Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsરવો તેમજ બટેટાના ઢોકળા

રવો તેમજ બટેટાના ઢોકળા

ઈન્સ્ટન્ટ ઢોકળામાં વેરાયટી જોઈતી હોય તો રવા તથા બટેટાના ઢોકળા બનાવી શકાય! જે ઘણાં સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ  

  • રવો 1 કપ
  • પાણી ½ કપ
  • ઘી અથવા તેલ 2 ટે.સ્પૂન
  • દહીં 2 ટે.સ્પૂન
  • બટેટા 2
  • ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન (અથવા લીલા તીખા મરચાં 2-3)
  • આદુ 1 ઈંચ ખમણેલું
  • ઈનો અથવા બેકીંગ સોડા ½ ટે.સ્પૂન
  • લીંબુનો રસ ½ ટે.સ્પૂન

રીતઃ કાચા બટેટાને ખમણીને પાણીમાં રાખી મૂકો.

મિક્સીમાં રવો, પાણી ½ કપ, ઘી તેમજ દહીં નાખીને બારીક પીસી લો. હવે ખમણેલા બટેટામાંથી પાણી નિતારી લઈ આ બટેટાનું ખમણ રવામાં ઉમેરી દો. તેમાં ચિલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું, ખમણેલું આદુ મેળવી દો. આ ખીરું ઢોકળાના ખીરા જેટલું પાતળું હોવું જોઈએ.

એક કઢાઈ અથવા ઢોકળા બાફવા માટેના કૂકર અથવા વાસણમાં સ્ટેન્ડ અથવા કાંઠો મૂકીને 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકો. (થાળીમાં પાણી ન જવું જોઈએ).

મિશ્રણ રેડી થાય એટલે તેમાં ઈનો પાવડર નાખી તેની ઉપર ½ ટે.સ્પૂન લીંબુનો રસ મિક્સ કરીને 2 મિનિટ સુધી એકસરખું હલાવો. આ મિશ્રણને એક થાળીમાં તેલ ચોપડીને તેમાં રેડી દો. અને ઢોકળા બાફવાના વાસણમાં સ્ટેન્ડ પર ગોઠવી દો. ઉપર થાળી અથવા ઢાંકણ એ રીતે ઢાંકો કે વરાળ બહાર ના જાય. ગેસની આંચ મધ્યમ રાખીને 15 મિનિટ માટે થવા દો. ત્યારબાદ બેટરને ચપ્પૂ  વડે તપાસો. જો મિશ્રણ ચપ્પૂમાં ચોંટે તો તે તૈયાર નથી થયું તો ફરીથી પાંચેક મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને થાળીને બહાર કાઢી ઠંડી થવા દો. આ મિશ્રણ ઠંડું થાય પછી તેના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કરો.

એક નોનસ્ટીક તવામાં 1 ટે.સ્પૂન ઘી ગરમ કરી તેમાં જીરુ સાંતળો. ત્યારબાદ ઢોકળાના ટુકડા તેમાં ગોઠવીને શેલો ફ્રાય કરી લો. આ ઢોકળાનો વઘાર રાઈ, લીલા મરચાં અને કળીપત્તા વડે પણ કરી શકાય છે. આ નાસ્તો ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular