Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiમોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને કારે ટક્કર મારતાં મૃત્યુ

મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને કારે ટક્કર મારતાં મૃત્યુ

મુંબઈઃ દક્ષિણ મુંબઈના વરલી વિસ્તારમાં વરલી-સીફેસ પ્રોમિનેડ ખાતે આજે સવારે 6.30 વાગ્યે બનેલી એક ઘટનામાં એક કારે ટક્કર મારતાં મોર્નિંગ વોક કરી રહેલી એક મહિલાનું માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. તે મહિલા 38 વર્ષની હતી. એમનું નામ રાજલક્ષ્મી રાજ કૃષ્ણન હતું. તેઓ એક ટેક્નોલોજી કંપનીનાં સીઈઓ હતાં અને દાદર-માટુંગાનાં રહેવાસી હતાં. તેઓ શિવાજી પાર્કના જોગર્સ ગ્રુપનાં સભ્ય હતાં. દર રવિવારે સવારે તેઓ નિયમિત રીતે જોગિંગ કરતાં હતાં. એમનાં પતિ પણ સારા રનર છે. તેઓ પણ આજે સવારે જોગિંગ કરવા નીકળ્યા હતા શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા ત્યારે એમને પોલીસ તથા એમના એક ઓળખીતા તરફથી ફોન આવ્યો હતો અને જાણ કરાઈ હતી કે એમના પત્નીને અકસ્માત નડ્યો છે અને એમને વરલી વિસ્તારમાં પહોંચવા જણાવ્યું હતું.

કારે એવી જોરદાર ટક્કર મારી હતી કે તે મહિલા હવામાં અનેક ફૂટ ઊંચે ઉછળી હતી અને પછી જમીન પર પટકાઈ હતી. મહિલાને તરત જ નજીકની પોદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ એને મૃત ઘોષિત કરી હતી. અકસ્માતમાં કાર ડ્રાઈવરને નજીવી ઈજા થઈ છે. એ 28 વર્ષનો છે. પોલીસે એની સામે આઈપીસીની કલમ હેઠળ બેદરકારીપૂર્વક અને બેફામપણે વાહન હંકારવા અને બેદરકારીપૂર્વક કોઈનું મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે એને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.

પ્રીતિ સોમપુરા નામનાં ગુજરાતી પત્રકારે તે બનાવ નજરોનજર નિહાળ્યો હતો. એમણે કહ્યું કે આસપાસ હાજર લોકોએ કારના ડ્રાઈવરને પકડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ડ્રાઈવરનું નામ સુમેર મરચંટ છે. એ તારદેવ વિસ્તારનો રહેવાસી છે. સુમેર કારમાં એના મિત્રોની સાથે હતો. તેની કાર અત્યંત સ્પીડમાં હતી.

સુમેરે પોલીસને કહ્યું કે એ સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો અને મહિલાને ટક્કર મારી એ પહેલાં એની કાર એક ડિવાઈડર સાથે અથડાઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular