Wednesday, May 21, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenરાજની ફિલ્મો અમિતાભ અને શશીએ મેળવી        

રાજની ફિલ્મો અમિતાભ અને શશીએ મેળવી        

રાજ બબ્બરનું પત્તું અમિતાભને કારણે એક મહત્વની ફિલ્મમાંથી કપાઇ ગયું હતું. જે અમિતાભની કારકિર્દીને લાભ કરાવી ગઇ હતી. રમેશ સિપ્પી દિલીપકુમાર સાથે કામ કરવા માગતા હોવાથી શિવાજી ગણેશનની પિતાની મજબૂત ભૂમિકાવાળી એક તમિલ ફિલ્મ જોઇને એના અધિકાર ખરીદી લીધા હતા. અને સલીમ- જાવેદને એના પરથી ‘શક્તિ’ (૧૯૮૨) ની વાર્તા લખવા કહ્યું હતું. સલીમ- જાવેદે એમાંના પિતા- પુત્રના એક મુખ્ય પ્રસંગને બાદ કરતાં અલગ રીતે જ ફિલ્મ લખી હતી. પિતાની ભૂમિકા માટે દિલીપકુમારને નક્કી કરી લીધા હતા. પુત્રની ભૂમિકા માટે કોઇ નવા અભિનેતાની વિચારણા હતી. લેખક સલીમ-જાવેદે દિલ્હીમાં એક નાટકમાં રાજનું કામ જોઇને રમેશ સિપ્પીને વાત કરી હતી.

દિલીપકુમારની સામે જ રાજનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને એમના પુત્રની ભૂમિકામાં રાજને પસંદ કરી લેવામાં આવ્યો હતો. એ સમય પર રાજ નવો ચહેરો હતો. જ્યારે અમિતાભ સ્ટાર અભિનેતા હતા. વિતરકો સિપ્પીના નિર્ણયથી ખુશ ન હતા. તેમણે અમિતાભને લેવાનું કહ્યું હતું. અમિતાભની હાજરીથી તેઓ વધારે કમાણી કરી શકતા હતા. ખુદ અમિતાભે ફિલ્મ વિશે જાણીને એને ફિલ્મ કેમ ના ઓફર કરી એવો સિપ્પીને સવાલ કર્યો હતો. સિપ્પીને હતું કે અમિતાભ મોટા સ્ટાર હોવાથી કહી શકાય એમ ન હતું. પણ વિતરકોનો નિર્ણય સાચો ઠર્યો હતો. પાછળથી ખુદ સિપ્પીએ કબૂલ કર્યું હતું કે અમિતાભે જે રીતે ભૂમિકાને ન્યાય આપ્યો હતો એ રીતે કોઇ કરી શક્યું ન હોત.

અમિતાભ સાથેની ફિલ્મ ‘નમક હલાલ’ (૧૯૮૨) પણ રાજ બબ્બરે ગુમાવી હતી. જે શશી કપૂરને મળી હતી. નિર્દેશક પ્રકાશ મહેરાએ રાજને બે ફિલ્મ માટે સાઇન કર્યો હતો. એમાંની એક ‘નમક હલાલ’ હતી. ત્યારે રાજે મહેરાને કહ્યું કે તેની પાસે મુંબઇમાં ઘર ન હોવાથી રહેવાની વ્યવસ્થા કરી આપવી પડશે. એમણે ઘરની વ્યવસ્થા કરી આપી હતી. એક વર્ષ પછી મહેરાએ એ ફિલ્મમાં રાજને રાખી શકે એમ ન હોવાનું કહ્યું હતું. ત્યારે રાજ બબ્બરે વધુ એક વર્ષ એ ઘરમાં રહેવાની વિનંતી કરી હતી. અને એ કારણે જ રાજ મુંબઇમાં રહીને પોતાનું ઘર લઇ શક્યો હતો. મહેરાએ ‘નમક હલાલ’ માં રાજના સ્થાને શશી કપૂરને લીધા હતા. એક રસપ્રદ વાત એ હતી કે જે બે ફિલ્મો રાજે ગુમાવી એમાં હીરોઇન સ્મિતા પાટિલ હતી. જે પાછળથી રાજની પત્ની બની હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular