Monday, May 26, 2025
Google search engine
HomeNewsGujaratસરકાર દ્વારા ખેડૂતો માટે રૂ. 600 કરોડથી વધુના પેકેજની જાહેરાત

સરકાર દ્વારા ખેડૂતો માટે રૂ. 600 કરોડથી વધુના પેકેજની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્ય સરકારે રાજ્યના આઠ લાખથી વધુ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતો માટે રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ મોસમમાં વરસાદને લીધે ખેડૂતોના કૃષિ પાકને થયેલા નુકસાનમાં સહાયરૂપ થવા આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખરીફ મોસમમાં કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકારને છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓનાં રપ00થી વધુ ગામોમાં પાક નુકસાની વિશેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે મળ્યા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજૂઆતો બાદ રૂ. ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં આઠ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સહાય પેકેજની વિગતવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે  ૩૩ ટકા અને તેનાથી વધુ પાકનું નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટરદીઠ રૂ. ૬૮૦૦ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમ જ રાજ્ય બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકસાન માટે કુલ રૂ. ૩૦,૦૦૦ની હેક્ટરદીઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી રૂ.૧૩,૫૦૦ પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ.૧૬,૫૦૦ પ્રતિ હેકટર) આપવાની જોગવાઈ આ પેકેજમાં કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઇન અરજી માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે.
ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં એ માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ પણ કૃષિ મંત્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular