Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsજાળીદાર કોપરાનો મૈસુર પાક

જાળીદાર કોપરાનો મૈસુર પાક

દિવાળીનો તહેવાર એકાદશીથી શરૂ થાય છે. તો ફરાળી મીઠાઈ કોપરાનો જાળીદાર મૈસુબ (મૈસુર પાક) બનાવીને દિવાળી ઉજવણીની શરૂઆત કરી લો!

સામગ્રીઃ

  • સૂકા કોપરાનું છીણ 1 વાટકી
  • સાકર 1 વાટકી
  • ઘી 1 વાટકી
  • પાણી ½ વાટકી

રીતઃ એક ટ્રે અથવા થાળીને ઘી લગાડીને એકબાજુએ રાખી મૂકો.

એક વાસણ અથવા કઢાઈમાં કોપરાનું છીણ, સાકર, ઘી તેમજ પાણી મેળવીને સ્પેટુલા અથવા ઝારા વડે મિક્સ કરો. એકસરખું મિક્સ થયા બાદ ગેસની ફ્લેમ ચાલુ કરી લીધા બાદ કઢાઈને ગેસ ઉપર મૂકો.

ગેસની આંચ તેજ રાખીને કોપરાના મિશ્રણને ઝારા વડે એકસરખું એક જ દિશામાં 2 મિનિટ સુધી સતત હલાવતા રહેવું. વચ્ચે જરા પણ અટકવું નહીં. 2 મિનિટમાં મિશ્રણમાંની સાકર ઓગળે અને પાણી જેવું એકરસ થઈ જાય એટલે તરત જ ગેસની આંચ મધ્યમ-ધીમી કરી દો.

હજી પણ ઝારાને એકસરખો હલાવતા રહો. દર 2 મિનિટે મિશ્રણ બદલાતું રહેશે. જેમ કે, મિશ્રણ ફૂલવા લાગશે તેમજ ઝારો ફેરવતાં મિશ્રણ હલકું પણ થવા માંડશે. ગેસની આંચ મધ્યમ-ધીમી જ રાખવી અને ઝારા વડે મિશ્રણ સતત હલાવતા રહેવું. મિશ્રણ ફૂલેલું હોય તેમજ હલકું થયું હોય અને જેવું મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ તરત જ બંધ કરીને ઘી ચોપળેલી થાળી અથવા ટ્રેમાં કઢાઈમાંનું મિશ્રણ રેડી દો.

મિશ્રણ ટ્રેમાં પાથરતી વખતે વચ્ચે લેવલ કરવા માટે ચમચો જરા પણ ના લગાડવો. મિશ્રણને આપમેળે ફેલાવા દો. મિશ્રણ પથરાઈ જાય એટલે ટ્રેને ચારે કિનારેથી પકડીને સેટ કરી લો. પણ ચમચો ઉપર ના ફેરવવો. નહીંતર તેમાં જાળી નહીં પડે. આ કોપરાના મૈસુર પાકને 10 મિનિટ માટે થોડો ઠંડો થવા દો. 10 મિનિટ બાદ તરત જ ચપ્પૂ વડે તેના ચોસલા કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને ફરીથી 2-3 કલાક માટે સેટ થવા દો.

કોપરાનો મૈસુર પાક એકદમ ઠંડો થઈ જાય એટલે એક થાળીમાં ટ્રેને ઉંધી વાળીને ચોસલા બહાર કાઢીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular