Monday, August 18, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsઈન્સ્ટન્ટ મેંગો મલાઈ કેક

ઈન્સ્ટન્ટ મેંગો મલાઈ કેક

ગરમીની સિઝન છે. કેરીની સિઝન પણ છે. બાળકોનું વેકેશન પણ છે. તો કંઈક નવું જે બાળકોને ખાવામાં મઝા પડે તેવું એટલે કે, મેંગો મલાઈ કેક બનાવી લો!

સામગ્રીઃ

  • સાકર ½ કપ
  • કેસરના તાંતણા 8-10
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • દૂધ ½ લિટર
  • સાકર 3 ટે.સ્પૂન
  • મલાઈ 2-3 ટે.સ્પૂન
  • પાકી મીઠી કેરી 2
  • રસ્ક (ટોસ્ટ બિસ્કીટ) 8-10

કસ્ટર્ડ પાઉડરઃ

  • દૂધ 3 ટે.સ્પૂન
  • આરાલોટ 3 ટે.સ્પૂન
  • વેનિલા એસેન્સ ½ ટી.સ્પૂન
  • ખાવાનો રંગ 3-4 ટીપાં

રીતઃ એક વાસણમાં 1 કપ પાણી લઈ તેમાં ½ કપ સાકર મેળવીને ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. સાકર ઓગળે અને 1-2 તારની ચાસણી તૈયાર થાય એટલે તેમાં એલચી પાઉડર તથા કેસરના તાંતણા નાખી દો. પાંચેક મિનિટ ગરમ કરીને તેને એકબાજુએ મૂકી દો.

એક બાઉલમાં 3 ટે.સ્પૂન ઠંડું દૂધ લઈ આરાલોટ મેળવી લો. તેમજ વેનિલા એસેન્સ તેમજ ખાવાનો રંગ મેળવીને એકબાજુએ મૂકી દો.

એક વાસણમાં ½ લિટર દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે ગેસની આંચ મધ્યમ કરીને 3 ટે.સ્પૂન સાકર મેળવી દો. હવે કસ્ટર્ડ પાઉડરવાળું બાઉલ લઈ તેને ફરીથી ચમચીથી એકવાર હલાવી લો. જેથી કસ્ટર્ડ નીચે જામી ગયું હોય તો એકરસ થઈ જાય. હવે તેને ધીરે ધીરે ગરમ દૂધમાં રેડતા જાવ અને તવેથા અથવા સ્પેટૂલા વડે હલાવતા જાવ. તે સાથે મલાઈ પણ દૂધમાં ઉમેરી દો. આ દૂધને એકસરખું સ્પેટૂલા વડે હલાવતા રહેવું, જ્યાં સુધી તે સ્પેટૂલામાં ચોંટે તેવું ઘટ્ટ ન થાય ત્યાં સુધી એટલે કે, લગભગ દસેક મિનિટ જેટલા સમયમાં તૈયાર થવા આવે એટલે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા મૂકી દો.

1 પાકી કેરીને ધોઈને છોલીને ટુકડા કરીને પ્યુરી બનાવી લો. પ્યુરી બની જાય એટલે ઠંડા થયેલા કસ્ટર્ડમાં મેળવીને જેરણીથી એકસરખું હલાવી લો. જ્યાંસુધી એકરસ થયેલી પ્યુરી તૈયાર ન થાય.

બીજી પાકી કેરીના નાના ચોરસ ટુકડા કરીને એકબાજુએ મૂકી રાખો.

ટોસ્ટ બિસ્કીટને ચાસણીમાં ડુબાડીને તરત કાઢી લઈ એક ચોરસ ટ્રેમાં ગોઠવતા જાઓ. ટોસ્ટ ગોઠવાઈ જાય એટલે તેની ઉપર મેન્ગો પ્યુરી અને કસ્ટર્ડ પાઉડરવાળું મિશ્રણ ટોસ્ટ ઢંકાય તેટલું રેડી દો. તેની ઉપર બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો અને કેરીના નાના ટુકડા પણ સજાવી દો. હવે ફરીથી તેની ઉપર ટોસ્ટની બીજી લેયર ગોઠવી દો અને ફરીથી ઉપર પ્યુરી રેડીને બદામ-પિસ્તાની કાતરી તેમજ કેરીના ટુકડા સજાવી દો.

આ આઈસ્ક્રીમ કેકને ઢાંકીને ફ્રીજમાં 2-3 કલાક માટે મૂકી દો. ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લેતી વખતે ચોરસ ટુકડામાં કટ કરીને પીરસો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular