Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenલતાજીએ ગાયકોને એવોર્ડસમાં સન્માન અપાવ્યું

લતાજીએ ગાયકોને એવોર્ડસમાં સન્માન અપાવ્યું

લતા મગેશકરે સંગીતકાર શંકર-જયકિશન સાથે ઝઘડો કર્યો ના હોત તો કદાચ ‘ફિલ્મફેર’ દ્વારા ‘શ્રેષ્ઠ પાર્શ્વ ગાયન’ નો એવોર્ડ મોડો શરૂ થયો હોત. એક જમાનામાં ‘ફિલ્મફેર’ દ્વારા ગાયક અને ગીતકાર માટે કોઇ કેટેગરી રાખવામાં આવતી ન હતી. ત્યારે રાજ કપૂરની ફિલ્મ ‘ચોરી ચોરી’ (૧૯૫૬) માટે શંકર-જયકિશનને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો અને તેનું ગીત સ્ટેજ પર ગાવા બાબતે લતા મંગેશકર સાથે તેમનો વિવાદ થયો હતો. ‘સુર-ગાથા’ પુસ્તકમાં લતાજીએ એવી સ્પષ્ટતા કરી છે કે શંકર-જયકિશન સાથે તેમને મતભેદ ન હતો પણ ત્રીજા ‘ફિલ્મફેર’ એવોર્ડસના મંચ પરથી ગીત ગાવા બાબતે ઝઘડો થયો હતો.

વાત એવી હતી કે શંકર-જયકિશનને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો એટલે તેમણે લતાજીને મંચ પર આવી ‘રસિક બલમા’ ગીત ગાવાનું કહ્યું હતું. લતાજીએ એમ કહીને ઇન્કાર કર્યો કે મને ગાયન માટે એવોર્ડ મળ્યો ન હોવાથી પુરસ્કાર સમારંભના મંચ પરથી ગાઇશ નહીં. તમને સંગીત માટે એવોર્ડ મળ્યો છે તો સંગીત રજૂ કરી દો. આ બાબતે એમની વચ્ચે મોટો ઝઘડો થઇ ગયો. ‘ફિલ્મફેર’ વતી સંપાદક જે.સી. જૈન દ્વારા એવી વિનંતી કરવામાં આવી કે તમે મંચ પરથી ગાશો તો ફિલ્મ ‘ચોરી ચોરી’ ના સંગીતનો પ્રચાર પણ થઇ જશે. લતાજીએ એમને પણ એમ કહીને ઇન્કાર કર્યો કે કોઇ ગાયકને એવોર્ડ આપ્યો નથી તો હું શા માટે ગાઉં? ત્યારે તેમણે ઑસ્કાર એવોર્ડનો હવાલો આપીને કહ્યું કે ત્યાં ગાયન-સંગીત માટે એવોર્ડ મળતા નથી.

લતાજીએ સમજાવ્યું કે ત્યાં સંગીત પર ફિલ્મો બનતી નથી. વિદેશી ફિલ્મોમાં ગીતો ભાગ્યે જ હોય છે. એમાં બેકગ્રાઉન્ડ સંગીત હોય છે. આપણે ત્યાં સંગીત પર જ ફિલ્મો ચાલે છે. સંગીત વગરની ફિલ્મની કલ્પના થઇ શકે એમ નથી. અમારા ગીતો પર ફિલ્મો રજત જયંતી મનાવે છે. સંગીત માટે એક ગીતકાર પણ જરૂરી છે. અમે એના શબ્દોને સ્વર આપીએ છીએ. તમે આ ફરક સમજતા નથી એટલે ‘ફિલ્મફેર’ ના પુરસ્કારોમાં ગાયક અને ગીતકારની શ્રેણી રાખતા નથી. આ બંનેને તમે ઓછા આંકો છો એટલે હું તમારા મંચ પરથી ગાઇશ નહીં. તમે જ્યાં સુધી તેને સન્માન નહીં આપો ત્યાં સુધી હું આ મંચ પરથી ગાઇશ નહીં. ત્યારે જૈને તેમણે લતાજીને ગીત લેખન અને ગાયન માટે પુરસ્કાર શરૂ કરવાનું આશ્વાસન આપી વાત પૂરી કરી દીધી.

લતાજીની રજૂઆત મોડેથી રંગ લાવી અને ૧૯૫૯માં છઠ્ઠા ફિલ્મફેર એવોર્ડસથી બંને પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા. એ વર્ષે સૌપ્રથમ લતાજીને જ દિલીપકુમાર-વૈજયંતિમાલા અભિનીત ‘મધુમતી’ના ‘આ જા રે પરદેસી’ ગીત માટે ‘શ્રેષ્ઠ પાર્શ્વ ગાયન’નો અને શૈલેન્દ્રને દિલીપકુમાર-મીનાકુમારીની ‘યહૂદી’ ના ‘યે મેરા દિવાનાપન હૈ’ ગીત માટે ‘શ્રેષ્ઠ ગીતકાર’નો એવોર્ડ અર્પણ થયો હતો. નવાઇની વાત એ છે કે શરૂઆતમાં મહિલા અને પુરુષ બંને ગાયકો માટે એક જ એવોર્ડ રાખવામાં આવ્યો હતો. બંને વચ્ચે એવોર્ડ માટે સ્પર્ધા થતી હતી. ૧૯૬૮ થી મહિલા અને પુરુષ ગાયકો માટે અલગ-અલગ એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવી. ગાયન માટે ‘ફિલ્મફેર’ પુરસ્કાર શરૂ કરાવનાર લતાજીએ પાછળથી એમ કહીને પોતાનું નામ આ શ્રેણીમાંથી કઢાવી નાખ્યું હતું કે એમને ઘણી વખત પુરસ્કાર મળી ચૂક્યા છે એટલે હવે નવી ગાયિકાઓને પણ એ મળવો જોઇએ.

– રાકેશ ઠક્કર

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular