Wednesday, May 21, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsમિની બટેટા પીઝા

મિની બટેટા પીઝા

બટેટા પીઝાની રીત વાંચતાં જ મોંઢામાં પાણી આવી જાય છે. તો તૈયાર કરેલા પીઝા ખાવામાં કેટલા યમ્મી હશે નહિં! તો રાહ શેની જોવી, બનાવી લો બટેટા પીઝા, જે બહુ જ સહેલાઈથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે હં…!

સામગ્રીઃ

  • નાના મિડિયમ સાઈઝના બટેટા 8
  • ચેરી ટામેટા 5-6
  • કોર્નફ્લોર 1 કપ
  • પિઝા શેકવા માટે જરૂરી તેલ
  • મોઝરેલા ચીઝ 300 ગ્રામ
  • ઓરેગેનો પાઉડર, ચિલી ફ્લેક્સ અથવા પિઝા મસાલા 2 ટે.સ્પૂન

રીતઃ બટેટાને બાફી લેવા. એક મોટી પ્લેટમાં બટર પેપર પાથરી દો અથવા કીચન ટેબલ પર બટર પેપર મૂકી તેની ઉપર કોર્નફ્લોર ભભરાવી દો. હવે તેની ઉપર બાફેલા બટેટા મૂકી દો. દરેક બટેટાને સપાટ તળિયાવાળી વાટકી વડે પ્રેસ કરો. જેથી બટેટા ચપટા પુરી જેવા (પરંતુ 1 સે.મી. જાડાઈના) થઈ જાય. ત્યારબાદ બધા બટેટા પર ફરીથી કોર્નફ્લોર ભભરાવી દો.

ટામેટાંની પાતળી સ્લાઈસ કરીને એક પ્લેટમાં ગોઠવી રાખો. ચીઝને નાના પીસમાં સમારી લેવું.

એક ફ્રાઈ પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન તેલ લઈને પેન ફરતે તવેથા વડે લગાડી લો. પેન ગરમ થાય એટલે બટેટાને તવેથા વડે હળવેથી ઉપાડીને ફ્રાઈ પેનમાં મૂકો. જેટલા બટેટા આવે તેટલા ગોઠવી દો. ફરતે જરૂર મુજબ તેલ થોડું થોડું રેડવું. બટેટા એકબાજુએથી ગોલ્ડન રંગના શેકાઈ જાય એટલે ઉથલાવીને બીજી બાજુએથી પણ ગોલ્ડન રંગના શેકી લેવા.

હવે દરેક બટેટા પર ચપટી મીઠું તેમજ કાળા મરી પાવડર ભભરાવો. ત્યારબાદ ચમચી વડે ટોમેટો કેચઅપ લગાડીને ટામેટાંની 2-3 સ્લાઈસ ગોઠવી દો તથા તેની ઉપર ચીઝના થોડા ટુકડા સજાવી દો.

આ રીતે દરેક બટેટા પિઝાની ટોપિંગ સજાવી લો અને તેને ઢાંકીને ગેસની ધીમી આંચ પર 3-4 મિનિટ થવા દો. તેમાંનું ચીઝ ઓગળી જાય એટલે દરેક બટેટા પર પિઝા મસાલા ભભરાવી દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને એક-એક પિઝા તવેથા વડે હળવેથી ઉંચકીને પ્લેટમાં ગોઠવી દો. 2 મિનિટ બાદ થોડા ઠંડા થાય એટલે ખાવા માટે પીરસો. કારણ કે, બટેટા અંદરથી ગરમ હશે.

 

પિઝાની ટોપિંગ્સ તમે તમારી પસંદ અનુસાર લઈ શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular