Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં ટ્રાફિક નિયમનમાં ભારે અવ્યવસ્થા

અમદાવાદમાં ટ્રાફિક નિયમનમાં ભારે અવ્યવસ્થા

અમદાવાદ: આ શહેરનો વૃદ્ધિ-વિકાસ ચારેય તરફ થઈ રહ્યો છે. એને કારણે વાહનોની સંખ્યા પણ સતત વધતી જાય છે. એમાં વળી સરકારી અને રાજકીય પક્ષો દ્વારા આયોજિત કાર્યક્રમોની સંખ્યા પણ વધી રહી છે. એને કારણે ઠેરઠેર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તહેવાર અને ઉત્સવોમાં ખરીદી માટેના મુખ્ય સ્થળોની આસપાસ ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખોરવાઈ જાય છે. લાલ દરવાજા અને મુખ્ય બજારોવાળા તમામ વિસ્તારોમાં લારીવાળા, પાથરણાંવાળા મુખ્ય માર્ગોને રોકીને બેસી જાય છે. એમાં વળી, ખરીદી કરવા આવતા લોકોનાં વાહનો માર્ગો અને ફૂટપાથો રોકી લે… એટલે રોડ પર થઈ જાય ચક્કાજામ….

છેલ્લા કેટલાક દિવસોથી ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનને કારણે ટ્રાફિક પોલીસ જાણે માત્ર વી.વી.આઇ.પી. વાહનોની અવરજવરમાં જ બંદોબસ્ત કરતી હોય એવું લાગે છે.

હાલ દિવાળી ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે. લોકો માટે ખરીદી અને હરવાફરવાના આ દિવસો છે. બીજી બાજુ, સરકારી ફરમાન દિવાળીમાં દંડ વસુલ ન કરવા માટેનું છે. શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ટ્રાફિક શાખાએ  વ્યવસ્થિત નિયમન તો કરવું જ પડે.

ટ્રાફિક પોલીસ વિભાગમાં પોલીસ જવાનો, હોમગાર્ડ્ઝ, ટ્રાફિક બ્રિગેડની જવાબદારી ટ્રાફિક નિયમન સંભાળવાની છે. ટ્રાફિક વિભાગને ટ્રાફિકનું મોનિટરિંગ કરતાં સ્પેશિયલ વાહનો, અત્યાધુનિક ટેક્નોલોજીવાળા સાધનો, પેટ્રોલિંગ કરતા બાઇકર્સ પૂરા પાડવામાં આવ્યા છે. તેમ છતાં અમુક વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે મુકાયેલો સ્ટાફ અદ્રશ્ય હોય છે. મુખ્ય વિસ્તારોના વળાંકના માર્ગો, ચાર રસ્તાઓ હોર્નના સતત ઘોંઘાટથી વાતાવરણને પ્રદુષિત કરે છે. ક્યાંક ટી.આર.બી., હોમગાર્ડ્ઝના જવાનો દેખાતા જ નથી હોતા તો ક્યાંક ટ્રાફિક વિભાગની કેબિનોમાં ગોઠવાઇ જઇ મોબાઈલ ફોનની મજા માણતાં જોવા મળે છે અથવા ક્યાંક ખાણીપીણીની રેકડીઓ પાસે જ્યાફત ઉડાડતા જોવા મળે છે.

ગુલબાઇ ટેકરા, ગોતા વંદેમાતરમ જેવા શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં તો સ્થાનિક સ્વયંસેવકો આવીને જામ થઇ ગયેલો ટ્રાફિક હળવો કરવા માટે મદદ કરતાં હોય છે.

VVIP મુવમેન્ટ વખતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ કરતી ગાડીઓ, બાઇકર્સ… સામાન્ય માણસોને હાકોટા પાડીને તતડાવી નાંખતા પોલીસ અધિકારીઓ મહત્વના દિવસોમાં મહત્વના માર્ગો પર ક્યાં ગાયબ થઈ જતાં હશે…?

શહેરના અતિ મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર ધોળે દિવસે ટ્રાફિક જામ થાય અને અવ્યવસ્થા ફેલાય તેમ છતાં જવાબદાર લોકોના પેટનું પાણી પણ હાલતું નથી…

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular