Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenપદમા ખન્નાનું અભિનયમાં નામ ના થયું

પદમા ખન્નાનું અભિનયમાં નામ ના થયું

પદમા ખન્નાને ‘જોની મેરા નામ’ ના ‘હુસ્ન કે લાખો રંગ’ ગીત માટે જ વધારે ઓળખવામાં આવે છે. એક ડાન્સર ઉપરાંત અભિનેત્રી તરીકે સફળતા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ‘જોની મેરા નામ’ પછી પણ તેનું નામ ના થયું તે ના જ થયું. તેને ક્યારેય નસીબનો સાથ ના મળ્યો. પદમા મુંબઇમાં ભોજપુરી ફિલ્મની હીરોઇન બનવા બનારસથી આવી હતી. કેમકે તેનો કથક ડાન્સ જોઇને અભિનેત્રી વૈજયંતીમાલાએ મુંબઇમાં પ્રયત્ન કરવાની સલાહ આપી હતી. તે નાની હતી ત્યારે સ્કૂલના ડાન્સ મંડળ સાથે બિહારના ગયા ખાતે ગઇ હતી. પદમાનો ડાન્સ જોઇને નિર્માતાએ ભોજપુરી ફિલ્મ ‘ગંગા મૈયા તોહે પિયારી ચઢાઇબો'(૧૯૬૩) માં હીરોઇન તરીકે તક આપી હતી. પરંતુ પછી કોઇ સારી તક મળી નહીં અને ફિલ્મી વાતાવરણ ગમ્યું ન હોવાથી તે પાછી બનારસ આવી ગઇ હતી.

થોડા વર્ષો પછી તેને ગોપીક્રિષ્ના ભાઇએ મુંબઇ બોલાવી. પદમાએ ફરી નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તેને પહેલી હિન્દી ફિલ્મ ઋષિકેશ મુખર્જીની બિશ્વજીત અભિનિત ‘બીવી ઔર મકાન'(૧૯૬૬) માં એક ભૂમિકા મળી. એ પછી કેટલીક ફિલ્મો કરી અને નિર્દેશક વિજય આનંદની ‘જોની મેરા નામ'(૧૯૭૦) મળી. વિજય આ ફિલ્મ માટે એક નવા ચહેરાની શોધમાં હતા. દેવાનંદની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં પદમાને ‘તારા’ નામની ડાંસરની ભૂમિકા મળી. એના પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘હુસ્ન કે લાખો રંગ’ ખૂબ જ લોકપ્રિય બન્યું. એ પછી ફિલ્મો મળવા લાગી. હીર રાંઝા, સીમા, રામપુર કા લક્ષ્મણ વગેરેમાં નાની મોટી ભૂમિકાઓ કરી. તેના ડાન્સની લોકપ્રિયતા જ કહેવાય કે કમાલ અમરોહીએ ફિલ્મ ‘પાકિઝા’ ના ગીત ‘તીર એ નજર’ માં પદમા પાસે મીનાકુમારીની બોડી ડબલ તરીકેનું કામ કરાવ્યું.

મીનાકુમારી નાદુરસ્ત તબિયતને કારણે આવી શકે એમ ન હોવાથી મોટાભાગના ગીતમાં પદમાનો મીનાકુમારી જેવો મેકઅપ કરીને શુટિંગ કરવામાં આવ્યું હતું. એ પછી પદમાને અમિતાભ બચ્ચન-નૂતનની ‘સૌદાગર’ (૧૯૭૩) મળી. ફિલ્મમાં તેના પર ફિલ્માવવામાં આવેલું ‘સજના હૈ મુઝે’ પણ લોકપ્રિય થયું. જોકે, અમિતાભ સાથે કામ કરીને તેનું નસીબ ના ચમક્યું. એ વર્ષે તેની દાગ, જોશીલા, અનોખી અદા, લોફર, કશ્મકશ જેવી ઘણી ફિલ્મો આવી. ત્રણ વર્ષ પછી ફરી એક વખત અમિતાભ સાથે ‘હેરાફેરી'(૧૯૭૬) માં કામ કરવા મળ્યું. એમાં અમિતાભ સાથે ‘આપ કા સરકાર ક્યા કુછ’ ગીત પણ હતું. છતાં પદમાને કોઇ લાભ ના થયો. તે નાની-મોટી ફિલ્મો વેમ્પ કે ડાંસર તરીકે જ કરતી રહી.

પદમાએ એક મુલાકાતમાં કબૂલ કર્યું છે કે મારું નસીબ ખરાબ રહ્યું. એ વાતને સાબિત કરવા પદમાએ તેની ફિલ્મો ‘ઉસ પાર’ અને ‘આજ કી રાધા’ ના ઉદાહરણ આપ્યા હતા. નિર્દેશક બાસુ ચેટર્જીની ફિલ્મ ‘ઉસ પાર'(૧૯૭૪) માં પદમાએ વિનોદ મહેરા- મૌસમી ચેટર્જી સાથે મહત્વની ભૂમિકા કરી હતી. એને સફળતા ના મળી. નિર્દેશક મુકુલ દત્તની વહીદા રહેમાન અને રેહાના સુલતાન સાથેની ‘આજ કી રાધા’ માં સમાજના અત્યાચારથી પીડિત યુવતીની ભૂમિકા માટે તેને આશા હતી એ રજૂ જ ન થઇ શકી.  એ પછી સૌથી વધુ આશા મિથુન ચક્રવર્તીની ‘ટેક્સી ચોર’ માટે હતી. જેમાં પોતાની ઇમેજથી વિપરિત પદમાએ એક નનની ભૂમિકા ભજવી હતી. પરંતુ એ ફિલ્મની કે એના અભિનયની નોંધ લેવાઇ નહીં. પદમાએ ‘સૌદાગર’ પછી હીરોઇન બનવાની ઇચ્છા પણ છોડી દીધી હતી. એ કેવું કહેવાય કે પદમાને તેની ચાર દાયકાની ફિલ્મો કરતાં રામાનંદ સાગરની સીરીયલ ‘રામાયણ’ ની ‘કૈકયી’ ની ભૂમિકા માટે વધારે યાદ કરવામાં આવે છે.

રાકેશ ઠક્કર (વાપી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular