Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalબ્રાઝિલમાં મંકીપોક્સની આશંકાને પગલે વાંદરાઓને ઝેર અપાયું

બ્રાઝિલમાં મંકીપોક્સની આશંકાને પગલે વાંદરાઓને ઝેર અપાયું

સાઓ પાઉલોઃ મંકીપોક્સનો વાઇરસ ચિંતાનો વિષય બન્યો છે. ભારત સહિત અનેક દેશોમાં વાઇરસની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે બ્રાઝિલમાં મંકીપોક્સની આશંકાની વચ્ચે વાંદરાઓની હત્યાને મામલે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દુઃખ વ્યક્ત કર્યું છે. સાઓ પાઉલો રાજ્યના સાઓ જોસ ડો રિયો પ્રેટો શહેરમાં એક સપ્તાહથી પણ ઓછા સમયમાં 10 વાંદરાને ઝેર આપવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટના અન્ય શહેરોમાં પણ બની હતી, એમ બ્રાઝિલની ન્યૂઝ વેબસાઇટ G1એ જણાવ્યું હતું.

લોકોએ સમજવું પડશે કે આપણે જે ઇન્ફેક્શન ફેલાતું જોઈ રહ્યા છે એ માણસોની વચ્ચે છે, એમ જિનિવામાં એક સંવાદદાતા સંમેલનમાં WHOના પ્રવક્તા માર્ગારેટ હેરિસે જણાવ્યું હતું.WHOના અનુસાર બ્રાઝિલમાં મંકીપોક્સના 1700થી વધુ કેસ નોંધાયા છે. દેશના આરોગ્ય મંત્રાલયે 29 જુલાઈએ એ બીમારીથી એક મોતની પુષ્ટિ પણ કરી હતી. મંકીપોક્સ થયેલી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી અને તેને એકથી વધુ બીમારીઓ હતી. પ્રાણીઓમાંથી માનવીઓમાં સંક્રમણ ફેલાય છે, પણ હાલ માત્ર માનવીઓના સંપર્કોથી સંક્રમણ ફેલાય છે. લોકોએ એ માટે પ્રાણીઓ પર હુમલો કરવાની જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.

બ્રાઝિલમાં પીળા તાવના પ્રકોપ દરમ્યાન પણ વાંદરાઓ પર હુમલા થયા હતા. મે મહિના પછી આશરે 90 દેશોમાં મંકીપોક્સના 29,000થી વધુ કેસો નોંધાયા છે. WHOના જણાવ્યાનુસાર મંકીપોક્સ એક દુર્લભ બીમારી છે અને એનું સંક્રમણ કેટલાક કેસોમાં ગંભીર થાય એવી શક્યતા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular