Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentઓસ્કર ટ્રોફી લેવા અભિનેતા રામચરણ ઉઘાડે પગે અમેરિકા રવાના

ઓસ્કર ટ્રોફી લેવા અભિનેતા રામચરણ ઉઘાડે પગે અમેરિકા રવાના

હૈદરાબાદઃ પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ માટેનો 95મા એકેડેમી એવોર્ડ્સ કાર્યક્રમ આવતી 12 માર્ચે અમેરિકાના લોસ એન્જેલીસ શહેરના ડોલ્બી થિયેટરમાં યોજાવાનો છે. તેલુગુ ફિલ્મ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ કેટેગરી માટે પસંદ કરવામાં આવ્યું છે. આમ, આ ગીતને ઓસ્કર એવોર્ડ મળવાની સંભાવના છે અને તે માટે કાર્યક્રમમાં હાજરી આપવા ફિલ્મના અભિનેતા રામચરણ અમેરિકા માટે રવાના થઈ ગયા છે. વિશેષ વાત એ છે કે રામચરણ ઉઘાડે પગે અમેરિકા રવાના થયા છે. રામચરણે અય્યપ્પા દીક્ષા લીધી છે. એ તેઓ દર વર્ષે લે છે. એ નિમિત્તે તેઓ 48 દિવસ સુધી ઉપવાસ રાખે છે અને ઉઘાડે પગે રહે છે.

હૈદરાબાદ એરપોર્ટ પર એ સંપૂર્ણ કાળા વસ્ત્રોમાં અને ઉઘાડે પગે જતા જોવા મળ્યા હતા. એની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. ‘નાટુ નાટુ’ (નાચો નાચો) ગીતને આ વર્ષના આરંભમાં આ જ કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેથી તેને ઓસ્કર એવોર્ડ પણ મળવાની આશા બળવાન બની છે.

રામ ચરણ ભગવાન અય્યપ્પાના ભક્ત છે. અમેરિકા રવાના થતા પૂર્વે એ કેરળસ્થિત સબરીમાલા મંદિરમાં દર્શન કરવા પણ ગયા હતા. એની તસવીરો અને વીડિયો જોઈને ચાહકો એની પર પ્રશંસાની પુષ્પવર્ષા કરી રહ્યાં છે અને ગોલ્ડન ટ્રોફી – ઓસ્કર એવોર્ડ માટે RRR ટીમ માટે શુભેચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

2009માં સંગીતકાર એ.આર. રેહમાને ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. 2008માં રિલીઝ કરાયેલી અંગ્રેજી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના ગીત ‘જય હો’ માટે એમણે બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર એવોર્ડ જીત્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular