Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenરાજેશને વિનોદ મહેરાએ આપી ટક્કર

રાજેશને વિનોદ મહેરાએ આપી ટક્કર

ચેતન આનંદની ફિલ્મ ‘આખરી ખત’ (૧૯૬૬) થી અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરનાર રાજેશ ખન્નાને સંઘર્ષના દિવસોમાં અભિનેતા બનાવવામાં ૧૯૬૫ માં યોજાયેલી જે સ્પર્ધા નિમિત્ત બની હતી એમાં વિનોદ મહેરાએ જીતવા માટે જબરદસ્ત ટક્કર આપી હતી. ફિલ્મ ‘રાગિની’ (૧૯૫૮) માં બાળકલાકાર તરીકે શરૂઆત કરનાર વિનોદને હીરો તરીકે ‘એક હી રિશ્તા’ (૧૯૮૧) થી તક મળી હતી. ‘ફિલ્મફેર’ અને નિર્માતાઓ દ્વારા રચિત ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ કમ્બાઇન’ ની ‘પ્રતિભા શોધ’ સ્પર્ધામાં એ સમય પર હજારો સ્પર્ધકોની જેમ જતિન નામ ધરાવતા રાજેશે તો અમસ્તું જ ફોર્મ ભરી દીધું હતું. તેને સપને પણ ખ્યાલ ન હતો કે અંતિમ છ સ્પર્ધકોમાં તે વિજેતા બનવાનો છે. તે જ્યારે અંતિમ પરીક્ષામાં પહોંચી ગયો ત્યારે તેને પણ વિશ્વાસ આવતો ન હતો. આ સ્પર્ધાના એક જજ રહેલા નિર્માતા જે.ઓમ. પ્રકાશે એક જગ્યાએ એ કિસ્સો વર્ણવ્યો છે. રાજેશ સામે સ્પર્ધામાં વિનોદ મહેરા હતો. બંને વચ્ચે એટલો જોરદાર મુકાબલો હતો કે કોણ વિજેતા બનશે એનો ખ્યાલ આવતો ન હતો.

છેલ્લી પરીક્ષામાં બંનેએ એક દ્રશ્ય ભજવવાનું હતું. બધાંને એમનું દ્રશ્ય આપી દેવામાં આવ્યું ત્યારે રાજેશ ખન્નાને પોતાનું દ્રશ્ય બરાબર સમજાઇ રહ્યું ન હતું. એમાં એક યુવાને માતાનો સામનો કરવાનો હતો. મુંઝાતા રાજેશે નજીકમાં રહેલા એક જજ જી.પી. સિપ્પીને મળીને પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટતા મેળવવાનો પ્રયત્ન કર્યો. તે પાત્રની જિંદગી વિશે વધુ માહિતી મેળવીને તેને સારી રીતે ભજવવા માગતો હતો. થિયેટરમાં કામ કરતા રાજેશે સિપ્પીને પાત્રની ઉંમર, તેના મા સાથેના સબંધ વિશે, તેની આર્થિક સ્થિતિ વગેરે અનેક પ્રશ્નો પૂછ્યા. એના જવાબમાં જી.પી. સિપ્પીએ રાજેશના હાથમાંથી એ દ્રશ્યનો કાગળ લઇને ગમે તે દ્રશ્ય ભજવવાનું કહી દીધું. જ્યારે રાજેશનો દ્રશ્ય ભજવવાનો વારો આવ્યો ત્યારે એણે પોતે ભજવેલા એક નાટકનો મોનોલોગ રજૂ કરી દીધો. એમાં એક એવા યુવાનની વાત હતી જેનામાં ખામીઓ હોવા છતાં વિશ્વાસ કરી શકતો ન હતો કે એને કોઇ છોકરી પ્રેમ કરી શકે છે.

રાજેશ પોતાની ભૂમિકામાં એટલો ડૂબી ગયો કે બારેય જજ તેના એક-એક સંવાદથી પ્રભાવિત થઇ ગયા. તેના સ્વરમાં પણ એક અનુભવી અભિનેતા જેવો ઉતાર-ચઢાવ હતો. મોનોલોગના અંતમાં જ્યારે રાજેશે છોકરીનો એક સંવાદ કહ્યો કે તે આંધળી છે પણ એ કારણે જ તે જેની સાથે પ્રેમ કરી રહી છે એના રંગરૂપથી વધુ આગળ જોઇ શકી. રાજેશે એટલો સરસ અભિનય કર્યો હતો કે ત્યાં હાજર જે.ઓમ. પ્રકાશ જ નહીં શક્તિ સામંતા, બી.આર. ચોપડા, નાસિર હુસેન વગેરે એકદમ પ્રભાવિત થઇ ગયા હતા.

વિનોદ મહેરા પણ અભિનયમાં કમ ન હતો. તેણે પણ એટલા જ પ્રભાવિત કર્યા હતા. પરંતુ માત્ર એક ગુણ ઓછો મેળવી શકતાં રાજેશ ખન્ના વિજેતા બન્યો હતો. કેમકે બધાં જજને રાજેશમાં એક એવો અભિનેતા દેખાયો હતો જે દરેક પ્રકારની ભૂમિકા કરવા સક્ષમ જણાતો હતો. બહુ ઓછા એ વાત જાણતા હશે કે આ પ્રતિભા શોધ સ્પર્ધામાં મહિલા વિભાગમાં ભાગ લેનારી અનેક યુવતીઓ પણ પાછળથી જાણીતી અભિનેત્રી બની હતી. ૧૫ વર્ષની લીના ચંદાવરકરે તો પોતાનું ધ્યાન વધારે ખેંચાય એ માટે મહારાષ્ટ્રને બદલે મદ્રાસથી ઉમેદવારી નોંધાવી હતી. અને છોકરીઓમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ફરીદા જલાલને આ સ્પર્ધામાં રાજેશ ખન્ના સાથે સહ વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular