Sunday, July 20, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenઉષા ખન્ના: ગાયિકાને બદલે સંગીતકાર

ઉષા ખન્ના: ગાયિકાને બદલે સંગીતકાર

સંગીતકાર ઉષા ખન્નાને કલ્પના ન હતી કે તે બોલિવૂડમાં ગાયિકા બનવા માગે છે અને સંગીતકાર બનીને કારકિર્દી બનાવશે અને મહિલા સંગીતકારોમાં સૌથી વધુ સમય સુધી સંગીત આપવાનો વિક્રમ કરશે. ‘બરખા રાની જરા જમ કે બરસો’, હમ તુમ સે જુદા હો કે’, ‘તેરી ગલિયોં મેં’, ‘શાયદ મેરી શાદી કા ખયાલ’ જેવા લોકપ્રિય ગીતોમાં સંગીત આપનાર ઉષાના પિતા મનોહરલાલ ખન્ના એક કવિ અને સંગીતકાર હતા. તે મુંબઇમાં આવીને અભિનેત્રી નરગીસના માતા અને ગીતકાર-સંગીતકાર-અભિનેત્રી એવાં જદ્દનબાઇની કંપનીમાં કામ કરતા હતા ત્યારે ગીતકાર ઇન્દીવર તેમના મિત્ર હતા. તેમણે યુવાન ઉષાને ગાતી સાંભળી. ઉષા ધૂન પણ બનાવતી હતી.

ઉષાની ગાયિકા બનવાની ધૂન જોઇને ઇન્દીવર તેને નિર્માતા શશધર મુખર્જી પાસે લઇ ગયા. એસ. મુખર્જીએ તેનું ગાયન સાંભળીને કહ્યું કે તું લતા કે આશા જેવું ગાઇ શકતી નથી. ગાયિકા બનવાનું રહેવા દે. ત્યારે ઇન્દીવરે કહ્યું કે ઉષા ધૂન બનાવી શકે છે. હમણાં જે ગીત રજૂ કર્યું એની ધૂન ઉષાએ જ બનાવી છે. એસ. મુખર્જીને વિશ્વાસ ના આવ્યો. તેમણે એક ગીતનું મુખડું આપ્યું અને ધૂન બનાવવા કહ્યું. ઉષાએ તૈયાર કરેલી ધૂન સાંભળીને તેમણે કહ્યું કે તું સંગીતકાર બની શકે છે. જોકે, ઉષા એમ સરળતાથી સંગીતકાર બની ગયા ન હતા. એસ. મુખર્જીએ ઉષાને તાલીમ આપવા માટે દરરોજ ચાર ગીતની ધૂન બનાવીને સંભળાવવાનું કહ્યું. તેમણે પહેલી ફિલ્મ ‘દિલ દેકે દેખો’ માં તક આપતાં પહેલાં ઉષા પાસેથી દરરોજ તાજી ચાર ધૂન એક વર્ષ સુધી સાંભળી. ઉષા માને છે કે તાલીમ માટેની આનાથી વધારે સારી કોઇ રીત હોય શકે નહીં. એ એક વર્ષમાં ઉષાએ ધૂન બનાવવાની ટેકનિક પણ શીખી લીધી.

એસ. મુખર્જીએ પોતાની શમ્મી-આશાની ફિલ્મ ‘દિલ દેકે દેખો'(૧૯૫૯) માં ઉષાને પહેલી વખત સંગીત આપવાની તક આપી. અલબત્ત આ ફિલ્મમાં સહાયક સંગીતકાર તરીકે ટાઇટલ્સમાં સોનિક(ઓમી) અને માસ્ટર સોનિકનું નામ અપાયું છે. ‘દિલ દેકે દેખો’ ના બધાં જ ગીતો હિટ રહ્યા. પણ પુરુષપ્રધાન સંગીતકારોના બોલિવૂડમાં ઉદય પામેલી સોળ વર્ષની ઉષા માટે એવી વાત ચાલી કે તેણે ‘ઓ.પી. નૈયર’ ના સંગીતની નકલ કરી છે અથવા તેને બીજા કોઇએ ધૂન તૈયાર કરી આપી છે. એસ. મુખર્જીએ વિશ્વાસ મૂકીને પોતાની બીજી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની'(૧૯૬૦) માં ઉષાને ફરી સંગીતકાર તરીકે તક આપી. સુનીલ દત્ત- આશા પારેખની આ ફિલ્મના ‘છોડો કલ કી બાતેં’, બલમા રે હાયે… વગેરે ગીતો લોકપ્રિય થયા. તેમ છતાં ઉષાએ ચાર વર્ષ સુધી ઘરે બેસી રહેવાનો સમય આવ્યો.

છેક ૧૯૬૪ માં મહેમૂદ- એલ. વિજયાલક્ષ્મીની અસ્પી ઇરાની નિર્દેશિત ફિલ્મ ‘શબનમ’ મળી. એના લતા(નિગાહોં કી જાદૂગરી), મુકેશ(તેરી નિગાહોં પે) અને મો.રફી(યે તેરી સાદગી)એ ગાયેલા ગીતો પસંદ કરવામાં આવ્યા. ૧૯૬૪ માં જ રજૂ થયેલી ઉષાના સંગીતવાળી જોય-સંજીવકુમાર-સાયરાની ‘આઓં પ્યાર કરેં’ ના ‘દિલબર દિલબર’, ‘તુમ અકેલે તો કભી બાગ મેં જાયા ના કરો’, યે ઝૂકી ઝૂકી નિગાહેં તેરી’ જેવા ગીતોએ ધૂમ મચાવી દીધી. એ પછી ઉષા ખન્નાએ ૧૯૯૮ ની શર્મિલા ટાગોરની ‘ઘર બાઝાર’ સુધી પાછું વળીને જોવું પડ્યું નથી. પાછળથી ઉષાને નિર્માતા-નિર્દેશક અને લેખક સાવનકુમાર ટાક સાથે મૈત્રી અને લગ્ન થયાં. થોડા વર્ષો પછી બંને અલગ પણ થઇ ગયા. છતાં તેમના વ્યવસાયિક સંબંધમાં કોઇ ઓટ આવી નહીં.

ઉષાની કારકિર્દીમાં સાવનકુમારની ફિલ્મો હવસ, સાજન કી સહેલી, પ્યાર કી જીત, સનમ હરજાઇ, લૈલા, સૌતન વગેરેના લોકપ્રિય ગીતોનો ફાળો મોટો રહ્યો. ઉષા ગાયિકા બની શક્યાં ન હતાં પણ એમનો ગાવાનો શોખ જરૂર પૂરો કર્યો. ‘પલ ભર કે લિએ…’ (જૉની મેરા નામ) માં કિશોરકુમાર સાથે અને ‘શામ દેખો ઢલ રહી હૈ’ (અંજાન હૈ કોઇ) માં ઉષાને ગણગણતી સાંભળી શકાય છે. ઉષાએ પોતાના અવાજમાં બિનફિલ્મી આલબમ ‘મૌસમ’ પણ બહાર પાડ્યું હતું.

(રાકેશ ઠક્કર- વાપી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular