Wednesday, May 21, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingપતંજલિ યોગ સૂત્ર: મનની વૃત્તિઓના નિયંત્રણ માટેના ઉપાય

પતંજલિ યોગ સૂત્ર: મનની વૃત્તિઓના નિયંત્રણ માટેના ઉપાય

મહર્ષિ પતંજલિ મનની પાંચ અવસ્થા-વૃત્તિઓ વર્ણવે છે, જેમાંથી કેટલીક ક્લેશ ઉત્પન્ન કરનારી વૃત્તિઓ છે, જયારે અમુક વૃત્તિઓ ક્લેશ ઉત્પન્ન કરતી નથી.
પાંચ વૃતિઓ:
પ્રમાણ: મન હંમેશા પ્રમાણ-સાબિતી ઈચ્છે છે.
વિપર્યય: મન, વાસ્તવિકતા થી ભિન્ન- મિથ્યા જ્ઞાનની દ્રષ્ટિથી બાહ્ય જગતને જુએ છે.
વિકલ્પ: જેનું અસ્તિત્વ જ સંભવ નથી તેવી ખોટી કલ્પનાઓમાં મન રાચે છે, ભયભીત પણ બને છે.
નિદ્રા અને સ્મૃતિ: 
જયારે તમે જાગૃત અવસ્થામાં છો ત્યારે તમે પ્રમાણ, વિપર્યય, વિકલ્પ કે સ્મૃતિ : આ ચારમાંથી એક વૃત્તિ સાથે એકરૂપ થયા છો? તો અહીં યોગ અને ધ્યાનનો અભાવ છે.
તમે પ્રમાણ ઈચ્છો છો? તમે તમારી સાથે જ વાદ વિવાદ કરો છો? વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ, ચોક્કસ પ્રકારે જ હોવા જોઈએ તેવા દુરાગ્રહ થી ચાલો છો? તો પ્રિય, તમે મનની વૃત્તિઓ સાથે એકાકાર થઇ ગયા છો. આનો શો ઉપાય?
હજારો વર્ષો પહેલાં મહર્ષિ પતંજલિએ કેટલા સૂક્ષ્મ સ્તર પર જઈને આ સૂત્રોની રચના કરી છે! નિંદ્રા, સ્મૃતિ, પ્રમાણની આટલી સુનિશ્ચિત વ્યાખ્યા કરવી એ કેટલું આશ્ચર્યજનક છે! બહારનાં જગત તરફ પ્રવાહિત થતી ચેતનાને પોતાના સ્ત્રોત તરફ, અંતર્જગત તરફ વાળવી તે યોગ છે, તે સત્યનું વર્ણન કરવું કેટલું કઠિન છે, જેને મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજાવ્યું છે.
મહર્ષિ આગળનાં સૂત્રમાં મનની વૃત્તિઓના નિયંત્રણ માટેના ઉપાય કહે છે:
अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ॥१.१२॥
અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તની વૃત્તિઓનું નિયંત્રણ થાય છે. 
બહારનાં જગત- (વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ ) તરફ પ્રવાહિત થતી ચેતનાને ભીતરનાં જગત પ્રતિ વાળવી અને દ્રષ્ટા-ભાવમાં સ્થિર થવું તે યોગ છે અને યોગની સ્થિતિમાં, દ્રષ્ટાભાવમાં સ્થિર થવા માટે બે ઉપાય છે : અભ્યાસ અથવા વૈરાગ્ય. અભ્યાસ અને વૈરાગ્યને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય?

तत्र स्थितौ यत्नोऽभ्यास: ॥१.१३॥

યોગની સ્થિતિમાં રહેવા માટેનો પ્રયત્ન, તે અભ્યાસ છે.

વર્તમાન ક્ષણમાં, યોગની અવસ્થામાં રહેવા તમે જે કઈં પ્રયત્ન કરો છો તે અભ્યાસ છે. સ્વયંને મનની પાંચ વૃત્તિઓમાં જતાં રોકીને, પુન: પુન: વર્તમાન ક્ષણમાં સ્થિર થવા માટે પ્રયત્નોની જરૂર રહે છે. નિરંતર – આ ક્ષણ- વર્તમાનમાં ઘટિત થઇ રહી ક્ષણમાં રહેવું અને ભૂતકાળની સ્મૃતિઓથી મુક્ત થવું – આ માટે સ્વપ્રયત્ન કરવો પડે છે અને આ પ્રયત્ન એ જ અભ્યાસ છે.

આ માટે કઈ રીતે પ્રારંભ કરી શકાય? તમે દ્રઢ નિશ્ચય કરો કે કોઈ પણ તર્ક નો આશ્રય તમે નહિ લો. આ અભ્યાસથી તમે મનની પ્રથમ વૃત્તિ- પ્રમાણ થી મુક્ત થઇ જશો. તમને કોઈ પણ પ્રકારની સાબિતી જોઈતી નથી, એવો નિર્ધાર કરો. જો મન ક્યારેય પ્રમાણ માંગે છે, તો તેની નોંધ લો. માત્ર નોંધ લો. અવલોકન કરો અને વિશ્રામ કરો. તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન પણ જોઈતું નથી- સાચું જ્ઞાન, ખોટું જ્ઞાન બંનેમાંથી કઈં પણ તમને જોઈતું નથી. મહદઅંશે, મન જયારે ખોટાં જ્ઞાનમાં ફસાય છે ત્યારે તેને જ તે વધુ દ્રઢતાપૂર્વક સાચું માનવા લાગે છે. તો, મનને કોઈ પણ જ્ઞાનમાં પણ રસ નથી. દ્રશ્ય, ગંધ, સ્પર્શ, અનુભવ, ભાવનાઓ કે સમજ- મન એક પણ ક્રિયામાં પ્રવૃત્ત થતું નથી. બહારનું જગત જેમ છે તેમ જ રહેવા દો.

બહારના જગતની વધુ પડતી સંભાળ ન લો. ન તો કોઈનો ન્યાય કરો. સાચાં-ખોટાનો નિર્ણય ન કરો. સ્વયંને વિપર્યય અને વિકલ્પથી મુક્ત રાખો. મન કોઈ કલ્પનામાં કે તરંગમાં રાચી રહ્યું છે કે શું તે જુઓ. માત્ર નોંધ લેશો કે મન કલ્પના કરી રહ્યું છે, અને તરત જ તે વૃત્તિ નિર્મૂળ થવા લાગશે. જેમ સ્વપ્ન હતું તેમ તમે જે ક્ષણે જાણો છો તે ક્ષણે તમે સ્વપ્નાવસ્થામાંથી બહાર આવી જાઓ છો, તે જ રીતે, મન કલ્પના કરી રહ્યું છે, વિકલ્પ વૃત્તિમાં છે, તે પ્રતિ તમે સજગ થશો કે તરત જ મન તે વૃત્તિ છોડી દેશે. અને મુક્ત થઇ જશે. વર્તમાન ક્ષણ નૂતન, નવીન અને સંપૂર્ણ છે. તમે શુદ્ધ, મુક્ત અને સંપૂર્ણ છો અને વર્તમાનમાં છો તે જાણવું એ અભ્યાસ છે. અહીં તમારું મન કદાચ ભૂતકાળમાં જવા ઇચ્છશે. કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ વગર, તમે જયારે મનની પાંચ વૃત્તિઓમાં થતાં આવાગમન પ્રત્યે સજગ બનતા જાઓ છો તેમ તમે કેન્દ્રિત થાઓ છો, દ્રષ્ટા ભાવમાં સ્થિર થાઓ છો.

પુન: પુન: વર્તમાન ક્ષણમાં સ્થિર થવું તે અભ્યાસ છે. યોગની સ્થિતિમાં રહેવા માટેનો એક ઉપાય અભ્યાસ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular