Thursday, May 29, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenઅમિતાભ-અમજદની મિત્રતાની 'યારાના'

અમિતાભ-અમજદની મિત્રતાની ‘યારાના’

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘યારાના’ (૧૯૮૧) ના ગીત- સંગીત સાથે બીજી અનેક રસપ્રદ અને અજાણી વાતો જોડાયેલી છે. રાજેશ રોશનના સંગીતમાં અંજાનના લખેલા દરેક ગીત લોકપ્રિય થયા હતા. તેમાં ‘છૂકર મેરે મનકો’ ગીત વધુ સ્પર્શી ગયું હતું. અસલમાં નિર્માતા ગફાર નડિયાદવાલાને આ ગીત પસંદ આવ્યું ન હતું. રાજેશ રોશને જ્યારે આ ગીતની ધૂન બનાવી ત્યારે નડિયાદવાલાએ સાંભળી ન હતી. એ જ્યારે રેકોર્ડિંગ વખતે પહોંચ્યા અને ગીત સાંભળ્યું ત્યારે એમને પસંદ ના આવતાં રેકોર્ડિંગ બંધ રાખવાની સૂચના આપી. રાજેશ રોશને કારણ પૂછ્યું ત્યારે નડિયાદવાલાએ કહ્યું કે એમણે જીવનમાં આટલું વાહિયાત ગીત ક્યારેય સાંભળ્યું નથી. રાજેશને એમની વાત પર ગુસ્સો આવી ગયો અને એમણે એ જ દિવસે પોતાના ખર્ચે ગીત રેકોર્ડ કરવાનો નિર્ણય જાહેર કરી એમને જતા રહેવાનું કહી દીધું. નિર્માતા તરીકે નડિયાદવાલા એ અપમાનનો ઘૂંટ પીને ત્યાંથી નીકળી ગયા.

આ વાત અમિતાભ પાસે પહોંચી. અમિતાભે રાજેશ રોશન પાસેથી એ ગીત સાંભળ્યું અને બહુ પસંદ આવ્યું. અમિતાભને નડિયાદવાલાની નારાજગી અંગે નવાઇ લાગી. અમિતાભે એમને સંદેશ મોકલી દીધો કે જો ફિલ્મમાં આ ગીત નહીં હોય તો એ કામ કરશે નહીં. નડિયાદવાલા પાસે બીજો કોઇ રસ્તો ન હતો અને એમણે અમિતાભની વાત માનવી પડી. અને આમ કિશોરકુમારે ગાયેલું આ ગીત ‘યારાના’ માં રહ્યું અને સૌથી વધુ લોકપ્રિય બન્યું. જે બંગાળી ગીત ‘તોમાર હોલો શુરુ’ પરથી બન્યું હતું. ફિલ્મફેરમાં ‘છૂકર મેરે મન કો’ ના ગાયન માટે કિશોરકુમારનું નામાંકન થયું હતું. પરંતુ એકમાત્ર ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ ની કેટેગરીમાં અમજદ ખાનને એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મમાં અમજદ ખાને પોઝિટીવ ભૂમિકા નિભાવી હતી. બાકીની અમિતાભ સાથેની ફિલ્મોમાં તે વિલન જ બન્યા હતા. ફિલ્મના મોહમ્મદ રફીના એક ગીત (બીશન ચાચા) ને બાદ કરતાં બધાં જ ગીતો કિશોરકુમારે ગાયા હતા. આ કદાચ પહેલું એવું આલબમ હતું જેમાં બધાં જેમાં બધાં જ ગીતો પુરુષ ગાયકના અવાજમાં હતા. માત્ર એક બાળકોનું ટાઇટલ ગીત ‘યારાના યારાના ટૂટે કભી ના’ સુષ્મા શ્રેષ્ઠાના અવાજમાં હતું. ફિલ્મમાં ‘તેરે જૈસા યાર કહાં’ ગીતનું નાનું  દુ:ખદ સંસ્કરણ પણ હતું. તેને ઓડિયો આલબમમાં સમાવવામાં આવ્યું ન હતું. ‘સારા ઝમાના’ ગીતમાં લાઇટના બલ્બના પોશાકનો વિચાર અમિતાભનો હતો. અને ગીતમાં ડાન્સ કરવા સાથે સંગીતના તાલ મુજબ પોતે જ લાઇટની સ્વીચ ચાલુ-બંધ કરી હતી.નવાઇની વાત એ છે કે ‘સારા ઝમાના’ ગીતમાં હીરોઇન નીતૂ સિંગ ગાતી હોવા છતાં તેને કોરસમાં જ ગાતી બતાવવામાં આવી હતી.

વળી આ ગીતના અડધા ભાગમાં જ નીતૂ દેખાય છે. તેનું કારણ એ છે કે કોલકાતાના સ્ટેડિયમમાં શુટિંગ ચાલતું હતું ત્યારે તે અચાનક જતી રહી હતી.તેની રિશી સાથે જે સંજોગોમાં સગાઇ થઇ હતી એમાં તે રિશીથી દૂર રહેવા માગતી ન હતી. અમિતાભે નિર્માતા સાથે વાત કરીને એને જવાની પરવાનગી આપી દીધી. એટલે ગીતને બદલીને એના વગર જ શુટિંગ પૂરું કરવામાં આવ્યું હતું. અમિતાભ-નીતૂની જોડીની આ છેલ્લી ફિલ્મ બની હતી. ફિલ્મના કેટલાક દ્રશ્યોના ડબિંગ વખતે પણ નીતૂ ઉપલબ્ધ ન હતી ત્યારે રેખાનો અવાજ લેવામાં આવ્યો હતો. ફિલ્મમાં લિફ્ટના પ્રવેશ વખતના દ્રશ્યમાં અમિતાભે ઝડપથી વાત કરી હતી એટલે એનો મૂળ અવાજ રાખવામાં આવ્યો હતો અને ડબિંગ કરવામાં આવ્યું ન હતું. નિર્દેશક રાકેશકુમારે ‘યારાના’ ની સફળતા પછી અમિતાભ અને પદમિની કોલ્હાપુરે સાથે ‘ચાર્લી’ બનાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ ‘કુલી’ ના શુટિંગમાં અમિતાભને અકસ્માત થવાને કારણે એ યોજના સાકાર થઇ શકી ન હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular