Sunday, July 20, 2025
Google search engine
HomeNewsBusinessએસજીએક્સ નિફ્ટી હવે બની જશે 'ગિફ્ટ નિફ્ટી'

એસજીએક્સ નિફ્ટી હવે બની જશે ‘ગિફ્ટ નિફ્ટી’

અમદાવાદઃ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવેલા નેશનલ સ્ટોક એક્સચેંજના ઈન્ટરનેશનલ એક્સચેંજ પર નવું અને મહત્ત્વનું ડેવલપમેન્ટ આકાર પામી રહ્યું છે. સિંગાપોર એક્સચેંજ પરથી એસજીએક્સ નિફ્ટી ડિલિસ્ટ થશે અને એ તેને બદલે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં એનએસઈ આઈએફએસસી નિફ્ટી લિસ્ટ થશે અને તા. ૩ જુલાઈથી આ ઈન્ડેક્સનું ટ્રેડિંગ ગિફ્ટ સિટીના એક્સચેંજમાં શરૂ થઈ જશે. એજીએક્સ પર જે છેલ્લી પોઝિશન ઊભી હશે તેને કન્વર્ટ કરી શકાશે.

નિફ્ટીના સોદા ભારતમાં એનએસઈ પર તો થાય જ છે, કિંતુ ડોલર ટર્મમાં સિંગાપોર એક્સચેંજ પર થતા રહ્યા છે, જેની અસર અહીં આપણી બજાર પર પણ થતી હોય છે. જેમાં મોટેભાગે આપણા દેશના આ બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં મોટાભાગનો વેપાર ભારત બહાર સિંગાપોરમાં વધુ થતો રહ્યો છે, જેના દિવસો હવે પૂરા થવા આવ્યા છે.

ભારતીય ઈક્વિટીમાં ગ્લોબલ રસ

છેલ્લા અમુક વર્ષોથી એસજીએક્સ નિફ્ટી-50 ઈન્ડેક્સના ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ સિંગાપોર એક્સચેંજ પર ડોલરમાં થતા રહ્યા હોવાથી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ તેમાં સક્રિય ભાગ લેતા રહ્યા છે. આ સોદા યુએસ ડોલરમાં થવા સાથે યુરોપ, એશિયા અને યુએસના કામકાજના કલાકોમાં થાય છે. નિફ્ટીમાં ડેરિવેટિવ્ઝ સોદા કરીને ગ્લોબલ રોકાણકારો પરોક્ષ રીતે ભારતીય ઈક્વિટી માર્કેટમાં એક્સપોઝર અથવા કહો કે રસ લેતા અથવા રોકાણ-સ્પેક્યુલેશન કરતા રહ્યા છે. એસજીએક્સના આ સોદાઓની અસર ભારતીય માર્કેટ-નિફ્ટી ઉપર પણ થતી રહી છે. આપણે ત્યાં સવારે માર્કેટ ખુલે કે ખેલાડીઓની નજર એસજીએક્સ નિફ્ટીની મૂવમેન્ટ કે ટ્રેન્ડ પર જાય છે, જેના આધારે અહીં નિફ્ટી કેવો ખુલશે કે વધશે યા ઘટશે તેનું અનુમાન પણ મુકાય છે.

સરકારની આવક પણ વધશે

હવે જ્યારે આપણા દેશમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર (ગિફ્ટ સિટીમાં) છે ત્યારે આપણા ઈન્ડેક્સના સોદા ડોલર ટર્મમાં ભારતમાં જ થાય એ વધુ બહેતર છે. આ વિચારણા ઘણા સમયથી ચાલતી હતી, જેને હવે આકાર મળવા જઈ રહ્યો છે. હવે જુલાઈથી એસજીએક્સ નિફ્ટી ‘ગિફ્ટ નિફ્ટી’ કહેવાશે. અર્થાત, હવે પછી સિંગાપોર એક્સચેંજ પોતે જ ગિફ્ટ સિટીમાં બ્રોકરની ભૂમિકામાં રહેશે, જેથી તેનો તમામ નિફ્ટી બિઝનેસ ગિફ્ટ સિટીમાં શિફ્ટ થઈ જશે. આમ ભારતીય માર્કેટમાં નિફ્ટીમાં ગ્લોબલ રોકાણ પ્રવાહ-સોદા વધશે અને તેનો લાભ આપણા બજાર અને સરકારને પણ થશે. સરકારની ટેક્સ આવક પણ વધશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular