Sunday, July 6, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedશેહઝાદા V/s ગૂગલ

શેહઝાદા V/s ગૂગલ

આ લખાય છે ત્યારે (શુક્રવારની રાતે) ‘પઠાન’ની ટિકિટબારી પરથી જબરદસ્ત વસૂલી થઈ રહી છે. ‘પઠાન’ની સુનામીની એ અસર થઈ કે આ શુક્રવારે (3 ફેબ્રુઆરીએ) ‘શેહઝાદે’ રિલીઝ થવાની હતી એ બાજુમાં ખસી ગઈ. હવે એ આવતા અઠવાડિયે આવશે.

હવે એ તો સર્વવીદિત છે કે ‘શેહઝાદે’ એ 2020ની સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠપુર્રામુલુ’ની રિમેક છે. ‘પુષ્પા’વાળો અલ્લુ અર્જુન અને પૂજા હેગડે છે, જ્યારે હિંદીમાં કાર્તિક આર્યન-ક્રિતિકા સેનન છે. તેલુગુ ફિલ્મ એકાદ વર્ષથી નેટફ્લિક્સ પણ સિનેમાપ્રેમીઓ જોઈ રહ્યા છે, સૅટેલાઈટ ચૅનલ પર પણ એ (હિંદી ડબ્ડ) દર્શાવાઈ ચૂકી છે. હવે સમાચાર આવે છે કે જીભનો સુરતી લોચો વળી જાય એવું નામ ધરાવતી તેલુગુ ફિલ્મ  (આલા વૈકુંઠપુર્રામુલુ) ‘શેહઝાદા’ની રિલીઝ પહેલાં, આપણા મનીશ શાહની યૂટ્યૂબ ચૅનલ ‘ગોલ્ડમાઈન્સ’ પર જોવા મળશે. આ હકીકત હિંદી આવૃત્તિ શેહઝાદેના નિર્માતાઓને ખાસ ગમી નથી. મૂળ ફિલ્મ યૂટ્યૂબ પર જોવાઈ જાય પછી હિંદીમાં રસ કોને રહે? ‘શેહઝાદે’ના વકરા પર એની અસર થાય. આમ ગૂગલ કે યૂટ્યૂબ હાલ શેહઝાદાના સર્જક માટે માથાનો દુખાવો બન્યાં છે.

જો કે મનીશભાઈનું માનવું છે કે એવું કંઈ નહીં થાય. એ હિંદી મૂવી છે અને આ સાઉથ મૂવી છે, જે લોકોએ નેટફ્લિક્સ પર એ જોઈ લીધી છે. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે કે “મેં મોટી રકમ ચૂકવીને (તેલુગુ) ફિલ્મના રાઈટ્સ લીધા છે. સૅટેલાઈટ ચૅનલ પર પ્રસારિત થયાના એક વરસ બાદ અમે યૂટ્યૂબ પર બતાડી શકીએ. વરસ થઈ ગયું છે.”

 

ઉલ્લેખનીય છે કે આ જ અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઈઝ’ દક્ષિણનાં રાજ્યો ઉપરાંત સમગ્ર ભારતમાં સુપરહિટ થઈ એનું શ્રેય મનીશ શાહને મળે છે. આજે ટીવીની મૂવીચૅનલો પર પ્રસારિત થતી દક્ષિણ ભારતની મોટા ભાગની (હિંદી ડબ્ડ) ફિલ્મ તમે જોશો તો એમાં ક્રિયેટિવ પ્રોડ્યુસરઃ મનીશ શાહ એવું વાંચવા મળશે.

મૂળ પાટણના ગિરીશભાઈ શાહના પુત્ર મનીશભાઈનો જન્મ મુંબઈમાં. ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગ તથા એમબીએ ફાઈનાન્સ ભણી એ કાકા સાથે શૅરનું કામકાજ કરતા. ત્યાં એક મિત્રની મરાઠી ટીવીસિરિયલમાં ફાઈનાન્સ કરવાની તક મળી. એ પછી શૂટિંગ માટે સાધનો ભાડે આપવાનું કામકાજ શરૂ કર્યું. તે પછીનું સ્ટૉપ હતું- નિર્માણ. મનીશભાઈએ સાહિત્યકાર વર્ષા અડાલજાની નવલકથા પરથી ગુજરાતી સિરિયલ ‘અપરાજિતા’ બનાવી તો ‘ઝી’ માટે મૈત્રીકરાર બનાવી.

આ દરમિયાન ઝીને ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘પિંજર’ ફિલ્મ જોઈતી’તી, પણ પ્રોડ્યુસર દિલ્હીનો હતો. ‘ઝી’ને એમનો કૉન્ટેક્ટ મળતો નહોતો. મનીશભાઈએ એ ફિલ્મ ‘ઝી’ને મેળવી આપી. આ રીતે એમણે સૅટેલાઈટ ટીવી માટે હિંદી ફિલ્મોના હક મેળવવા માંડ્યા.

2006-2007 દરમિયાન દેશભરમાં સિંગલ સ્ક્રીન થિએટરની જગ્યાએ મલ્ટિપ્લેક્સ આવ્યાં. આવાં થિએટરોમાં ફિલ્મ જોનારાનો ટેસ્ટ બદલાઈ રહ્યો હતો એટલે મલ્ટિપ્લેક્સ ઑડિયન્સની ફિલ્મો બનવી શરૂ થઈ. આને લીધે ઍક્શન મૂવીની અછત સર્જાઈ. સૅટેલાઈટ ટીવીચેનલોને કૉમેડી-ઍક્શન મૂવી જોઈતી હતી. 2007માં મનીશભાઈએ નાગાર્જુન અભિનિત માસ હિંદીમાં ડબ કરીને રિલીઝ કરવાના હક સાત લાખ રૂપિયામાં મેળવ્યા, જે એમણે ટીવીચૅનલને 12 લાખ રૂપિયામાં વેચ્યા. એ કહે છેઃ ‘આ ફિલ્મ લેતી વખતે ચૅનલે મારી પાસેથી ખાતરી મેળવેલી કે ફિલ્મને પ્રતિસાદ નહીં મળે તો એ પછીની ફિલ્મમાં પાંચ લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવું પડશે. મારે આ માર્કેટમાં ઘૂસવું હતું એટલે મેં હા પાડી.’

જો કે ફિલ્મ ચાલી અને ડબ્ડ સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો, ‘ઈન્દ્રા- ધ ટાઈગર,’ ‘ડૉન નંબર વન,’ ‘મેરી જંગ- વન મૅન આર્મી,’ ‘કાંચના,’ ‘મગધિરા,’ જર્સી, વગેરે.

આજે ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સની લાઈબ્રેરીમાં તમિળ-તેલુગુ સિનેમાનાં મોભાદાર નામ ગણાતા ઍક્ટરોનાં 1000થી વધુ ટાઈટલ છે. યુટ્યુબ પર એમની ‘ગોલ્ડમાઈન્સ’ ચૅનલના કરોડો સબ્સક્રાઈબર છે. આ ઉપરાંત ટીવી પર મનીશભાઈની મૂવી ચૅનલ છેઃ ‘ગોલ્ડમાઈન્સ.’ યુટ્યૂબ અને ટીવીચૅનલના મળીને એમની પાસે સાડાબાર કરોડ રેડિમેડ દર્શકો છે.

હા, પણ ‘શેહઝાદે’નું શું? શું લાસ્ટ મોમેન્ટ પર મનીશભાઈ એમના ખાસંખાસ દોસ્ત અલ્લુ અર્જુનનું માન રાખીને યૂટ્યુબવાળો નિર્ણય પાછો ખેંચશે? કેમ કે અલ્લુ અર્જુન હિંદી સંસ્કરણ ‘શેહઝાદે’નો સહનિર્માતા પણ છે. મનીશભાઈ કહે છેઃ “થોભો અને રાહ જુઓ. હાલ મહત્વની મિટિંગમાં છું. પછી કૉલબેક કરું છું.”

ભલે ત્યારે, એમ રાખો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular