Sunday, August 10, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenરીટા ભાદુરીને 'જૂલી' થી લાભ ના થયો

રીટા ભાદુરીને ‘જૂલી’ થી લાભ ના થયો

રીટા ભાદુરીને ‘જૂલી’ (૧૯૭૫) માં કામ કર્યા પછી હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી બનીને જ રહેવું પડ્યું હતું. પણ ગુજરાતી ફિલ્મોમાં હીરોઇન બનીને પોતાની ઇચ્છા પૂરી કરી શકી હતી. રીટાને અભિનય વારસો માતા ચંદ્રિમા ભાદુરી પાસેથી મળ્યો હતો. બંગાળી અભિનેત્રી ચંદ્રિમાએ બિમલ રૉયની બંદિની, સાવન ભાદોં, ચોર મચાયે શોર, તીસરા કૌન, ખૂશ્બૂ વગેરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

માતાના પગલે અભિનયમાં રસ હોવાથી રીટાએ પૂણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કર્યો હતો. દરમ્યાનમાં તેની સાથે અભ્યાસ કરનાર મોહન શર્માને કારણે દક્ષિણના જાણીતા નિર્દેશક સેતુમાધવન સાથે મુલાકાત થઇ અને એમની મલયાલમ ફિલ્મ ‘કન્યાકુમારી'(૧૯૭૪) માં કમલ હસન સામે હીરોઇન તરીકે તક મળી ગઇ. એ પછી નિર્દેશક સેતુમાધવને પોતાની ફિલ્મ ‘ચટ્ટકારી’ ની હિન્દી રીમેક ‘જૂલી’ નું નિર્માણ શરૂ કર્યું. એમાં ‘ચટ્ટકારી’ ની લક્ષ્મીને જ મુખ્ય અભિનેત્રી બનાવી. જ્યારે રીટાને હીરોની બહેન ‘ઉષા ભટ્ટાચાર્ય’ ની મહત્વની ભૂમિકા સોંપી.

સેતુમાધવનના અહેસાન કે પછી પહેલી હિન્દી ફિલ્મની તક મળતી હોવાથી કદાચ રીટાએ એ ભૂમિકા સ્વીકારી લીધી. ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યા અને બોક્સ ઓફિસ ઉપર સફળ રહી. રીટાને પણ એક હિટ ગીત ‘યે રાતેં નયી પુરાની’ મળ્યું હતું. પરંતુ રીટાને ‘જૂલી’ માં હીરો વિક્રમની બહેનની ભૂમિકા ભજવવાનું મોંઘું પડી ગયું. એ પછીથી હીરોઇનને બદલે ચરિત્ર અભિનેત્રીની જ ભૂમિકાઓ મળવા લાગી. હિન્દી ફિલ્મોમાં હીરોઇન બનવાની ઇચ્છા પૂરી ના થઇ.

રીટાને હીરોઇન બનવાની તક ગુજરાતી ફિલ્મમાં અચાનક જ મળી ગઇ. પૂણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં તેની સાથેના પરેશ મહેતા મારફત ગુજરાતી સિનેમાના દિગંત ઓઝા અને નિરંજન મહેતા સાથે મુલાકાત થઇ. તેમણે ‘લાખો ફુલાણી’ (૧૯૭૬) માં રીટાને અભિનેતા રાજીવની હીરોઇન બનાવી. ફિલ્મ મોટી હિટ રહ્યા પછી ઘેર ઘેર માટીના ચુલા, ગરવી નાર ગુજરાતી, પ્રીત ના કરશો કોઇ જેવી એટલી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું કે ટોચની હીરોઇન બની રહી.

લગભગ ૮ વર્ષ સુધી ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત રહ્યા પછી ૧૯૮૪ માં નિર્દેશક રાકેશ ચૌધરીની દૂરદર્શન માટેની સિરિયલ ‘બનતે બિગડતે’ થી નાના પડદે પ્રવેશ મળ્યો અને પછી એ ક્ષેત્રમાં વ્યસ્ત રહ્યા. રીટા ભાદુરીનું અવસાન થયું ત્યારે તેમની ‘નિમકી મુખિયા’ એક ટીવી ચેનલ પર આવતી હતી. ટીવી સાથે કેટલીક હિન્દી ફિલ્મો બેટા, ઘરજમાઇ, વિરાસત, ક્યા કેહના વગેરેમાં પણ નાની ભૂમિકાઓ જરૂર કરતા રહ્યા હતા. બીજી તરફ ‘જૂલી’ માં રીટા ભાદુરીની જેમ જ હીરોઇન લક્ષ્મીની બહેનની ભૂમિકા નિભાવનાર શ્રીદેવીની હિન્દી ફિલ્મોમાં એ પહેલી મોટી ભૂમિકા હતી. અને તે આગળ જતાં હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી બની ગઇ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular