Tuesday, July 22, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenનિર્દેશક મંસૂર ખાન હાર્યા નહીં

નિર્દેશક મંસૂર ખાન હાર્યા નહીં

નિર્દેશક મંસૂર ખાને આમિર ખાન સાથે ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા પછી એવા જ લાંબા નામવાળી વધુ એક ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ (૧૯૯૨)નું શુટિંગ શરૂ કર્યું ત્યારે કલ્પના ન હતી કે અનેક અડચણો આવશે અને પૂર્ણ કરવામાં વિલંબ થશે. જોકે એમણે હાર્યા વગર કામ ચાલુ રાખીને ફિલ્મ પૂરી કરી હતી. ફિલ્મના બદલાયેલા કલાકારોની યાદી જ લાંબી છે. ૭૫ ટકા ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી પણ ઘણા કલાકારો બદલાયા હતા. શરૂઆતમાં હીરોઇન તરીકે દક્ષિણની ગિરિજા શેટ્ટરને લેવામાં આવી હતી. તે અડધા ઉપરાંતની ફિલ્મ પૂરી થયા પછી નીકળી ગઇ હતી. ફિલ્મના એક ગીત ‘અરે યારો મેરે પ્યારો’ માં તે આમિર સાથે ડાન્સ કરતી જરૂર દેખાય છે.

આયેશા ઝુલ્કા આવ્યા પછી એ ગીતની કેટલીક કડીઓ યથાવત રાખવામાં આવી હોવાથી આમ બન્યું હતું. મંસૂર ખાને આયેશા ઝુલ્કાને મણિરત્નમની એક ફિલ્મમાં જોઇને પસંદ કરી લીધી હતી. ફિલ્મના ક્લાઇમેક્સમાં આયેશા ટોપી પહેરેલી દેખાય છે એનું કારણ એ છે કે અંતિમ દ્રશ્યોના શુટિંગ દરમ્યાન તેને કપાળ પર ખીલી વાગી ગઇ હતી. એની સારવાર પછી નિશાન દેખાતું હતું. એ છુપાવવા મંસૂરે ટોપી પહેરાવી દીધી હતી. ફિલ્મમાં ‘શેખર મલ્હોત્રા’ ની ભૂમિકા પહેલાં મિલિન્દ સોમાન ભજવી રહ્યો હતો. તેનું ૭૫ ટકા શુટિંગ પૂરું થઇ ગયા પછી તેના સ્થાને દીપક તિજોરીને લઇને ફરીથી શુટિંગ કરવામાં આવ્યું હતું. આ ભૂમિકા માટે શરૂઆતમાં અક્ષયકુમારે પણ ઓડિશન આપ્યું હતું. તે પસંદ થયો ન હતો. ફિલ્મમાં આમિરના પરિવારના ઘણા બાળકોએ કામ કર્યું છે. યુવાન આમિર તરીકે ઇમરાન ખાન હતો. કેમકે ઇમરાન ‘કયામત સે કયામત તક’ માં પણ તે યુવાન આમિર બની ચૂક્યો હતો.

ફૈસલ ખાને એક કોલેજિયન તરીકે કામ કર્યું હતું. જાણીતી વીજે મારિયા ગોરેટ્ટી જે પાછળથી અરશદ વારસીની પત્ની બની તે ‘જવાં હો યારો’ ગીતમાં મોડેલ સ્કૂલની ડાન્સર તરીકે દેખાઇ હતી. પહેલાં લેખક અને પછી નિર્દેશક તરીકે કામ કરનાર અમોલ ગુપ્તે એમાં સાયકલ સ્પર્ધા વખતે એનાઉન્સરની ભૂમિકામાં દેખાયા હતા. ફિલ્મનું લોકપ્રિય રહેલું ગીત ‘પેહલા નશા’ નું નૃત્ય નિર્દેશન સરોજ ખાન કરવાના હતા. પરંતુ શુટિંગ વખતે તે બીજી ફિલ્મમાં વ્યસ્ત હોવાથી સહાયક નિર્દેશક તરીકે કામ કરતા ફરાહ ખાન પાસે નૃત્ય નિર્દેશન કરાવવામાં આવ્યું હતું. જે ફરાહનું કોરિયોગ્રાફરના રૂપમાં પહેલું ગીત બન્યું હતું. આ ગીતમાં પૂજા બેદીની એક ઝલક હતી. પૂજાને ડાન્સ કરતાં આવડતું ન હોવાથી ફરાહે તેને કાર પર ઊભી રાખી પંખાની હવાથી ડ્રેસ ઉડાવી દ્રશ્યોનું શુટિંગ કરાવ્યું હતું. પૂજાની ભૂમિકા પહેલાં નગમાને ઓફર કરવામાં આવી હતી. તે મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ કરવા માગતી ન હતી એટલે ના પાડી હતી. અસલમાં મંસૂરે ‘કયામત સે કયામત તક’ પહેલાં ‘જો જીતા વો હી સિકંદર’ ની વાર્તા તૈયાર કરી હતી. પરંતુ પિતા નાસિર હુસેને આમિરને લોન્ચ કરવા તેને પહેલાં ‘કયામત સે કયામત તક’ નું નિર્દેશન કરવા કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular