Thursday, May 15, 2025
Google search engine
HomeEditor's DeskPoli Scopeચીન કેમ તાઇવાન પર આક્રમણ નહીં કરે?

ચીન કેમ તાઇવાન પર આક્રમણ નહીં કરે?

– તો, આ તાઇવાન નામનો ટચૂકડો દેશ (આમ તો એક નાનકડો ટાપુ) ફરીથી ન્યૂઝમાં છે. આ લખાઇ રહ્યું છે ત્યારે જાપાનની સંસદનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તાઇવાનની મુલાકાતે છે અને એ તાઇવાનના પ્રમુખ ત્સાઇ ઇંગ-વેનને પણ મળી શકે છે એવા સમાચારથી ચીન ભડક્યું છે. આ પહેલાં અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસી પણ તાઇવાન આવ્યા ત્યારે પણ ભડકેલા ચીને પોતાના લડાકુ વિમાનોને તાઇવાનની સીમાએ ગોઠવીને આખા વિશ્વના શ્વાસ અધ્ધર કરી દીધેલા. એ વાત જૂદી છે કે, આટલા ટેન્શન વચ્ચેય નેન્સી પેલોસી નામની એ અમેરિકન મહિલા ત્સાઇ ઇંગ-વેન નામની તાઇવાન મહિલાને બિન્દાસ્ત મળીને ગઇ અને ચીનની ધમકીને ‘ચાઇનીઝ ધમકી’ પૂરવાર કરતી ગઇ.

(નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાતે. તસવીરઃ તાઇવાન પ્રમુખની વેબસાઇટ પરથી)

છેવટે આ તાઇવાન અને ચીન વચ્ચેનું ઘર્ષણ વિશ્વના દેશોને કેમ વારંવાર ગભરાવે છે? જે રીતે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ જ રીતે જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો શું થશે એનો ભય અમેરિકા સહિત વિશ્વના દેશોને કેમ સતાવે છે? ધારણાથી વિપરિત ત્રીજા વર્લ્ડવોરમાં ફેરવાતા ફેરવાતા રહી ગયેલા રશિયા-યુક્રેન યુધ્ધ પછી જો ડ્રેગન તાઇવાન પર ત્રાટકે તો શું થાય? અમેરિકા તાઇવાનના બચાવમાં સેનાને જંગમાં ઉતારે તો અંકલ સેમ અને ડ્રેગનનો જંગ બીજા દેશોને ય તબાહ કર્યા વિના છોડે?

ના.

તાઇવાન પર પોતાની હકૂમતને લઇને ચીન અવારનવાર ખાંડા ખખડાવતું હોવા છતાંય, આક્રમણની ધમકીઓ આપતું હોવા છતાંય, અમેરિકા સહિત મોટાભાગના દેશો અને સંરક્ષણ નિષ્ણાતો એ વાતે આશ્વસ્ત છે કે ચાઇનીઝ જિનપીંગ એ રશિયન પુતિનની જેમ ખુલ્લેઆમ યુધ્ધ છેડશે નહીં.

થોડીક નવાઇ લાગે એવી વાત છે, પણ તાઇવાનનું રાજકીય સ્ટેટસ, અમેરિકાની તાઇવાન પોલિસી અને તાઇવાન-યુક્રેનની સરખામણી કરીએ તો આ વાત, એટલિસ્ટ હાલના તબક્કે, સાચી લાગે છે.

એકઃ ન જાણતા હો તો જાણી લો કે, 36193 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો અને 168 નાના-મોટા ટાપુઓનો બનેલો તાઇવાન ખુદ એક મોટો ટાપુ છે. એનું બંધારણ, એની સરકાર અલગ છે, કરન્સી અલગ છે, ને તોય તાઇવાન આજે પણ ‘રિપબ્લિક ઓફ ચાઇના’ છે. 1940માં ચીનમાં સર્જાયેલા ગૃહયુધ્ધ પછી ચીન-તાઇવાનના ભાગલા પડ્યા, પણ ચીન એટલે કે ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના’ આજે પણ તાઇવાનને ચીનનો ભાગ જ ગણે છે. ચીન તો ઠીક, અમેરિકા સહિત વિશ્વના મોટાભાગના દેશોને તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો નથી. પેરુગ્વે, હૈતી, સેંટ લુસિયા, નિકારાગુવા જેવા ગણ્યાગાંઠ્યા (અને વિશ્વના નકશામાં અજાણ્યા) દેશો સિવાય કોઇ દેશ તાઇવાનને સ્વતંત્ર દેશ ગણતો નથી. હાઇટ ઓફ ઇટ, યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઇ ત્યારે ‘રિપબ્લિક ઓફ ચાઇના’ એનું સ્થાપક સભ્ય હતું, પણ આજે એ યુનાઇટેડ નેશન્સ કે એના વિશ્વવ્યાપી સંગઠનોનું પ્રાથમિક સભ્ય પણ નથી! બધા દેશો એની સાથે વેપારી અને સાંસ્કૃતિક  સંબંધો રાખે છે, પણ રાજદ્વારી નહીં! અર્થાત, વિશ્વના દેશો માટે તાઇવાન એક દેશ છે, છે અને નથી!

હા, એશિયા-પેસેફિક ક્ષેત્રમાં તાઇવાનની આર્થિક અવગણના કરવાનું શક્ય નથી. 1960માં આ ટચૂકડા દેશની જીડીપી પર કેપિટા 1353 ડોલર હતી એ આજે 37000 ડોલર કરતાં વધારે છે અને માનવ વિકાસ આંકમાં આ દેશ વિકસિત દેશોની લગોલગ આવી પહોંચ્યો છે. હાઇટેક મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે આ દેશે અધધધ પ્રગતિ કરી છે.

બેઃ અમેરિકાને આપણે જાણીએ છીએ કે જગતનો આ જમાદાર પોતાના સ્વાર્થ વિના ક્યાંય ડંડો પછાડે એવો નથી. એ વિયેતનામ હોય કે ઇરાક હોય કે અફઘાનિસ્તાન, કોઇપણ કારણ શોધીને યુધ્ધ કરવું જ એવો યુધ્ધખોર સ્વભાવ એ ધરાવે છે, પણ યુક્રેનને છેક સુધી ટટળાવ્યા પછી ય અમેરિકાએ પોતાની સેના ન મોકલી એ ન જ મોકલી. યુક્રેનના અનુભવ પછી અમેરિકા પર આધાર રાખીને બેઠેલા દેશો પણ વિચારતા થઇ ગયા છે કે જરૂર હોય ત્યારે અંકલ સેમ મદદ કરશે જ એવી કોઇ ખાતરી નથી, સિવાય કે એનો પોતાનો કોઇ સ્વાર્થ હોય.

આ અમેરિકાની તાઇવાન માટેની વિદેશનીતિ બહુ વિચિત્ર છે. એક તરફ એ ‘વન ચાઇના પ્રિન્સિપલ’ ને સ્વીકારે છે. અર્થાત, તાઇવાન સહિતનું ચાઇના એક છે એવા ચીનના દાવાને અમેરિકા (અને યુનાઇટેડ નેશન્સ) સ્વીકારે છે. તો બીજી તરફ અમેરિકન પ્રમુખ જો બીડેન મે મહિનામાં જાપાનના પ્રવાસે જઇને પત્રકારો સમક્ષ શબ્દો ચોર્યા વિના એમ પણ કહે છે કે, જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો અમેરિકા તાઇવાનને મદદ કરશે! ‘ચાઇના ઇઝ ફ્લર્ટિંગ વીથ ડેન્જર’ એવું ધમકીભર્યા શબ્દોમાં કહ્યા પછી અમેરિકન પ્રમુખે એમ પણ કહ્યું કે, તાઇવાનને મદદ કરવાનું અમેરિકા વચન આપતું નથી, પણ એ મદદ નહીં કરે એવું પણ નથી! હવે, આમાં તાઇવાને શું સમજવાનું?

ત્રણઃ ચીનના આટલાં ત્રાગાં અને ધમપછાડા છતાં એ રશિયાની માફક તાઇવાન પર સીધું આક્રમણ નહીં કરે એવું માનવાને કારણો છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત જ્હોન વેગનર લખે છે કે, તાઇવાન એ યુક્રેન નથી. એમના મતે, યુક્રેન પર આક્રમણ કરવાથી આંતરરાષ્ટ્રીય સમુદાય રશિયાની સામે પડે એ નુકસાન સામે યુક્રેન પર કબજો મેળવવાથી રશિયાને થનારો લાભ અનેકગણો વધારે છે. યુક્રેનની વસતિ અને અર્થતંત્ર રશિયન તાકાતના 28 અને 13 ટકા છે. યુક્રેનના રશિયામાં ભળવાથી રશિયાની વૈશ્વિક તાકાત અનેકગણી વધે.

હવે એની સામે તાઇવાન પર ચીન આક્રમણ કરીને સંપૂર્ણ કબજો મેળવે તો પણ ચીનને એનાથી ખાસ આર્થિક ફાયદો થાય એમ નથી કેમ કે, તાઇવાનની જીડીપી ચીનના અર્થતંત્રની સાઇઝના માંડ પાંચ ટકા જેટલી છે અને વસતિ માત્ર બે ટકા! ભૂ-ભૌગોલિક દ્રષ્ટિએ પણ તાઇવાન હાથમાં આવવાથી ચીનને બહુ કાંઇ મેળવવાનું નથી. હા, જો ચીન આક્રમણ કરે તો એને લાભ કરતાં નુકસાન વધારે છે. એક તો, વિશ્વભરમાં જે સેમી-કન્ડક્ટર્સ બને છે એનું 60 ટકા ઉત્પાદન તાઇવાની કંપનીઓ કરે છે. એમાંય, તાઇવાનથી ચીનમાં મોટાપાયે એક્સપોર્ટ થાય છે, જે ચીનની અનેક પ્રોડક્ટસમાં વપરાય છે. આ ઉત્પાદન અટકે કે ધીમું પડે એ ચીનને અને સરવાળે વિશ્વને પોસાય નહીં. રશિયા-યુક્રેન જંગમાં મામલો મોટાભાગે ક્રૂડ ઓઇલ પૂરતો હતો, કેમ કે રશિયા વૈશ્વિક પ્રતિબંધો સામે આત્મનિર્ભર અર્થતંત્ર બનવા તરફ જઇ રહ્યું છે. જ્યારે અહીં ચીન-તાઇવાન વોરમાં મામલો વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ કરવા સુધી પહોંચે છે અને ચીનનું અર્થતંત્ર વિશ્વના દેશોમાં થતી નિકાસ પર અવલંબિત છે. યુક્રેનના મામલે એ નાટો સાથે જોડાઇને જિયો-પોલિટિકલ સમીકરણો ફેરવી શકે એવી શક્યતા હતી, પણ તાઇવાનમાં એ શક્યતા જ નથી.

પ્રો. જ્હોન વેગનર એક રસપ્રદ વાત નોંધે છે. અમેરિકાને તો પારકી પંચાતમાં ઝંપલાવીને યુધ્ધ કરવાનો વર્ષોનો અનુભવ છે, પણ ચીન લશ્કરી દ્રષ્ટિએ શક્તિશાળી હોવા છતાં યુધ્ધનો એનો ઝાઝો અનુભવ નથી. ચીનની તો નીતિ જ પહેલેથી પેટમાં ગરીને (એટલે કે ઘૂસીને) પહોળા થવાની રહી છે, સામી છાતીએ યુધ્ધ કરવાનું એમના સ્વભાવમાં નથી.

સરવાળે, તાઇવાન પર આક્રમણ કરીને કબજો મેળવવા કરતાં અત્યારે જ સ્થિતિ છે એ જળવાઇ રહે એ ચીન માટે વધારે ફાયદાકારક છે એટલે કોઇ તાઇવાનમાં અટકચાળો કરે તો ડ્રેગન ખાલી લાલ આંખ કરશે, પણ આક્રમણ કરવા સુધી નહીં જાય. અમેરિકા પણ લગભગ એવું જ ઇચ્છે છે કે મામલો યથાતથ જળવાઇ રહે.

છેલ્લે, ભારતને લાગેવળગે છે ત્યાં સુધી તાઇવાન સાથે ભારતના રાજદ્વારી સંબંધો નથી, પણ આપણે વેપારી અને સાંસ્કૃતિક સંબંધો ધરાવીએ છીએ. બાકીનું તો ડ્રેગન જાણે ને જગત જમાદાર જાણે!

(તસવીર સૌજન્યઃ તાઇવાન સરકારની વેબસાઇટ, commons.wikimedia.org અને pexels.com)

(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે. વિચારો એમના અંગત છે.)

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular