Monday, July 14, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsવધેલી રોટલીનો ક્રિસ્પી નાસ્તો

વધેલી રોટલીનો ક્રિસ્પી નાસ્તો

ઘણીવાર રાત્રે જમવામાં રોટલી વધી જતી હોય છે. બીજા દિવસે ઠંડી રોટલીઓ ખાવાનો કંટાળો આવતો હોય છે. પણ કોઈકવાર આ રોટલી વઘારીને સવારે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • રાતની વધેલી રોટલી 4-5
  • કાંદો 1
  • આદુ-લસણ ખમણેલાં 1 ટે.સ્પૂન
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • કોબી ઝીણી સમારેલી ¼ કપ
  • ધાણાજીરુ પાવડર 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • શેઝવાન ચટણી 2 ટે.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
  • કાળાં મરી પાવડર ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • લીલા કાંદા પાન સાથે ધોઈને સમારેલાં ½ કપ
  • તેલ 2-3 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું,
  • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન(રોટલીમાં નાખવા માટેના શાક તમારી પસંદગી મુજબ લઈ શકો છો. કાંદા ન નાખવા હોય તો તેને સ્કીપ કરી શકાય છે.)

રીતઃ રોટલીઓને એકસાથે મૂકીને એનો રોલ કરી લો. આ રોલના ચપ્પૂ વડે પાતળાં રોલ કટ કરી લો. ત્યારબાદ તેને છૂટાં કરી લો, તો તે નૂડલ્સ જેવા કટ થયેલાં હશે. મોટા ટુકડાને કટ કરીને થોડાં નાના કરી લો.

નોન-સ્ટીક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ઉમેરીને પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. રોટલીના કટકા તેમાં નાખીને શેલો ફ્રાઈ કરીને ક્રિસ્પી થવા દો. ગેસની આંચ ધીમી રાખવી. થોડીવાર બાદ મધ્યમ આંચે રોટલી શેકવી. 3-4 મિનિટમાં રોટલી ક્રિસ્પી થવા આવશે. ત્યારબાદ રોટલીને એક બાઉલમાં કાઢી લો. રોટલી ઠંડી થયા બાદ તે કડક થઈ જશે. રોટલી ઉપર થોડું મીઠું ભભરાવી દો. (જો રોટલીમાં મીઠું નાખ્યું હોય તો નાખવાની જરૂર નથી.)

પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં ખમણેલાં આદુ-લસણની પેસ્ટ સાંતડો. 1 મિનિટ બાદ કાંદો ઝીણો સમારેલો ઉમેરી 2 મિનિટ સાંતડો.

કોબી, ગાજર, સિમલા મરચાંની પાતળી સ્લાઈસ કરીને તેમાં હવે સાંતડો. થોડું મીઠું ભભરાવીને કાળાં મરી પાવડર તેમજ મસાલા પણ નાખી દો. સુધારેલાં લીલા કાંદાના પાન તેમજ કોથમીર નાખીને 2-3 મિનિટ સાંતડી લીધા બાદ તેમાં શેઝવાન ચટણી તથા ટોમેટો કેચ-અપ ઉમેરી દો. ગેસની આંચ તેજ રાખીને હજુ 2-3 મિનિટ સાંતડીને ઉતારી લો.

તૈયાર છે રોટલીનો સ્વાદિષ્ટ નાસ્તો!

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular