Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalકેન્દ્રની 'અગ્નિપથ' યોજના સામે વ્યાપક વિરોધ

કેન્દ્રની ‘અગ્નિપથ’ યોજના સામે વ્યાપક વિરોધ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી અંગે અગ્નિપથ યોજનાની જાહેરાત કર્યા બાદ તરત જ નોકરીવાંચ્છુઓ દ્વારા રસ્તાઓ પર ઉતરીને એની સામે વિરોધ કરવામાં આવ્યો છે. આજે દેશમાં અનેક ઠેકાણે આ યોજના સામે વિરોધ-દેખાવો થયા છે. આ યોજના ચાર વર્ષ જેટલા ટૂંકા સમયગાળા માટે કોન્ટ્રાક્ટ-ધોરણે સશસ્ત્ર દળોમાં સૈનિકોને ભરતી કરવા અંગેની છે.

બિહારમાં ટ્રેનો અટકાવાઈ

બિહારમાં આજે સતત બીજા દિવસે આ યોજના સામે વિરોધ થયો છે. દેખાવકારોએ જેહાનાબાદ, બુક્સર અને નવાડા જિલ્લાઓમાં પાટાઓ પર બેસી જઈને રેલવે સેવા ખોરવી છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક અટકાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં, વિદ્યાર્થીઓએ બુલંદશહરમાં રોડ પર ટ્રાફિટ અટકાવ્યો હતો અને સ્કીમની વિરુદ્ધમાં નારા લગાવી તેને પાછી ખેંચી લેવાની માગણી કરી હતી. ગોંડા અને ઉન્નાઓ જિલ્લામાં પણ બેરોજગાર લોકોએ આવા જ દેખાવો કર્યા હતા. હરિયાણામાં, ગુરુગ્રામ અને રેવાડીમાં પણ સેંકડો યુવકોએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા છે. ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ આવા દેખાવો થયા છે.

વરુણ ગાંધીનો રાજનાથસિંહને પત્ર

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય (પીલીભીત, ઉત્તર પ્રદેશ) વરુણ ગાંધીએ અગ્નિપથ યોજના અંગે સવાલો તથા શંકા ઉઠાવતો એક પત્ર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને લખ્યો છે. એમણે કહ્યું છે કે આ યોજના દેશના યુવાનોમાં વધારે અસંતોષ ફેલાવશે. સરકારે આ યોજના અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. આ યોજનામાં જણાવાયું છે કે કોન્ટ્રાક્ટ પર ભરતી કરાનાર યુવાનોમાંના 75 ટકાને ચાર વર્ષની સેવા બાદ નિવૃત્ત કરી દેવામાં આવશે અને એમને પેન્શન પણ આપવામાં નહીં આવે. આ 75 ટકા યુવાનો ચાર વર્ષ બાદ બેરોજગાર થઈ જશે અને દર વર્ષે તે આંકડો વધતો રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular