Friday, May 16, 2025
Google search engine
HomeFeaturesbollywood ki batenઇસ્માઇલ દરબાર સંગીતમાં હીરો બન્યા  

ઇસ્માઇલ દરબાર સંગીતમાં હીરો બન્યા  

‘હમ દિલ દે ચુકે સનમ’ (૧૯૯૯) માં સંગીત આપીને શરૂઆત કરનાર ઇસ્માઇલ દરબારને સંગીતકાર નહીં પણ ફિલ્મી હીરો બનવું હતું. એમના પિતાએ હીરો બનાવવાની લાલચ આપીન સંગીતમાં પારંગત કર્યા હતા. ઇસ્માઇલના પિતા ફિલ્મોમાં સેક્સોફોન વગાડતા હતા. ઇસ્માઇલ નાનો હતો ત્યારે ભણવામાં ધ્યાન આપવાને બદલે રમત-ગમતમાં જ ડૂબેલો રહેતો હતો. તેનામાં ભણવાના લક્ષણના દેખાતાં સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે માતાએ તેને મુંબઇ લઇ જવા કહ્યું હતું. પિતા તેને સુરતથી પોતાની પાસે મુંબઇ લઇ આવ્યા અને સંગીતકાર પ્યારેલાલના પિતા રામપ્રસાદ શર્માને ત્યાં વાયોલિન શીખવા મૂક્યો. ત્યારે ઇસ્માઇલે હીરો બનવાની ઇચ્છા અને જીદ પકડી હતી.

પિતાએ કિશોર ઇસ્માઇલને સમજાવ્યું હતું કે સંગીત શીખીને જ હીરો બનવાના રસ્તા પર જઇ શકાય છે. ઇસ્માઇલ જ્યારે વાયોલિન શીખવા જવા લાગ્યો ત્યારે ત્યાં મનોજકુમારના પુત્ર, રીના રૉયની બહેન બરખા વગેરેને પણ તાલીમ લેવા આવતા જોઇ માન્યું કે પિતાની વાત સાચી છે! હીરો બનવા માટે ઇસ્માઇલ દર વર્ષે સવાલ કરતો રહ્યો અને પિતાએ એને સંગીતની તાલીમ ચાલુ રાખવાનું કહ્યું. મુંબઇમાં સુખ- સુવિધાઓ વગર રહેવાનું મુશ્કેલ બનતું હોવાથી ઇસ્માઇલ ઘણી વખત સુરત ભાગી આવતો હતો. પરંતુ એને સમજાવી- પટાવીને પાછો મુંબઇ મોકલાતો હતો.

આ રીતે બાર વર્ષ સુધી તે સંગીત શીખતો રહ્યો. યુવાન થયો અને સંગીતકાર તરીકે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ મળી અને હીરોને બદલે સંગીતકાર બન્યો એટલે પિતાને પૂછ્યું કે આવું કેમ થયું? ત્યારે પિતાએ કહ્યું કે તું સંગીતમાં હીરો બન્યો છે! એક રસપ્રદ વાત એ છે કે સંજયની આ ફિલ્મ ઇસ્માઇલને ગાયક કુણાલ ગાંજાવાલાની ભલામણથી મળી હતી. પરંતુ એમાં કુણાલને એકપણ ગીત ગવાની તક મળી ન હતી. ઇસ્માઇલે ઘણા વર્ષો સુધી લક્ષ્મીકાંત- પ્યારેલાલ, કલ્યાણજી- આણંદજી, આનંદ – મિલિન્દ વગેરેને ત્યાં વાયોલિન વગાડવાનું કામ કર્યું હતું. ઘણા સંઘર્ષ પછી સંજયની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ મળી હતી.

આ ફિલ્મનું ટાઇટલ ગીત સાંભળીને સંજય પ્રભાવિત થઇ ગયા હતા. આ ગીતની ધૂન ઇસ્માઇલને હાર્મોનિયમ વગાડતી વખતે મળી હતી. ઇસ્માઇલ વર્ષોથી વાયોલિન જ વગાડતા હતા. અને સંગીતકાર બનવા માટે હાર્મોનિયમ વગાડતાં આવડવું એક જરૂરિયાત ગણાતું હતું. સંગીતકાર હાર્મોનિયમ પર ધૂન બનાવે એવી એક પરંપરા ચાલી આવતી હતી. એટલે એક મિત્રએ ઇસ્માઇલને મજાકમાં કહ્યું હતું કે હાર્મોનિયમ વગાડતા આવડતું નથી તો સંગીતકાર કેવી રીતે બની શકીશ? ત્યારે ઇસ્માઇલે હાર્મોનિયમ વગર સંગીતકાર બનીને બતાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઇસ્માઇલે ઘણા ગીતો હાર્મોનિયમ વગર જ બનાવ્યા. પણ જ્યારે એક દિવસ ઘરમાં પડેલું હાર્મોનિયમ વગાડવાની ઇચ્છા વ્યક્ત થઇ અને હાથ સાફ કરવા વગાડ્યું ત્યારે ‘હમ દિલ દે ચુકે સનમ’ ના ટાઇટલ ગીતની ધૂન મળી આવી હતી. એ ગીતની ધૂન સંજયને બહુ પસંદ આવી હતી. એ જ રીતે ‘તડપ તડપ કે’ ગીત પણ ગાયક કે.કે. પાસે ગવડાવ્યા પછી સંજયને સંભળાવ્યું ત્યારે તે આફરિન પોકારી ગયા હતા. ઇસ્માઇલને ફિલ્મફેરનો ‘આર.ડી. બર્મન એવોર્ડ’ જ્યારે ઉદીત નારાયણને ‘ચાંદ છુપા બાદલ મેં’ માટે શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular