Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenગુરુ દત્તને બાળપણમાં જ નવું નામ મળ્યું

ગુરુ દત્તને બાળપણમાં જ નવું નામ મળ્યું

વસંતકુમાર શિવશંકર પાદુકોણનું બૉલિવૂડમાં કેટલું પ્રદાન હતું એમ પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઇને ખ્યાલ આવશે પણ જો ગુરુ દત્ત વિશે પૂછવામાં આવે તો એમની અભિનેતા અને નિર્માતા- નિર્દેશક તરીકેની ફિલ્મો આરપાર, પ્યાસા, કાગઝ કે ફૂલ વગેરે વિશે માહિતી અપાશે. એમ કહેવાય છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગના અંત સુધી બીજી અનેક વ્યક્તિઓ સાથે ગુરુ દત્તની ફિલ્મો અને તેમના નામનો ઉલ્લેખ થતો રહેશે. સામાન્ય રીતે ઘણી હસ્તીઓએ ફિલ્મોમાં પ્રવેશ મેળવતાં પહેલાં કે પછીથી કોઇને કોઇ કારણથી પોતાનું નામ બદલ્યું છે. જ્યારે ગુરૂ દત્તનું બાળપણમાં જ નામ બદલવાની ફરજ પડી હતી.

ગુરુ દત્તનો જન્મ ૯ જુલાઇ, ૧૯૨૫ ના રોજ થયો હતો. એમનું નામ વસંત રાખવામાં આવ્યું હતું. અસલમાં એમના માતાનું નામ વસંતી હતું એટલે એમણે જ આ નામ બહુ ઉત્સાહથી રાખ્યું હતું. વસંત જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે રમતાં-રમતાં કૂવામાં પડી ગયો હતો. તેના દાદીમાએ સમયસર તેનો જીવ બચાવી લીધો પણ માથામાં ઇજા અને આ ઘટનાથી ગભરાટને કારણે વસંતને તાવ ચઢી ગયો. ડોકટરની સારવાર પછી પણ બે અઠવાડિયે તાવ ઉતર્યો. કેટલાક લોકોએ એમ કહ્યું હતું કે જે કૂવામાં વસંત પડી ગયો એમાં એક મૃત માણસનો આત્મા હતો. એ તેનામાં ઘૂસી ગયો છે. તાંત્રિક્ને બોલાવ્યો ત્યારે તેણે નામ બદલવા કહ્યું હતું.

એક વાત એવી છે કે માતા વસંતીને આ દરમ્યાનમાં જ્યોતિષ વિદ્યા જાણતા એમના નાના દિયર સંત સ્વામી રામદાસ મળવા આવ્યા હતા. તેમને પુત્રની સ્થિતિ વિશે વાત કરી. તેમણે પોતાના જ્યોતિષના જ્ઞાનને આધારે સલાહ આપી કે માતા જેવું જ નામ હોવાથી ભવિષ્યમાં પણ મુશ્કેલીઓ ઊભી ના થાય એટલે નામ બદલી નાખો.

માતા વસંતીએ ફરીથી પુત્રનું નામકરણ કરવાનો નિર્ણય કર્યો અને દિયરને જ નવું નામ પાડી આપવા વિનંતી કરી. તે સંત સ્વામી રામદાસ શ્રીગુરુદેવ દત્તના ભક્ત હતા. એમાંથી ગુરુ અને દત્ત શબ્દો લઇને વસંતનું નવું નામ ગુરુ દત્ત રાખ્યું. ગુરુ દત્તે યુવાનીમાં કલકત્તામાં નિવાસ કર્યો હોવાથી બંગાળી નામ દત્ત રાખ્યું હોવાની વાતને ક્યાંય સમર્થન મળતું નથી. તેમણે નર્તક ઉદયશંકર પાસેથી નૃત્યની તાલીમ લઇને પ્રભાત કંપનીની ફિલ્મોમાં નૃત્ય નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી ત્યારે ગુરુદત્ત પાદુકોણ નામથી ઓળખાતા હતા. તેમના નૃત્ય નિર્દેશનવાળી ચાંદ, હમ એક હૈ જેવી ફિલ્મોમાં તેમનું નામ ગુરુદત્ત પાદુકોણ અપાયું હતું.

થોડાં વર્ષો પછી બોલવામાં સરળતા રહે એ માટે તેમણે માત્ર ગુરુ દત્ત નામ અપનાવી લીધું હતું. પહેલાં નિર્દેશક અમિય ચક્રવર્તી અને જ્ઞાન મુખર્જી સાથે સહાયક તરીકે કામ કર્યું અને દેવ આનંદ સાથેની ‘બાઝી’ થી સ્વતંત્ર રીતે નિર્દેશન શરૂ કર્યું. ‘આરપાર’થી પોતે ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું ત્યારે કંપનીનું નામ ‘ગુરુદત્ત ફિલ્મ્સ લિમિટેડ’ જ રાખ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular