ડિંગ ફ્રેની’ (2016) માટે. હવે એ આવ્યા છે 2017માં આવેલી સુપરહીટ ‘હિંદી મિડિયમ’ની સિક્વલ ‘અંગ્રેજી મિડિયમ’ લઈને. સાકેત ચૌધરી લિખિત-દિગ્દર્શિત (સહલેખિકાઃ ઝીનત લાખાણી) ‘હિંદી મિડિયમ’ના હાર્દમાં હતુંઃ દિલ્હીનાં એક ધનાઢ્ય, પણ બોલવેચાલવે દેશી દંપતી (ઈરફાન-સબા કમર)ની પોતાની લાડકી દીકરી પિયાને પાટનગરની ટૉપ સ્કૂલમાં ઍડમિશન અપાવવાનું ઝનૂન. ‘અંગ્રેજી મિડિયમ’નું હાર્દ એ જ છેઃ સંતાનનું સપનું સાકાર કરવા માગતા માવતરનું ઝનૂન. અહીં સંતાનનું સપનું છે લંડનની અતિમોંઘી, અતિપ્રતિષ્ઠિત કૉલેજમાં ભણવા જવાનું.

ઉદયપુરનો મધ્યમવયસ્ક ચંપક બંસલ (ઈરફાન ખાન) સિંગલ પેરન્ટ છે, શહેરની બજારમાં મીઠાઈની દુકાન ચલાવે છે. પત્નીના અવસાન બાદ એણે દીકરી તારિકાને એકલેહાથે ઉછેરી છે. તારિકા (રાધિકા માદન) હવે કિશોરાવસ્થામાં છે. એનું એક જ સપનું છેઃ લંડન ભણવા જવું ને દુનિયા જોવી. આ માટે સંજોગ પણ સર્જાય છે. એની સ્કૂલમાંથી ત્રણ વિદ્યાર્થીને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લંડનની વિશ્વવિખ્યાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળે છે. જો કે અચાનક કંઈ એવું બને છે કે એનું નામ પડતું મૂકવામાં આવે છે. એ પછી ચંપક પોતાના પિતરાઈ તથા ધંધામાં પ્રતિસ્પર્ધી ગોપી (દીપક ડોબ્રિયાલ) સાથે મળીને તારિકાને લંડનની એ જ અતિપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં મોકલવા કમર કસે છે અને શરૂ થાય છે ઉદયપુરથી યુકેના પ્રવાસની રોલરકોસ્ટર રાઈડ.

ઉદયપુરનો એક મધ્યમવર્ગી કંદોઈ પોતાના પિતરાઈ સાથે મળીને દીકરીને લંડન મોકલવા જે જે તિકડમ કરે એ એક સુવાંગ સેટાયરનું જડબેસલાક મટીરિયલ હતું. કમનસીબે એ તક સર્જકોએ વેડફી નાખી ને ફિલ્મ ફારસ-મેલોડ્રામાની વચ્ચે અટવાતી એક એવરેજ ફિલ્મ બનીને રહી ગઈ. કથા-પટકથા લખવામાં ડિરેક્ટર-લેખકોએ કોઈ હોમવર્ક કર્યું હોય એવું લાગતું નથી (લેખનનો શ્રેય ચાર લેખકોને આપવામાં આવ્યું છેઃ ભાવેશ માંડલિયા, ગૌરવ શુક્લા, વિનય છાવલ, સારા બોડિનાર). લંડનની યુનિવર્સિટીમાં ઍડમિશન મળ્યું જ નથી તો પોતે શું કામ લંડન જઈ રહી છે? એવો એક બેઝિક સવાલ તારિકા એના પપ્પાને-કાકાને પૂછતી નથી. કે નથી એ એના પિતાને પૂછતી કે મારો ત્યાં ભણવાનો-રહેવા-ખવાપીવાનો ખર્ચ તમે ક્યાંથી કાઢશો? લંડનમાં લૅન્ડ થયા બાદ ઈમિગ્રેશનના સીન્સ પણ આઘાતજનક નબળા છે. કસ્મટવાળા સાથે વાતચીતમાં લોચા મારવાને લીધે ચંપક-ગોપીને ડિપોર્ટ કરવામાં આવે છે, જ્યારે તારિકા બન્નેને શોધ્યા કરે છે. એ ઉદયપુર સગાને ફોન કરે છે, પણ ઍરપોર્ટ-સ્ટાફને પૂછતી નથી કે મારી સાથે આવેલા મારા પપ્પા-કાકા ક્યાં ગયા? એ જ ચંપક-ગોપી ફરી પાછા પાકિસ્તાની બનીને લંડન આવી જાય છે ને આસાનીથી ઈમિગ્રેશન પાસ કરી જાય છે. આખા ને આખાં હાથી પસાર થઈ જાય એવાં તો કંઈકેટલાં ગાબડાં છે ફિલ્મની પટકથામાં.

ઈરફાન ખાન, દીપક ડોબ્રિયાલથી લઈને મનુ રિશી, પંકજ ત્રિપાઠી, રણવીર શૌરી, ડિમ્પલ કાપડિયા, કરીના કપૂર જેવા કલાકારો એક ફિલ્મમાં હોય તો એ ફિલ્મ કેવી બને એની કલ્પના કરવી અશક્ય છે, પણ આપણી શ્રદ્ધા હોવી એ એક વાત ને વાસ્તવિકતા સામે આવે એ જુદી વાત… ફિલ્મમાં કેટલીક સાઈડસ્ટોરી છે. જેમ કે ઘસીટારામ હલવાઈના વારસ એવા ચંપક-ગોપી વચ્ચે બ્રાન્ડનેમ વાપરવાની કાનૂની લડાઈ, લંડનમાં વસતી ડિમ્પલ કાપડિયા ને એની પુલીસ અફસર દીકરી કરીના કપૂર વચ્ચે મનમુટાવ, વગેરે, પણ એમાંથી નિષ્પન્ન કંઈ જ થતું નથી.

‘અંગ્રેજી મિડિયમ’ હું જોવાની ભલામણ કરીશ માત્ર અને માત્ર ઈરફાન ખાન, દીપક ડોબ્રિયાલ, રાધિકા માદન માટે. વધારાનો અડધો સ્ટાર પણ આ માટે આપ્યો છે. બન્ને, ઈરફાન-દીપક ‘હિંદી મિડિયમ‘ને એક અલગ ઊંચાઈએ લઈ ગયેલા. અહીં પણ બન્ને છવાઈ ગયા છે. ટૉપર સ્ટુડન્ટની જેમ બન્ને ફિલ્મને ગ્રેસ માર્ક્સ અપાવે છે. એમાંયે ઈરફાન-રાધિકાના સીન કમાલ કરે છે, જે માટે લેખકોને ક્રેડિટ આપવી રહી. બાકી? વેલ…

(જુઓ ‘અંગ્રેજી મિડિયમ’નું  ટ્રેલર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular