Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsઘઉંના લોટના પાપડ

ઘઉંના લોટના પાપડ

કોઈવાર રોટલીનો લોટ વધુ બંધાઈ ગયો હોય તો તેમાંથી પાપડ બનાવી શકાય છે. આ પાપડ રોટલી માટે બાંધેલા લોટમાંથી જ બની જાય છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1½ કપ
  • કાળા મરી 8-01
  • આખા સૂકાં લાલ મરચાં 2
  • જીરુ 1 ટી.સ્પૂન
  • લોટ બાંધવા માટે પાણી

રીતઃ રોટલીના લોટ જેવો બાંધેલો લોટ લઈ તેને એક બાઉલમાં મૂકીને લોટ ડૂબે તેટલું પાણી ભરી લેવું. અથવા લોટને ચપટો કરીને પણ પાણીમાં ડૂબતો રાખવો. આ લોટને 1 કલાક માટે ઢાંકીને રહેવા દેવો.

1 કલાક બાદ લોટને હાથેથી મસળીને પાણીમાં ઓગાળી દેવો.

એક ચાળણી લેવી. સૂપની પણ લઈ શકાય છે. તેની ઉપર સુતરાઉ કપડું ગોઠવીને આ લોટનું પાણીવાળું મિશ્રણ ચમચી વડે હલાવતાં હલાવતાં ગાળી લો. પાણી નિતરી જાય ત્યારબાદ વધેલો લોટ કાઢી નાખવો.

આ મિશ્રણને ફરી એકવાર ચાળણીમાંથી ગાળી લેવું  અને ફરીથી ઢાંકીને 2 કલાક માટે રાખી મૂકવું. 2 કલાક બાદ આ મિશ્રણમાં પાણી ઉપર તરી આવશે. તે પાણી હળવેથી કાઢી લો. પાણી કાઢી લીધા બાદ તળિયે ઘટ્ટ લોટ જામેલો હશે. આ જ લોટમાંથી પાપડ બનાવવાના છે.

એક ચમચી વડે ઘઉંના મિશ્રણને હલાવી લો. આ મિશ્રણ ઢોકળાના ખીરા જેવું હોવું જોઈએ. કાળા મરી તેમજ આખા સૂકાં લાલ મરચાંને થોડા ખાંડી લેવા. તેને લોટના મિશ્રણમાં મિક્સ કરી દો. સાથે સ્વાદ મુજબ મીઠું તેમજ જીરૂ પણ ઉમેરી દો.

ઢોકળા બાફીએ તે રીતે આ પાપડ બાફવાના છે. તે માટે એક મોટી કઢાઈ લો, મોટી તપેલી પણ લઈ શકો છો, જેને બંધબેસતી થાળી આવી જાય. આ વાસણમાં કાંઠો મૂકી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાણી ગરમ કરવા મૂકો.

એક થાળીને તેલ ચોપડી લો. ઢોસા બનાવીએ તે રીતે અડધી કળછી ખીરૂં લઈને આ થાળીમાં પુરી જેવડું ખીરૂં એક બાજુએ ફેલાવી રાખો. આખી થાળીમાં આવે તે રીતે બાકીના પાપડ ચમચા વડે પાથરી દો. (4-5 પાપડ આવશે.) આ થાળી લઈને ગરમ પાણીની કઢાઈમાં કાંઠા ઉપર મૂકી દો. થાળીને ઢાંકવાની જરૂર નથી. 15-20 સેકન્ડમાં પાપડ ઉપરથી સૂકાઈ જાય એટલે આ થાળીને ઉલટાવીને મૂકો. ફરીથી 15 સેકન્ડ બાદ થાળી ઉતારી લો. એક ચપ્પૂની મદદ વડે પાપડને એક કિનારીએથી ઉખેળો અને હાથેથી ઉંચકીને એક મોટા પ્લાસ્ટીક પર ગોઠવી દો. આ જ રીતે બાકીના પાપડ પણ ગોઠવી દો.

બધા પાપડ બની જાય એટલે પ્લાસ્ટીક પર પાથરીને તડકે 4-5 કલાક માટે સૂકવી દો. જો તડકો ઘરમાં ના આવતો હોય તો પંખાની હવામાં પણ સૂકવી શકો છો. પણ વર્ષભર માટે પાપડ રાખવા હોય તો 2-3 કલાકનો તડકો લાગવો જરૂરી છે.

આ પાપડ એક દિવસમાં બનીને તૈયાર થઈ જાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular