Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalએનએસઈ કૌભાંડઃ આનંદ સુબ્રમણ્યનની જામીન અરજી ફગાવાઈ

એનએસઈ કૌભાંડઃ આનંદ સુબ્રમણ્યનની જામીન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના કો-લોકેશન કૌભાંડના કેસમાં પકડાયેલા એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યનને જામીન આપવાનો દિલ્હીની અદાલતે ઈનકાર કરી દીધો છે.

હાલ અદાલતી કસ્ટડી ભોગવી રહેલા સુબ્રમણ્યનની અરજીની સુનાવણી કર્યા બાદ વિશેષ ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે ઉક્ત નિર્ણય લીધો હતો.

સીબીઆઇએ 24મી ફેબ્રુઆરીએ આનંદની ધરપકડ કર્યા બાદ પહેલાં પોતાની કસ્ટડીમાં પૂછપરછ કરી હતી. પછીથી એમને નવમી માર્ચ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ન્યાયમૂર્તિએ આદેશમાં સેબીની આકરી ટીકા કરતાં કહ્યું છે કે સેબીએ બજારના નિયમનકાર હોવા છતાં કો-લોકેશન કૌભાંડમાં સંડોવાયેલા આનંદ સુબ્રમણ્યન તથા અન્યોની સામે ફોજદારી કાર્યવાહી કરવા સંબંધે કોઈ ધ્યાન આપ્યું ન હતું. નોંધનીય છે કે ન્યાયમૂર્તિએ અગાઉ ઢીલી તપાસ કરવા બદલ સીબીઆઇનો પણ ઉધડો લીધો હતો.

સીબીઆઇના વકીલે કહ્યું હતું કે જામીન મળશે તો આનંદ સુબ્રમણ્યન ક્યાંક ભાગી જવાનું જોખમ છે.

અદાલતે કહ્યું છે કે સુબ્રમણ્યન વિરુદ્ધ ગંભીર આરોપો હોવાથી એમને જામીન આપી શકાય એમ નથી. ચિત્રાએ જે હિમાલયન યોગીની વાત કરી છે એ ખરેખર કોણ છે તેના વિશે હાલ તપાસ ચાલી રહી છે ત્યારે જામીન આપી શકાય નહીં. વળી, તેઓ એનએસઈમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર હતા તેથી તેઓ પુરાવાઓ સાથે ચેડા કરી શકે છે અથવા સાક્ષીઓને દબાણ હેઠળ લાવી શકે છે.

અહીં જણાવવું રહ્યું કે સીબીઆઇએ એનએસઈના કો-લોકેશન કૌભાંડ સંબંધે ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રા રામકૃષ્ણની પણ ધરપકડ કરી છે. ચિત્રાને 28મી માર્ચ સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો હુકમ અદાલતે કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular