Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratગણપત યુનિવર્સિટીએ રંગેચંગે ઉજવ્યો ગરબા-મહોત્સવ

ગણપત યુનિવર્સિટીએ રંગેચંગે ઉજવ્યો ગરબા-મહોત્સવ

ગણપત વિદ્યાનગરઃ વિશ્વભરના સૌથી લાંબા ‘નૃત્યોત્સવ’ તરીકે જેની પ્રતિષ્ઠા થઈ છે અને ગુજરાતની જે સાંસ્કૃતિક ઓળખ બની રહી છે એવી માતાજીની નવરાત્રીની આરાધનાનો ઉત્સવ સમગ્ર ગુજરાતની જેમ ગણપત વિદ્યાનગરની પાવન વિદ્યાભૂમિ ઉપર પણ ‘યુવારંગત-2022’ તરીકે ઉજવાયો. આ ગરબા મહોત્સવમાં ગણપત યુનિવર્સિટીના 14,000થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગણપત વિદ્યાનગરના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવી હતી. જુદી જુદી ફેકલ્ટી અને કોલેજોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કેમ્પસ પર હાજર રહેતાં 150 જેટલાં પરિવારોનાં સભ્યોએ દરરોજ આ ગરબા મહોત્સવમાં જોડાઈને અવસરનો આનંદ માણ્યો હતો.

ઉત્તર ગુજરાતના પાલનપુરના જાણીતા કલાવૃંદ ટહુકાર બિટ્સના કલાકારો-ગાયકોએ એમની સૂરીલી સેવા પ્રદાન કરી હતી.

‘યુવારંગત’ ગરબા મહોત્સવમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ભાત-ભાતનાં રંગના અને ભરત-ગૂંથણ અને આભલાં ટાંકેલા અત્યાધુનિક ગ્રામીણ-ગામઠી ડ્રેસમાં સજ્જ થઈ જોશ, ઉત્સાહ અને આનંદ સાથે ગરબાની રમઝટ બોલાવતા હતા. ગરબા મહોત્સવ દરમિયાન વિવિધ દિવસે આરતી અવસરે યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડો. મહેન્દ્ર શર્મા, પ્રો. વાઈસ ચાન્સેલર ડો. અમિત પટેલ તથા અન્ય સાહેબો-અધ્યાપકો સામેલ થયાં હતાં. આ ગરબા મહોત્સવને સફળ બનાવવામાં યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઓફિસર અને ખુદ સારા ગાયક કમલેશ પટેલ તથા એમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular