Wednesday, May 21, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUવાસ્તુ: જાણો ઘરના આંગણામાં પીપળો વવાય કે નહીં?

વાસ્તુ: જાણો ઘરના આંગણામાં પીપળો વવાય કે નહીં?

જે દેખાતું નથી એનું અસ્તિત્વ નથી એવું માનનારા લોકો ન દેખાનાર કોરોના અને વિવિધ ફૂગનો કહેર જોયા બાદ પણ જયારે પોતાનો કક્કો સાચો કરવા પ્રયત્ન કરે તો વિચિત્ર લાગે. પણ માનવને મગજ મળ્યા બાદ એ વિચિત્ર પણ બની શકે છે. પોતાના દરવાજા ભલે ખુલ્લા હોય પણ અન્યની બારીમાં ડોકિયું કરવું પણ એને ગમે છે. અને કોઈની આગમાં પોતાની રોટલી શેકવામાં એને આનંદ પણ મળે છે. પહેલા વાયુ, પછી જળ,પછી અગ્નિ અને પછી? વિવિધ આપત્તિઓ આવ્યા કરે અને માનવ એમાં ઉત્સવ મનાવ્યા કરે એવું થોડું જ ચાલવાનું છે? પણ જો દરેક માનવ માનવીય અભિગમ કેળવે તો સ્વર્ગ અહી જ બની જશે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  મને કોઈએ આંગણામાં પીપળો વાવવાનું કહ્યું છે. કારણકે પીપળો ઓક્સિજન આપે છે. પણ મેં ક્યાંક વાંચ્યું છે કે પીપળો ન વવાય. તો સાચું શું છે?

જવાબ: બહેનશ્રી. આપણે સહુ માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. તેથીજ ક્યારેક જ્ઞાનથી વિમુખ થઇ જઈએ છીએ. શાક બનાવવાની રીતમાં જો ગેસ ચાલુ કરવાનો રહી ગયો તો બાકીનું બધુ જ બરાબર હોય તો એ શાક રંધાય ખરું? એમ સાચી માહિતી ન હોય ત્યાં સુધી સાચા પરિણામો ન મળે. આંગણામાં પીપળો વાવવાનું કહેનારે એ ખુબ ઓક્સિજન આપે છે એ જાણ્યા બાદ કહ્યું હશે. પણ પીપળો વાવવા માટેના નિયમો એ પોતે સમજ્યા નથી. ઘરથી સાવ નજીક પીપળો ક્યારેય ન વવાય. એવું કરવાથી એના મૂળ પાયામાં જઈ અને મકાનને નુકશાન કરે છે. ઘર પછી જો પંદર ફૂટ થી વધારે જગ્યા ખાલી પડતી હોય તો જ પીપળો વાવવો જોઈએ. એ ક્યાં કેવી રીતે વાવવો એના પણ નિયમો વાસ્તુમાં આપવામાં આવ્યા છે. એક પીપળો કાઢતા પહેંલા બીજા પાંચ પીપળા વાવવા જોઈએ એ નિયમ પણ પર્યાવરણ બચાવવા માટે બન્યો હોય જોઈએ. વૃક્ષો આપણા સાચા મિત્રો છે. એનું જતન કરવું જોઈએ પણ વાવતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. જો આંગણું પૂર્વ કે ઉત્તરમાં છે આંગણામાં ઊંચા વૃક્ષો ન વાવો તો સારું.

સવાલ:  દસમાની પરીક્ષા માફ થઇ ગઈ. પણ બારમાની પરીક્ષા આપવાની થશે. મારી ઉંમર સત્તર વરસની છે. મને ડર લાગે છે. મારી તૈયારી સારી છે, પણ લાખો લોકો એક સાથે બહાર ફરતા હોય અને એમના મોઢા પર માસ્ક હશે જ એની ગેરંટી નહિ હોય. ડરના માર્યા હું બધું ભૂલી જઈશ તો? હું પરીક્ષા ન આપું તો મારા માબાપનું ખરાબ દેખાય અને આપું તો મરી જવાનો ડર લાગે છે. શું કરું?

જવાબ: ભાઈ શ્રી. જયારે દરેક નાગરિક પોતાની જાતે સરકાર હોય તેવું વર્તન કરવા લાગે ત્યારે સરકારને પણ નિર્ણય લેવામાં તકલીફ પડે. આપણી સરકાર સંવેદનશીલ છે. બની શકે એ નિર્ણય બદલી આપના હિતમાં કોઈ નિર્ણય લે. આમ પણ હવે બારમાં ધોરણમાં પચાસ ટકા આવ્યા બાદ બાકી તો જે તે વિષયની એન્ટ્રન્સ પરીક્ષા જ એડમીશન માટે જરૂરી છે. તમારી ચિંતા વ્યાજબી છે. પણ કેટલાક લોકોની ટીખળ અને જડતા પણ રોકાય એ જરૂરી છે. એક વરસ તમે પરીક્ષા ન આપો તો જીવનમાં કોઈ મોટો ફેરફાર નહિ આવે. આજના સંજોગોમાં સુરક્ષિત રહેવું જરૂરી છે. જીવતા હશો તો આવનાર વરસોમાં કાંઈક કરી શકશો. આ વાત બધાજ વાલીઓ, શિક્ષકો અને નિશાળના માલિકોએ સમજવી પડશે. તમારા ઘરમાં બ્રહ્મનો દોષ છે. તમે મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. સાચો નિર્ણય લેવાની શક્તિ મળશે. દર અડધા કલાકે પાણી પીવો. અને વહેલા ઉઠી ને સૂર્યને અર્ઘ આપો.

આજનું સુચન:  યોગ્ય રીતે મહામૃત્યુંજય મંત્ર જાપ કરવાથી કાલ્પનિક ભય ઓછો થાય છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular