Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsSportsએલિસા હિલીનાં વિક્રમસર્જક-170: ઓસ્ટ્રેલિયાએ સાતમી-વાર મહિલા ODI-વર્લ્ડકપ જીતી

એલિસા હિલીનાં વિક્રમસર્જક-170: ઓસ્ટ્રેલિયાએ સાતમી-વાર મહિલા ODI-વર્લ્ડકપ જીતી

ક્રાઈસ્ટચર્ચઃ ઓસ્ટ્રેલિયાની મહિલાઓએ આજે અહીં ઈંગ્લેન્ડની મહિલાઓને ફાઈનલ મેચમાં 71-રનથી હરાવીને મહિલાઓની ODI ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા સાતમી વાર જીતી લીધી છે. છ વખત આ ટ્રોફી જીતવાનો વિક્રમ ઓસ્ટ્રેલિયાના નામે જ હતો, જે હવે લંબાઈને સાતમી વાર થયો છે. 2017ની સ્પર્ધા ઈંગ્લેન્ડે જીતી હતી. આમ, ઓસ્ટ્રેલિયાએ એ પરાજયનું સાટું વાળી લીધું છે. મેગ લેનિંગનાં નેતૃત્ત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ પોતાના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટે 356 રન કર્યા હતા. હીથર નાઈટનાં નેતૃત્ત્વ હેઠળની ઈંગ્લેન્ડની ટીમ તેના જવાબમાં 43.4 ઓવર સુધી રમી શકી હતી અને 285 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હિલીની 32-વર્ષીય ભત્રીજી અને વિકેટકીપર-કમ-ઓપનર એલિસા હિલીએ 170 રન ફટકાર્યા હતા. તેણે 138 બોલનો સામનો કર્યો હતો જેમાં એણે 26 ચોગ્ગા ફટકાર્યાં હતાં. તેણે અને રાશેલ હેન્સે પહેલી વિકેટ માટે 160 રન કર્યા હતા. હેન્સનાં આઉટ થયાં બાદ બેથ મૂની (62) એલીસા સાથે જોડાઈ હતી અને બંનેએ 156 રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડનાં દાવમાં એકમાત્ર નતાલી શીવરે ઓસી બોલરોનો સામનો કર્યો હતો અને તે 148 રન કરીને નોટઆઉટ રહી હતી. (121 બોલ, 15 ચોગ્ગા, એક છગ્ગો). કેપ્ટન હીથર નાઈટ 26 રન કરી શકી હતી. ઓસ્ટ્રેલિયાની એલેના કિંગ અને જેસ જોનાસને 3-3 વિકેટ લીધી હતી. મેગન શટે બે વિકેટ લીધી હતી જ્યારે તાહિલા મેકગ્રા અને એશ્લી ગાર્ડનરે એક-એક બેટરને આઉટ કરી હતી.

પુરુષો અને મહિલાઓની ક્રિકેટમાં વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં એલિસા હિલીનો 170 રનનો સ્કોર સર્વોચ્ચ બન્યો છે. તેની પછીનાં ક્રમે આવે છેઃ એડમ ગિલક્રિસ્ટ – ઓસ્ટ્રેલિયા (149, 2007), રિકી પોન્ટિંગ – ઓસ્ટ્રેલિયા (140, 2003) અને વિવિયન રિચર્ડ્સ – વેસ્ટ ઈન્ડિઝ (139, 1979).

મહિલાઓની ક્રિકેટમાં વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો 356 રનનો સ્કોર સર્વોચ્ચ ટીમ સ્કોર બન્યો છે. સમગ્ર ક્રિકેટ રમતમાં આ બીજા ક્રમનો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાના પુરુષોની ટીમે 2003ની વર્લ્ડ કપમાં ભારત સામેની ફાઈનલમાં બે વિકેટ 359 રન કર્યા હતા.

એલિસાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં 56.55ની સરેરાશ સાથે 509 રન કરવા બદલ અને વિકેટકીપર તરીકે આઠ શિકાર ઝડપવા બદલ તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ પણ ઘોષિત કરવામાં આવી છે. એલિસા ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular