Thursday, May 22, 2025
Google search engine
HomeFeaturesKahevatઘરનો રોટલો બહાર ખાવાનો છે...

ઘરનો રોટલો બહાર ખાવાનો છે…

 

 

ઘરનો રોટલો બહાર ખાવાનો છે…

 

 

આપણે અતિથિ દેવો ભવ:ની સંસ્કૃતિમાં જીવીએ છીએ. ભોજન સમયે આવેલ અતિથિની આગતાસાગતા કરી એને જમાડવો એ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ મુજબ આમ પણ જે રસોઈ બને છે તેના ચાર ભાગ પાડવા જોઈએ. પહેલો ભાગ બારણે આવેલ અતિથિ માટે, બીજો ભાગ અભ્યાગત માટે, ત્રીજો ગૌગ્રાસ એટલે કે ગાય કુતરા માટે અને ચોથો પોતાના માટે. આમ, ઘરમાં રંધાતી રસોઈમાં પણ અતિથિનો ભાગ છે.

અતિથિ એટલે પરોણો નસીબદારને આંગણે જ આવે છે. એની સારી આગતાસાગતા થાય તો તમારી પરોણાગતાની સુવાસ ફેલાતી રહે છે. પરિણામે કોઈક દિવસ તમારે કોઈક અજાણ ગામમાં જવાનું થાય તો તમને આગતાસાગતા કરનાર અને ભોજન કરાવનાર મળી રહે છે. જે જમાનામાં આજની હોટલ અને લોજની સંસ્કૃતિ નહોતી તે જમાનાની આ વાત છે. ઉદાર દિલ માણસ હોય અને જેનો આવકાર ઉજળો હોય એના માટે કહેવાતું કે “એનો રોટલો મોટો છે”.

મારી મા જીવી ત્યાં સુધી મારા ઘરે આ કહેવતનું અક્ષરસ: પાલન થતું મે જોયું છે. કેરોસીનનો પ્રાઇમસ, સગડી અને ચૂલે રસોઈ થતી તે જમાનામાં મોડી રાત્રે કે બપોરે ઢાંકોઢુબો થઈ ગયા પછી પણ કોઈ મહેમાન આવે તો મારી મા ના મોં પર ક્યારેય અણગમો નહોતો જોયો. આજે એના કારણે ઘણી જગ્યાએ મને ઉજળો આવકાર મળે છે. જાતે મહેનત કરીને, ઘસાઈને લાગણી અને પ્રેમ રેડીને આંગણે આવનાર અતિથિના આદર કારનાર મારી મા ના રોટલા હજુ આટલા વર્ષે પણ ક્યાંક ક્યાંક મારી થાળીમાં પીરસાય છે. ઘરનો રોટલો બહાર ખાવાનો આ આનંદ અનેરો છે. કાઠિયાવાડની મહેમાનગતિની મીઠાશ અને ગરિમા વ્યક્ત કરતો દુહો કાંઈક આમ કહે છે:

 

“અમારા કાઠીયાવાડ માં કોક’દી ભુલો પડ્ય ભગવાન,

ને થા મારો મે’માન, તો તને સ્વર્ગ ભુલાવું શામળા.”

બાય ધ વે હું કાઠિયાવાડનો ભાણેજ અને દોહિત્ર છું.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular