Friday, May 23, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenમોહમ્મદ રફીની ભૂલ કિશોરદાએ સુધારી

મોહમ્મદ રફીની ભૂલ કિશોરદાએ સુધારી

મોહમ્મદ રફીએ પોતાની ભૂલને કારણે ફિલ્મ ‘અમર અકબર એન્થની’ (૧૯૭૭) ના એક ગીતની માત્ર એક લીટી માટે કિશોરકુમારની મદદ લીધી હોવાનો અનોખો કિસ્સો છે. નિર્માતા-નિર્દેશક મનમોહન દેસાઇની ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ના આનંદ બક્ષીએ લખેલા ગીતોને લક્ષ્મીકાંત –પ્યારેલાલના સંગીતમાં તૈયાર કરી લેવામાં આવ્યા હતા. આ ગીતો વ્યવસ્થિત રીતે રેકોર્ડ થયા છે કે નહીં એની ચકાસણી મનમોહનના સહાયક દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે કવ્વાલી પ્રકારના ‘પરદા હૈ પરદા’ ગીતમાં મોહમ્મદ રફીની એક ભૂલ થઇ ગઇ હોવાનું તેમના ધ્યાન પર આવ્યું. ફિલ્મમાં આ ગીત ઋષિ કપૂર ગાઇ રહ્યો હતો. તેનું નામ અકબર હતું. આઠ મિનિટ લાંબા આ ગીતમાં તે ઘણી વખત ‘અકબર મેરા નામ નહીં હૈ’ બોલે છે.

મોહમ્મદ રફીએ દરેક વખતે એ સાચું ગાયું હતું. પરંતુ જ્યારે ગીતમાં ‘એન્થની’ અમિતાભ બચ્ચન એક જગ્યાએ ઋષિ કપૂરને સંબોધીને ગાય છે ત્યારે ‘અકબર મેરા નામ નહીં હૈ’ જ આવી ગયું હતું. ખરેખર ‘અકબર તેરા નામ નહીં હૈ’ આવવું જોઇતું હતું. આવી ભૂલ થવી સ્વાભાવિક હતી. કેમકે ગીતમાં ‘અકબર મેરા નામ નહીં હૈ’ પંક્તિ ઘણી વખત આવતી હતી. સહાયકે મનમોહનને આ ભૂલની વાત કરી. ગીતની એક લીટીમાં ભૂલ હતી પણ એમાં સુધારો કરવો જરૂરી હતો.

મનમોહને ગીતની આ એક લીટી ફરી ગવડાવવા માટે મોહમ્મદ રફીનો સંપર્ક કર્યો ત્યારે તે લંડન ગયા હતા. ગીત તૈયાર કરવું જરૂરી હતું. કોઇએ મનમોહનને સૂચન કર્યું કે આ એક લીટી કિશોરકુમારના સ્વરમાં રેકોર્ડ કરી લેવી જોઇએ. ત્યારે મનમોહન દેસાઇને થયું કે એક લીટી માટે કિશોરકુમાર જેવા મોટા અને વ્યસ્ત ગાયકને કેવી રીતે કહી શકાય. ફિલ્મના ‘હમકો તુમસે હો ગયા હૈ પ્યાર’ અને ટાઇટલ ગીતમાં અવાજ આપવા ઉપરાંત કિશોરકુમારે ‘માય નેમ ઇઝ એન્થની ગોંજાલ્વિસ’ ગાયું હતું છતાં એમને એક લીટી માટે કહેવાની મનમોહનની હિંમત ના ચાલી કે યોગ્ય ના લાગ્યું એટલે મોહમ્મદ રફીને લંડન ફોન કર્યો અને એ માટે કિશોરકુમારને ગાવાની ભલામણ તેમના તરફથી કરવા વિનંતી કરી.

મોહમ્મદ રફીએ કિશોરદાને પરિસ્થિતિ સમજાવી વિનંતી કરી. એને માન આપીને કિશોરકુમાર બીજા જ દિવસે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચી ગયા અને ‘અકબર તેરા નામ નહીં હૈ’ પંક્તિ રેકોર્ડ કરી આપી. વિડીયો ગીત જોતી વખતે તેમાં એક લીટીનો ફેરફાર કરવામાં આવ્યો હતો તેનો ખ્યાલ આવી શકે છે. ઋષિ જ્યારે ‘પરદાનશીં કો બેપરદા ન કર દૂં તો… તો… તો… તો… તો…’ ગાય છે ત્યારે અમિતાભ ઊભા થઇને એના માટે પંક્તિ પૂરી કરતાં ‘અકબર તેરા નામ નહીં હૈ’ ગાય છે. ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ના ‘પરદા હૈ પરદા’ માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકે આનંદ બક્ષી અને શ્રેષ્ઠ ગાયન માટે મોહમ્મદ રફીનું ફિલ્મફેરમાં નામાંકન થયું હતું. અને લક્ષ્મીકાંત –પ્યારેલાલને ‘શ્રેષ્ઠ સંગીતકાર’ નો એવોર્ડ મળ્યો હતો.

રાકેશ ઠક્કર (વાપી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular