Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenયશજીએ પૂનમની ચાંદ જેવી સુંદરતા ઓળખી

યશજીએ પૂનમની ચાંદ જેવી સુંદરતા ઓળખી

પૂનમ ધિલ્લોનનો વિચાર ક્યારેય અભિનયમાં આવવાનો ન હતો. એ અમસ્તી જ ગ્લેમરની દુનિયામાં આવી હતી. જ્યાં યશ ચોપડાએ એની ચાંદ જેવી સુંદરતા ઓળખીને ફિલ્મોમાં આવવા મનાવી લીધી હતી. પૂનમ સ્કૂલમાં ભણતી હતી ત્યારે એની બહેનપણીઓ સાથે સૌંદર્ય પ્રતિયોગિતા જોવા જવાનો વિચાર કર્યો હતો. ફેશન શૉ જોવાની પણ ઈચ્છા હતી. કારણ વગર ત્યાં જઇ શકાય એમ ન હતું. એટલે સૌંદર્ય સ્પર્ધામાં શોખ ખાતર ભાગ લેવાનું નક્કી કર્યું. પૂનમને ખબર ન હતી કે એ જીતી જવાની છે. ચંદીગઢમાં રહેતી પૂનમે પરિવારમાં કોઈને જાણ કરી ન હતી કે એ ‘મિસ દિલ્હી’ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.

ક્યારેય સાડી ન પહેરનાર પૂનમે માસીની સાડી મેળવીને પહેરી હતી અને જાતે જ મેકઅપ કર્યો હતો. છતાં પસંદ થઈ ગઈ અને ભાગ લીધો. એ ૧૬ વર્ષની હોવાથી ‘મિસ યંગ ઈન્ડિયા’ માં ભાગ લઈ શકે એમ હતી. ૧૮ વર્ષની ઉંમરની છોકરીઓ જ ‘મિસ ઈન્ડિયા’ માં ભાગ લઈ શકતી હતી. પૂનમ ‘મિસ દિલ્હી’ સ્પર્ધા જીતી ત્યારે ડરી ગઈ હતી. કેમકે મજાક- મસ્તીમાં જ ભાગ લીધો હતો. જોકે, પછી પરિવારે એના શોખને સ્વીકારી લીધો હતો અને એને ‘મિસ યંગ ઈન્ડિયા’ સ્પર્ધા જીતવામાં સાથ આપ્યો હતો. પૂનમ જીત્યા પછી અખબારોમાં એની તસવીરો આવી હતી. જે યશજીએ જોઈ હતી. પંજાબ યુનિવર્સિટીના બળવંત ગાર્ગી થિયેટર પ્રવૃત્તિ કરતા હતા. યશ ચોપડા એમને જાણતા હતા. એમના મારફત સંદેશો મોકલાવ્યો. પૂનમની માતાએ કોલેજની અનેક ડિગ્રી મેળવી હતી એટલે બળવંત એમને પણ જાણતા હતા. એમણે કહ્યું કે નિર્દેશક યશ ચોપડાએ પૂનમની તસવીર જોઈ છે અને એ ફિલ્મ ‘ત્રિશૂલ’ (૧૯૭૮) બનાવી રહ્યા છે એમાં લેવા માગે છે.

પૂનમના પરિવારને આ વાતથી નવાઈ લાગી હતી. પૂનમ જ નહીં ઘરમાં કોઈ ફિલ્મ જોતું ન હતું અને એમના પરિવારમાંથી કોઈએ ફિલ્મોમાં કામ કર્યું ન હતું. પિતા એરફોર્સમાં હોવાથી દૂર પોસ્ટિંગ થતું હતું અને માતા અભ્યાસ વધુ કરતાં હતા. એટલે પહેલાં તો ચોખ્ખી ના પાડી દીધી હતી કે એ ફિલ્મોમાં કામ કરશે નહીં. પરંતુ યશજી પૂનમને જ લેવા માગતા હતા. યશજીએ એક વખત મળવાનો આગ્રહ કરી બોલાવ્યા. અને પિતાને સમજાવતા કહ્યું કે અમે દિલ્હીમાં એક મહિનામાં જ શુટિંગ નિપટાવી લઈશું. પૂનમે મુંબઈ આવવાની પણ જરૂર પડશે નહીં. યશજીએ પૂનમને પૂછ્યું કે તો પછી તું કેમ ફિલ્મમાં કામ કરવા માગતી નથી? પૂનમે કહ્યું કે તે અભ્યાસ કરવા માગે છે. યશજીએ એને સમજાવ્યું કે વેકેશનમાં શૂટિંગ કરીશું એટલે અભ્યાસ પણ બગડશે નહીં. આખરે પૂનમ અને એનો પરિવાર માની ગયો.

પૂનમે અભિનયમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું ન હતું. શોખ ખાતર રજાઓમાં એક ફિલ્મ કરી પાછા અભ્યાસમાં લાગી જવાનું નક્કી કર્યું હતું. ‘ત્રિશૂલ’ પૂરી થઈ ગઈ અને પૂનમે કોલેજમાં પ્રવેશ મેળવી લીધો ત્યારે યશજી નવી ફિલ્મ ‘નૂરી’ (૧૯૭૯) નું આયોજન કરી રહ્યા હતા. એમાં પણ કામ કરવાની ઓફર કરી. પૂનમે એક જ ફિલ્મ કરવા માગતી હોવાનું જણાવી ના પાડી દીધી. યશજીએ નામ આપીને કહ્યું કે એમના બેનરમાં આ ફિલ્મ કરવા બીજી ઘણી અભિનેત્રીઓ વિનંતી કરી રહી છે પણ એ ભૂમિકામાં મને તું જ યોગ્ય લાગે છે. ત્યારે પૂનમને લાગ્યું કે ફિલ્મ મહત્વની છે પણ ફરી પ્રશ્ન અભ્યાસનો આવતો હતો. યશજીએ કહ્યું કે એક-દોઢ મહિનામાં ફિલ્મ પૂરી થઈ જશે અને પછી તું તારો અભ્યાસ કરી શકશે. ‘ત્રિશૂલ’ પછી ‘નૂરી’ પણ સફળ થઈ ગઈ એટલે રાજ કપૂર યશજીને મળ્યા અને કહ્યું કે તમે એને કરારમાંથી છૂટી કરી દો. હું એને ‘આર.કે.’ બેનરની હીરોઈન બનાવવા માગું છું. યશજીએ કરારમાંથી મુક્ત ના કરી પણ એમની ‘બીવી ઓ બીવી’ (૧૯૮૦) માં કામ કરવાની રજા આપી હતી. પૂનમ ફિલ્મો સાથે પોતાનો કોલેજનો અભ્યાસ ચાલુ રાખી સ્નાતક પણ થઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular