Friday, May 23, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUવાસ્તુ: ઉત્તરી ઈશાનનું દ્વાર હોય ત્યારે અંગત સંબંધોનો પણ ભાર લાગે

વાસ્તુ: ઉત્તરી ઈશાનનું દ્વાર હોય ત્યારે અંગત સંબંધોનો પણ ભાર લાગે

કોરા કાગળ પર જે લખવું હોય એ લખી શકાય. પણ લખેલા કાગળ પર કાઈ લખી શકાય ખરું? યા તો નવો કાગળ લેવો પડે યા તો પછી લખેલું ભૂંસવું પડે. મનનું પણ એવું જ છે. જે મન પર ભૂતકાળના લીસોટા હોય એના પર કોઈ પણ વાતની અસર ઉભી કરવામાં તકલીફ પડે. તો એ લીસોટા આવે છે ક્યાંથી? જે તે વ્યક્તિના ભૂતકાળમાંથી. જેવો જેનો ભૂતકાળ એવો એનો અનુભવ અને એવું એનું મન. કેટલાક લોકો જે તે સમયે તો બધું ચલાવી લે પણ પાછળ જતા મન આળું થઇ જાય તો કેટલાક લોકોનું મન પત્થરનું બની જાય. જાણે લાગણીની કોઈ અસર જ નહિ. જે સમાજમાં ચાણક્ય નીતિ ઘરમાં આવે ત્યાં રાજકારણ પણ આવે. અને ઘરમાં રાજકારણ રમાય તો મનમાં મહાભારત તો થાય જ ને? શું ઘરને રણમેદાન બનતું રોકી ન શકાય? શું ઘરને ઘર જ ન રહેવા દેવાય? જો મકાનને ઘર બનાવવું હોય તો સકારાત્મક ઉર્જાની જરૂર પડે છે. જે મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો જરૂરથી નીચે જણાવેલા ઈમેઈલ પર આપ પૂછી શકો છો. આપને જરૂર સમાધાન મળશે.

સવાલ: સર. તમને સર કહું ને? તમારી વાતો ભારતીય હોય છે. એટલે પૂછવું પડે. તમારી વાતોમાં ફિલોસોફી ઘણી હોય છે. તમે સાહિત્યના માણસ છો, આધ્યાત્મિક છો, આર્કિટેકટ છો ને વાસ્તુ કન્સલ્ટન્ટ પણ. તમારા લેખ વાંચવાની મજા પડી જાય છે. શેર લોહી ચડી જાય. હવે મુદ્દાની વાત. હું એક છોકરાને પ્રેમ કરું છું. મારાથી નાનો છે. બધીજ રીતે સમાજની નજરે એ મારાથી ઓછો લાગે. અમે બંને કાંઈજ કમાતા નથી. એ મારી સાથે લગ્ન કરવા ઉતાવળ કરે છે. મને કાંઈજ સમજાતું નથી. વળી માબાપની ઈચ્છા વિના કાઈ થોડું કરાય? ક્યાંક ગંગુબાઈ બનાવી દે તો?

જવાબ: આજના યુવાનોને આવા સવાલો ઉદ્ભવતા હોય છે. સવાલ ઉદ્ભવે એ જ બતાવે છે કે તમે જીવંત છો. સર, માનવાચક શબ્દ છે, કહેવાય. ભારતીય હોવું એ આપણો બધાનો ગુણધર્મ છે. પ્રેમની કોઈ ઉમર નથી હોતી. પ્રેમ કરવા માટે પાત્રનો દેખાવ પણ જરૂરી નથી.પ્રેમ માટેની લાયકાત તો જોઈએ.પણ હા, લગ્ન કરવા માટે ઘણુબધું વિચારવું પડે. જ્યાં સુધી તમે માનસિક, શારીરિક અને આર્થિક રીતે તૈયાર ન હો, ત્યાં સુધી લગ્ન ન કરો તો સારું. એક અગત્યની વાત. માત્ર લગ્ન જ નહિ , તમે જે કાઈ કરો છો તેની જાણ તમારા ઘરનાને હોવી જોઈએ. જીવનમાં ક્યારેય એકલા નહિ પડી જાવ. તમે અત્યારે એક ખોટો નિર્ણય લેશો તો તેની અસર આજીવન ચાલશે. શિવલિંગ પર અભિષેક કરો. સવારે વહેલા ઉઠો અને પાણી વધારે પીવો. આપને યોગ્ય દિશા પ્રાપ્ત થશે જ.

સવાલ: અમારા ઘરમાં બધા બહુ સ્વાર્થી છે. કામ હોય ત્યારે વહાલ દેખાડે અને કામ પતે એટલે ગાયબ. આપણે કામ હોય ત્યારે બીઝી હોવાની વાત કરી છટકી જાય અને પછી લાગણી દેખાડે કે અરેરે કહેવાયને. ભૂલી ગયા હોઈશું. થાકી ગયા છીએ. સંબંધોનો હવે ભાર લાગે છે. શું કરીએ?

જવાબ: ઘરમાં આવી સ્થિતિ હોય એવું વારંવાર સાંભળવા મળે છે. ચાણક્યની નીતિ યુદ્ધ માટે કારગત નીવડે. ઘરમાં વળી નીતિ શેની? જ્યાં લાગણી અને પ્રેમ છે ત્યાં ચાલ ચાલવાની જરૂર ક્યાં આવે? પરસ્પરના પ્રેમથી પરિવાર બને છે. જયારે રાજકારણ ઘરમાં આવે ત્યારે ઘર અખાડો બનતા વાર ન લાગે. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો સુખી થયા હતા? જયારે ઉત્તરી ઈશાનનું દ્વાર હોય ત્યારે અંગત માણસો પીઠ પાછળ બદલાઈ જાય એવું બને. તમારા ઘરમાં એ છે. પૂર્વનો દોષ છે. એટલે પરિવારના સદસ્યોમાં આત્મીયતા ઘટે અને અગ્નિનો મોટો દોષ છે જે સ્વાર્થીપણું આપે. ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવો. અગ્નિમાં ફૂલદાડમના બે છોડ વાવો. જરૂર પરિણામ મળશે.

આજનું સુચન: બરાબર ઈશાન ખૂણામાં દ્વાર યોગ્ય ન ગણાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

(લેખક જાણીતા આર્કિટેકટ અને વાસ્તુ સાયન્ટીસ્ટ છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular