Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsતાડ જેવા લાંબા જેન્સને ભારતની 4-વિકેટ ખેરવી

તાડ જેવા લાંબા જેન્સને ભારતની 4-વિકેટ ખેરવી

જોહનિસબર્ગઃ ઈજાગ્રસ્ત વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓપનર કે.એલ. રાહુલની આગેવાની હેઠળ અહીંના વોન્ડરર્સ મેદાન પર બીજી ટેસ્ટ મેચ રમી રહેલી ભારતીય ટીમનો પહેલો દાવ ગઈ કાલે પહેલા જ દિવસે 202 રનમાં સમેટી લેવામાં દક્ષિણ આફ્રિકાના 21 વર્ષના ડાબોડી ફાસ્ટ બોલર માર્કો જેન્સને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેન્સનની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટ સિરીઝ છે. એણે સેન્ચુરિયનમાં ભારત સામેની પહેલી ટેસ્ટ મેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જેન્સન કદમાં ખૂબ લાંબો છે. એની હાઈટ 6 ફૂટ 8 ઈંચ છે. લાંબું કદ તેની બોલિંગની વેધકતામાં વધારો કરે છે.

ગઈ કાલે પહેલા દિવસની રમતમાં એણે ભારતના ચાર બેટ્સમેનને આઉટ કર્યા હતા – કેપ્ટન રાહુલ (50), અન્ય ઓપનર મયંક અગ્રવાલ (26), વિકેટકીપર રિષભ પંત (17) અને રવિચંદ્રન અશ્વિન (46). આ ચાર વિકેટ એણે 17 ઓવરમાં માત્ર 31 રનના ખર્ચે લીધી હતી એ પણ અન્ય મહત્ત્વની બાબત કહેવાય. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ટ્જે ઈજાગ્રસ્ત થતાં જેન્સનને ઈલેવનમાં રમવાનો મોકો મળી ગયો અને તેણે એ તક બરાબર ઝડપી લીધી છે. સેન્ચુરિયનમાંની પહેલી ટેસ્ટ મેચમાં પણ એણે બંને દાવ મળીને પાંચ વિકેટ લીધી હતી. તેના આ દેખાવને કારણે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે 19 જાન્યુઆરીથી ભારત સામે શરૂ થનાર ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે 17-સભ્યોની ટીમમાં જેન્સનનો સમાવેશ કરી દીધો છે. વોન્ડરર્સમાંની બીજી ટેસ્ટ મેચમાં ગઈ કાલે રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ભારતે નોંધાવેલા 202 રનના સ્કોરના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ એઈડન મારક્રમ (7)ની વિકેટ ગુમાવીને 35 રન કર્યા હતા. મારક્રમને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ લેગબીફોર આઉટ કર્યો હતો. કેપ્ટન ડીન એલ્ગર 11 અને કીગાન પીટરસન 14 રન સાથે દાવમાં હતો. ભારતના પહેલા દાવમાં, ગૃહ ટીમના અન્ય બે ફાસ્ટ બોલર – કેગીસો રબાડા અને ડ્યૂઆન ઓલિવિયેરે 3-3 વિકેટ લીધી હતી. ત્રણ-ટેસ્ટની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ ભારતે 113 રનથી જીતી હતી. ત્રીજી અને આખરી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપ ટાઉનમાં રમાશે.

(તસવીર સૌજન્યઃ આઈસીસી, Cricket South Africa ટ્વિટર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular