Monday, July 28, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsકાંદા-બટેટાના કુરકુરા ભજીયા

કાંદા-બટેટાના કુરકુરા ભજીયા

કાંદાના કુરકુરા ભજીયા તો તમે ખાધાં જ હશે. હવે બનાવો કાંદા તેમજ બટેટાના કુરકુરા ભજીયા!

સામગ્રીઃ

  • બટેટા 4
  • કાંદા 2
  • લીલા મરચાં 2 (ભજીયામાં નાખવા) અને 5-6 તળવા માટે
  • આદુનો ટુકડો 1½ ઈંચ
  • લસણની કળીઓ 8-10 (optional)
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 2  ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ભજીયા તળવા માટે
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 5-6 ટે.સ્પૂન

રીતઃ બટેટા છોલીને ધોઈને એક સુતરાઉ કાપડથી લૂછીને સૂકાં કરીને ખમણી લો. ત્યારબાદ તેને 2-3 પાણીએથી ધોઈને ફરીથી એજ બાઉલમાં પાણીમાં પલાળી રાખો. બીજી બાજુએ કાંદાની લાંબી પાતળી  ચીરી સમારી લો.  આદુ-લસણ તેમજ લીલા મરચાંને ખાંડણીયામાં અધકચરા વાટી લો અથવા મિક્સીમાં અધકચરા પીસી લો.

બટેટાની છીણને બે હાથમાં લઈ તેમાંથી પાણી નિચોવીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં લાંબી ચીરી સમારેલાં કાંદાની ચીરીઓને ચોળીને, છૂટ્ટી પાડીને મેળવી દો. કોથમીર તેમજ આદુ-લસણની પેસ્ટ તેમજ સૂકો મસાલો મેળવી દો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. આ મિશ્રણને ચોળીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચોખાનો લોટ ઉમેરો અને ચણાનો લોટ પણ ઉમેરીને પાણી નાખ્યા વગર મિક્સ કરો. હવે આ મિશ્રણ હાથમાં લઈને વાળતાં થોડું પણ બંધાઈ તેવું બને તો તેમાંથી ભજીયા બનાવવા. પરંતુ જો છૂટું પડતું હોય તો 1-2 ચમચી ચણાનો લોટ ઉમેરી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને ભજીયાનું મિશ્રણ અંગૂઠા અને બે આંગળીને મદદ વડે એ રીતે લો કે ભજીયા ગોળાકાર ના બનતાં આકાર વિનાના ભજીયા બને. જેમાં કાંદા તેમજ બટેટાની સળીઓ પણ છૂટ્ટી બહાર દેખાય, તો જ ભજીયા ક્રિસ્પી બનશે.

ભજીયા તળી લીધાં બાદ લીલા મરચાંમાં કાપા પાડીને તળી લો. આ ભજીયા ગરમાગરમ સારાં લાગશે!

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular