Saturday, August 23, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenશમ્મી કપૂરને 'સસુરાલ'ના ગીતનો અફસોસ  

શમ્મી કપૂરને ‘સસુરાલ’ના ગીતનો અફસોસ  

રાજેન્દ્રકુમારની ફિલ્મ ‘સસુરાલ’ (૧૯૬૧) માં પહેલાં શમ્મી કપૂર હીરો હતા. એ ફિલ્મ કરતાં એમાંનું એક ગીત ગુમાવ્યાનો શમ્મીને વધારે અફસોસ રહ્યો હતો. નિર્માતા એલ.વી. પ્રસાદે પોતાની હિટ તેલુગુ ફિલ્મ ‘ઇલ્લારીકમ’ પરથી તૈયાર થનારી ‘સસુરાલ’ નું સંગીત શંકર જયકિશનને સોંપ્યું હતું. જયકિશને મિત્ર શમ્મી કપૂર સાથે બેસીને ફિલ્મનું એક ગીત ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ તૈયાર કરી દીધું હતું. આ ગીત લખતી વખતે હસરત જયપુરીને હીરોઇન બી. સરોજાદેવીની સુંદરતા ઠીક લાગતી હતી. અને ગીત માટે ખાસ પ્રેરણા આપતી ન હતી. એટલે પોતાના નાના દીકરાની ‘પ્યારી પ્યારી સૂરત’ ને યાદ કરી ગીત લખી નાખ્યું હતું. એમાં જે રીતે બાળકોની નજર ઉતારવામાં આવે છે એમ ‘ચશ્મેબદ્દુર’ લખી દીધું હતું.

અહીં એક રસપ્રદ વાત એ છે કે શમ્મી કપૂરે પાછળથી બી. સરોજાદેવી સાથે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ (૧૯૬૩) અને ‘પ્રીત ના જાને રીત’ (૧૯૬૬) માં કામ કર્યું હતું.  ‘સસુરાલ’ નું નિર્દેશન ટી. પ્રકાશ રાવ કરી રહ્યા હતા. ત્યારે એમના જ નિર્દેશનમાં શમ્મી કપૂર વધુ એક ફિલ્મ ‘કોલેજ ગર્લ’ (૧૯૬૦) માં વૈજયંતીમાલા સાથે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં શંકર – જયકિશનનું જ સંગીત હતું. ફિલ્મના એક ગીતનું શુટિંગ ચાલતું હતું ત્યારે શમ્મીની નિર્દેશક સાથે બોલાચાલી થઇ ગઇ. નિર્દેશકે એક ક્લોઝ અપ શોટ માટે શમ્મીને સ્માઇલ આપવા કહ્યું. ત્યારે શમ્મીએ એમ કરવાનું કારણ પૂછી દલીલો કરી અને એમની વાત માનવાનો ધરાર ઇન્કાર કરી સેટ પરથી જતા રહ્યા. નિર્દેશક ટી. પ્રકાશ રાવે ફિલ્મના યુનિટ સામે અપમાનિત થયાની લાગણી અનુભવી. એમણે નિર્માતા એલ.વી. પ્રસાદને કહી દીધું કે તે હવે શમ્મી કપૂર સાથે કામ કરશે નહીં. નિર્દેશકની વાતને યોગ્ય માનીને પ્રસાદજીએ શમ્મીના સ્થાન પર રાજેન્દ્રકુમારને લઇને ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.

એટલું જ નહીં એમાં શશી કપૂર માટે જે ભૂમિકા હતી એ માટે મહેમૂદને લઇ લીધા હતા. એ પછી ટી. પ્રકાશ રાવે ક્યારેય શમ્મી સાથે કામ કર્યું ન હતું. શમ્મીને ફિલ્મ જતી રહેવાનો કોઇ અફસોસ ન હતો. પણ ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ ગીત જોઇતું હતું. તેમણે જયકિશન પર દબાણ કર્યું કે આ ગીત ‘સસુરાલ’ માંથી લઇને એમની ફિલ્મ ‘જંગલી’ (૧૯૬૦) માટે ઉપયોગમાં લેવામા આવે. પરંતુ જયકિશનને વ્યવસાયિક રીતે આમ કરવું યોગ્ય ના લાગ્યું અને તે માન્યા નહીં. શમ્મીને આ ગીત ગુમાવ્યાનો ભારે અફસોસ રહ્યો હતો. ગીત જબરદસ્ત હિટ રહ્યું અને મોહમ્મદ રફીને એના માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલાં પણ શમ્મીની ફિલ્મ ‘ધૂલ કા ફુલ’ રાજેન્દ્રકુમારને જ મળી હતી. નિર્માતા બી.આર. ચોપરાએ યશ ચોપરા નિર્દેશિત આ ફિલ્મ માટે જે હીરોને સાઇન કર્યો હતો એણે છેલ્લી ઘડીએ ના પાડી દીધી હતી. તેથી શમ્મીને ફિલ્મ ઓફર કરી હતી. પણ શમ્મીને પોતાનો છેલ્લી ઘડીએ સંપર્ક કર્યો એ વાત ગમી ન હતી એટલે ના પાડી દીધી હતી

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular