Wednesday, May 28, 2025
Google search engine
HomeNewsGujaratવડા પ્રધાન મોદીનો સુરતમાં ભવ્ય રોડ શો

વડા પ્રધાન મોદીનો સુરતમાં ભવ્ય રોડ શો

સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રાજ્યની મુલાકાતે છે. તેઓ સૌપ્રથમ સુરત પહોંચ્યા હતા. તેમણે અહીં રોડ શો યોજ્યો હતો, ત્યાર બાદ તેઓ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતાં સભાના સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે હકડેઠઠ સભાને સંબોધી હતી.  વડા પ્રધાન સ્માર્ટ સિટી સુરતને અનેક વિકાસ-કાર્યોની ભેટ આપશે. તેમને હસ્તે મહાનગરપાલિકાના 22 પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવશે. સુરતમાં તેમને હસ્તે રૂ. 3472.54 કરોડનાં કુલ 59 વિકાસ-કાર્યોનું  લોકાર્પણ કે ખાતમુર્હૂત કરવામાં આવશે.

વડા પ્રધાન મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર છે. મુખ્ય પ્રધાને સુરતમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે શહેરમાં નવરાત્રીમાં દિવાળી માહોલ છે. મોદીએ સુરતીઓને કહ્યું હતું કે સુરતમાં જમ્યા વિના જવું ખૂબ મુશ્કેલ છે, પણ નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છે. તેમણે લોકોને નવરાત્રિની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે સુરત શ્રમનું સન્માન કરતું શહેર છે. લોકોમાં વડા પ્રધાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરતમાં કાર્યક્રમ પૂરો કર્યા પછી વડા પ્રધાન ભાવનગરની મુલાકાત લેશે. ત્યાં તેઓને હસ્તે રૂ. 6500 કરોડથી વધુનાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ થશે. વડા પ્રધાન ભાવનગર એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ જશે.ત્યાંથી તેઓ બે કિમી લાંબો રોડ-શો યોજશે. તેઓ આ રોડ-શો યોજ્યા પછી બપોરે જંગી જાહેર સભાને સંબોધશે. વડા પ્રધાન સભાને સંબોધ્યા પછી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેમના હસ્તે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવશે.

ભાવનગરના કાર્યક્રમોમાં ભાગ લીધા પછી તેઓ અમદાવાદ આવશે. અહીં તેઓ 36મા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવાના છે. આ પછી તેઓ GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી કરશે. વડા પ્રધાન મોદી નવરાત્રિમાં ઉપવાસ કરે છે. આ તમામ કાર્યક્રમો બાદ વડા પ્રધાન શહેરીજનોને આવતી કાલે વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનની ભેટ આપશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular