Friday, May 23, 2025
Google search engine
HomeNewsMumbaiગુજરાતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌથી મોટું રીયુનિયન યોજાયું

ગુજરાતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌથી મોટું રીયુનિયન યોજાયું

મુંબઈઃ અહીંના કાંદિવલી (વેસ્ટ)ની ગુજરાતી માધ્યમની ‘બાલભારતી’ સ્કૂલના બધા બેચનું રીયુનિયન ગઈ પાંચમી માર્ચે કચ્છી હોલ, બોરીવલીમાં રાખવામાં આવ્યું હતું. રીયુનિયનમાં શાળાની જૂની યાદ તાજી કરવાની સાથે મનોરંજનના કાર્યક્રમો પણ રખાયા હતા. બાલભારતી સ્કૂલના પાંચમી માર્ચે યોજાયેલા રીયુનિયનના અંદાજે 1,25૦ વિદ્યાર્થી અને 100 મેનેજમેન્ટના સભ્યો, શિક્ષકો, સ્ટાફ સહિત આશરે 1,350 જણ ભેગા થયા હતા. દેશ-વિદેશમાંના અન્ય હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને યૂટ્યૂબ પર માણ્યો હતો.

‘બાલભારતી’ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રીયુનિયન કદાચ દેશની, ખાસ કરીને ગુજરાત બહારની કોઇ એક ગુજરાતી શાળાના અત્યાર સુધી યોજાયેલા રીયુનિયનમાં સૌથી મોટું હશે. આ પ્રસંગે સુવેનિયર બહાર પાડવામાં આવ્યું હતું, બધાએ સંગીતના તાલે ગરબા કર્યા હતા અને મનમૂકીને નાચ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વેબસાઇટ અંગે જાણકારી અપાઇ હતી. યૂટ્યૂબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર પણ આ કાર્યક્રમના ફોટા, વીડિયો મુકાયા હતા.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શરૂઆતમાં દરેક બેચના એડમિન નીમીને તેઓના બેચના વિદ્યાર્થીઓ સુધી આ રીયુનિયનનો સંદેશો પહોંચાડ્યો હતો. બાદમાં, કાંદિવલી, બોરીવલી, મલાડના અનેક સેન્ટર ખાતેથી નામનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. બાલભારતી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં હાલમાં કોઇ ગૃહિણી છે, તો કોઇ ડોક્ટર, તો કોઇ વેપારી, તો કોઇ કવિ, અભિનેતા, વકીલ, એન્જિનિયર, કોરિયોગ્રાફર, સમાજસેવક. કોઇ અમેરિકામાં છે, તો કોઇ અમદાવાદમાં, કોઇ દુબઇ છે, તો કોઇ કાશ્મીરમાં રહે છે. આ રીતે વિવિધ ક્ષેત્રમાં કામ કરી રહેલા બાલભારતી ગુજરાતી માધ્યમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક જ જગ્યાએ ભેગા થઇને જૂની યાદ ફરી તાજી કરી હતી.

માત્ર બે મહિનામાં ગુજરાતી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આટલી મોટી સંખ્યામાં પરિવારના સભ્યો વિના ભેગા કરવાની આ ઘટનાને ઐતિહાસિક ગણવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી અન્ય સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પતિ, પત્ની, સંતાનો સાથે મળતા હતા અથવા ફનફેર જેવા કાર્યક્રમમાં ભેગા થતાં હતાં, પરંતુ આ રીતે મોટી સંખ્યામાં ભેગા થયા હોવાની ઘટના કદાચ સૌપ્રથમ હતી. એસી હોલની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સંખ્યા મર્યાદિત રખાઇ હતી. અમુક લોકોએ મોડેથી પણ પ્રવેશ માટે વિનંતિ કરી હતી અથવા વહેલા રજિસ્ટ્રેશન નહિ કરાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular