Thursday, May 29, 2025
Google search engine
HomeNewsSportsમુંબઈ ઈન્ડિયન્સનો નવો બુમરાહઃ આકાશ મધવાલે લખનઉ ટીમને 81-રનથી પછાડી

મુંબઈ ઈન્ડિયન્સનો નવો બુમરાહઃ આકાશ મધવાલે લખનઉ ટીમને 81-રનથી પછાડી

ચેન્નાઈઃ ઉત્તરાખંડના રૂડકીનો રહેવાસી અને મધ્યમ ઝડપી બોલર આકાશ મધવાલ આ પહેલી જ વાર આઈપીએલ સ્પર્ધામાં રમી રહ્યો છે અને એણે ગઈ કાલે સનસનાટીભર્યો બોલિંગ દેખાવ કરીને તેની ટીમને ‘એલિમિનેટર’ મુકાબલામાં જિતાડીને ‘ક્વાલિફાયર-2’ મેચ-તબક્કામાં પહોંચાડી દીધી છે. ગઈ કાલે અહીંના ચિન્નાસ્વામી (ચેપોક) મેદાન પર રમાઈ ગયેલી આઈપીએલ-2023 (સીઝન-16)ની ‘એલિમિનેટર’ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનના તોતિંગ માર્જિનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 182 રન કર્યા હતા. તેના જવાબમાં લખનઉ ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુંબઈ ટીમની આ જીતનો શ્રેય જાય છે આકાશ મધવાલને જેણે 3.3 ઓવરમાં માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેમજ દીપક હુડાને રનઆઉટ કરવામાં ભૂમિકા ભજવી હતી. મધવાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ‘ક્વાલિફાયર-2’ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ ટીમ સામે આવતીકાલે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં થશે. ગુજરાત ટીમ આ પહેલાં ‘ક્વાલિફાયર-1’ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. આવતીકાલે મુંબઈ-ગુજરાતમાંથી જે ટીમ જીતશે તે 28 મેના રવિવારે મોદી સ્ટેડિયમમાં જ રમાનાર ફાઈનલ મેચમાં ચેન્નાઈ ટીમ સામે ટકરાશે.

મેચ બાદ એવોર્ડ સ્વીકારતી વખતે મધવાલે કહ્યું હતું કે, ‘હું નેટ્સમાં ઘણી જ પ્રેક્ટિસ કરતો રહ્યો છું અને મારી તક આવે એની રાહ જોઉં છું. હું તો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું અને ક્રિકેટ મારો શોખ છે. આઈપીએલમાં રમવાની તક મળે એની હું 2018ની સાલથી રાહ જોતો હતો. હું આગામી મેચોમાં પણ સારો દેખાવ કરવાની આશા રાખું છું અને મારી ટીમ વિજેતા બને એવું ઈચ્છું છું. 6ઠ્ઠા ક્રમે રમવા આવેલા લખનઉ ટીમના વિકેટકીપર નિકોલસ પૂરનની વિકેટ મારે મન સૌથી વધારે આનંદ અપાવનારી હતી.’ (74 રનના સ્કોર પર પૂરન પહેલા જ બોલ પર આઉટ થયો હતો. મધવાલના બોલમાં એ વિકેટકીપર ઈશાન કિશનને કેચ દઈ બેઠો હતો.)

મુંબઈ ટીમનું બોલિંગ આક્રમણ તેના ઝંઝાવાતી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ગેરહાજરીને કારણે નબળું પડી ગયું હતું, પણ મધવાલે તેની ખોટ વર્તાવા દીધી નથી. એણે ધીમે ધીમે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. આઈપીએલ સ્પર્ધાના પ્લેઓફ્સ ચરણના ઈતિહાસમાં કોઈ બોલરનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ બન્યો છે. તદુપરાંત, સમગ્ર ટુર્નામેન્ટમાં મધવાલનો પાંચ-વિકેટનો બોલિંગ દેખાવ સૌથી ઈકોનોમિકલ બન્યો છે.

ટૂંકો સ્કોરઃ મુંબઈ ઈન્ડિયન્સ – 20 ઓવરમાં 8 વિકેટે 182 (ઈશાન કિશન 15, રોહિત શર્મા 11, કેમરન ગ્રીન 41, સૂર્યકુમાર યાદવ 33, તિલક વર્મા 26, ટીમ ડેવિડ 13, નેહલ વાઢેરા 23. નાવીન-ઉલ-હક 38 રનમાં 4 વિકેટ).

લખનઉ સુપર જાયન્ટ્સ – 16.3 ઓવરમાં 101 (માર્કસ સ્ટોઈનિસ 40, દીપક હુડા 15, કેપ્ટન કૃણાલ પંડ્યા 8. આકાશ મધવાલ પાંચ રનમાં પાંચ વિકેટ.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular