Sunday, July 6, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUઘરમાં તોડફોડ વિના વાસ્તુમાં સુધારા આવે ખરા?

ઘરમાં તોડફોડ વિના વાસ્તુમાં સુધારા આવે ખરા?

વિદ્યાર્થી જયારે માત્ર પરીક્ષાર્થી બની જાય ત્યારે આવનારા સમાજનો વિચાર પણ રુંવાડા ઉભા કરી દેનાર હોય છે. માત્ર ફી ભરી દેવાથી કે પરીક્ષા પાસ કરી દેવાથી જો જ્ઞાન પ્રાપ્ત થઇ જતું હોત તો સંશોધનની જરૂર જ ન રહેત. જયારે એક શિક્ષક પોતે જ્ઞાન પિપાસુ હોય ત્યારે જ એ પોતાના વિદ્યાર્થીને સાચી સમજ આપી શકે છે. મારું એવું માનવું છે કે દરેક વિદ્યાર્થીને તૈયાર કરવા એ શિક્ષકનો ધર્મ છે. એક વિદ્યાર્થીની નિષ્ફળતા એ એક શિક્ષકની પણ નિષ્ફળતા છે. એવું પણ કહી શકાય કે હવે સાચા ગુરુની જરૂર છે જે માત્ર પગાર માટે કે પ્રમોશન માટે કામ ન કરતા હોય પણ જેમણે જીવનને સમજ્યું હોય અને જ્ઞાન પ્રદાનની ભાવના હોય.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મયંકજી. આપ મારા વડીલ સમાન છો. અમારી આર્થિક સ્થિતિ સારી નથી. મારા પિતાજી ગુજરી ગયા છે. હું જાતે મહેનત કરીને મારી ફી ભરું છુ. અત્યારની પરિસ્થતિમાં ઓનલાઈન ક્લાસ થાય છે. અમારા સાહેબ પુરતો સમય ભણાવતા નથી. વળી વારંવાર એમની ઓછી સેલરીની ફરિયાદ કર્યા કરે છે. એમના ગમતા વિદ્યાર્થીઓ તરફ વધારે ધ્યાન આપે છે. અને ક્યારેક એ એમ મેસેજ આપે છે કે ક્લાસ છે પણ એ ક્લાસ લેતા જ નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ માત્ર ડીગ્રી માટે ભણે છે. પણ મારે એવું નથી. સાહેબ પેપર લખાવી દે એટલે બધા પાસ થઇ જાય છે. પણ શીખવાનું શું? ફરિયાદ કરું છુ તો મજાક બનાવી દે છે. અને બધાની વચ્ચે નીચાજોણું કરાવે છે. મને ક્યારેક આત્મહત્યા કરવાના વિચારો આવે છે. કોઈ ઉપાય બતાવો ને.

જવાબ: બહેનશ્રી. આપની વ્યથા વ્યાજબી છે. પણ એમ કાઈ સંજોગોથી હારી ન જવાય. આપણા સમાજમાં ભૌતિકતા વધી રહી છે. તમે જે વાત કરી એ બતાવે છે કે હજુ પણ વધારે લોકો હાથમાં ડીગ્રી લઈને નોકરી શોધવા હવાતિયા મારતા જોવા મળશે. એક સારી શિક્ષણ વ્યવસ્થા માટે પાંચ વ્યક્તિઓની જાગૃતિ જરૂરી છે. સર્વપ્રથમ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ, કારણકે જો શીખવાની ભાવના નહિ હોય તો પરિણામ નહિ મળે. એનાથી વધારે એક શિક્ષકની કારણકે સાચું અને સારું જ્ઞાન સચોટ, સહજ અને સરળ રીતે આપવું એની આદત જરૂરી છે. એનાથી વધારે એ સંસ્થાની જ્યાં વિદ્યાર્થી ભણે છે, કારણ કે એક સારી સંસ્થા સારું વાતાવરણ આપી શકે છે. એનાથી વધારે એ સંકુલની જે વિદ્યાર્થી અને શિક્ષકને પસંદ કરી અને યોગ્ય વ્યવસ્થા આપે છે. એનાથી વધારે એ સિસ્ટમની જે આખી પ્રક્રિયાનું માળખું તૈયાર કરે છે. આજે આવી સમજણ સાથે કેટલી જગ્યાએ કામ થાય છે? તમારે ડીગ્રી લેવાની છે તેથી એ સંસ્થા સાથે રહેવું જરૂરી છે. બાકી જ્ઞાનના ક્યાં સીમાડા હોય છે?

પુસ્તકો, ઓનલાઈન વિડીયો, વાંચન વિગેરે આપને ઘણું બધું જ્ઞાન આપવા સક્ષમ છે. હતાશ થવાની જરૂર નથી. એક નવું ધ્યેય અને નવી દિશા પસંદ કરો. જીવન વધારે સુંદર લાગશે. આપના ઘરમાં પૂર્વનો દોષ છે અને ઈશાનમાં નકારાત્મકતા છે તેથી આપ હતાશ થઇ રહ્યા છે. આપની સંસ્થાના ઈશાનનો મોટો દોષ છે અને પશ્ચિમ તરફથી રસ્તો જાય છે. જેના કારણે સંસ્થા સતત પતન તરફ જઈ રહી છે. આપ સૂર્યને જળ ચડાવો, વહેલા ઉઠો અને દત્ત બાવનીના પાઠ કરો. ચોક્કસ સારું લાગશે. આપની સફળતાની ગાથા જરીરથી જણાવશો.

સવાલ: મયંકભાઈ, મને તમારાથી બહુ ફરિયાદો છે. એક તો તમે સમયસર જવાબ નથી આપતા. બીજું તમારા સૂચનમાં ક્યાય તોડફોડ નથી. તોડફોડ વિના વાસ્તુમાં સુધારા આવે ખરા? તમે જે કુદરતની વાત કરો છો એનો આધાર શું છે? તમે એવું કહો છો કે તમે આર્કિટેક્ટ છો. એમ કહેવાથી આર્કિટેક થઇ જવાય?

જવાબ:  ભાઈશ્રી. જગ્યા અને મર્યાદાના કારણે કેટલીક વાતો નથી આવરી શકાઈ. ઘણા બધા સવાલોમાંથી જવાબ આપવાના થાય તો એનો જવાબ આપવામાં મોડું થાય એ સ્વાભાવિક છે. ભારતીય સંસ્કૃતિ રચનાત્મક છે. તેથી જ ખંડનાત્મક વિચારો એમાં ન જ હોય. કુદરત આપણી સહુની આસપાસ છે. જે પાંચ તત્વો બ્રહ્માંડમાં છે, એ જ આપણા ઘર અને શરીરમાં છે. વાસ્તુ નિયમો બ્રહ્માંડની સકારાત્મકતા ને આપણા જીવનમાં લાવવામાં મદદ રૂપ થાય છે. મારો આર્કીટેક્ચરનો અભ્યાસ મને વાસ્તુ નિયમોને સમજવામાં મદદરૂપ થયો. વળી ઘણા વરસો સુધી આર્કિટેક્ચર કોલેજમાં શિક્ષણ આપવાની પ્રક્રિયાથી સમજાયું કે આર્કીટેક્ચરને વાસ્તુનો પર્યાય કહી શકાય.

આજનું સુચન:મુખ્ય દ્વાર પાસે વહેતું પાણી ઘરના વાતાવરણ માટે યોગ્ય નથી.

(મયંક રાવલ)

(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો. આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular