Friday, July 4, 2025
Google search engine
HomeNewsNationalચિદમ્બરમના સહયોગી રવિ પાર્થસારથિ 15-દિવસની કસ્ટડીમાં

ચિદમ્બરમના સહયોગી રવિ પાર્થસારથિ 15-દિવસની કસ્ટડીમાં

ચેન્નઈઃ બસો કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આઇએલએન્ડએફએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારથિને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ચેન્નઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ મુંબઈસ્થિત ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે દાખલ કરેલા ગુના સબબ નવમી જૂને પાર્થસારથિની મુંબઈથી ધરપકડ કરી હતી.

ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમના નિકટવર્તી ગણાતા પાર્થસારથિને તામિલનાડુ પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) ઍક્ટ (ટીએનપીઆઇડી) કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે એમને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.

ઈઓડબ્લ્યુએ જણાવ્યા મુજબ આઇએલઍન્ડએફએસના ૧ લાખ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર રવિ પાર્થસારથિની ધરપકડ ગયા વર્ષે ૨૦મી સપ્ટેમ્બરે નોંધાવાયેલી ગુના ક્ર. ૧૩ સંબંધે કરવામાં આવી છે. પાર્થસારથિને મુંબઈથી પકડીને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. અગાઉ, મદ્રાસ હાઇકોર્ટે પાર્થસારથિના આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી હતી.

૬૩ મૂન્સે ફરિયાદમાં કહ્યું હતું કે તેણે આઇએલઍન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ ઇન્ડિયા લિ. (આઇટીએનએલ)ના ડિબેન્ચર્સમાં ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કંપનીએ રોકાણકારોને લલચાવવા માટે ૧૧.૮ ટકાના વાર્ષિક વળતરનું ખોટું વચન આપ્યું હતું.

વર્ષ ૨૦૧૮માં આઇએલઍન્ડએફએસ અને તેને પગલે આઇટીએનએલે રોકાણકારોને ડિબેન્ચર્સ પરનું વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ કર્યો હતો.

નોંધનીય છે કે ગત જાન્યુઆરીમાં ઈઓડબ્લ્યુએ આઇટીએનએલના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર રામચંદ્ર કરુણાકરન અને ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન હરિ શંકરનની ધરપકડ કરી હતી.

૬૩ મૂન્સની ફરિયાદને પગલે કેસ નોંધનાર ચેન્નઈ ઈઓડબ્લ્યુએ જણાવ્યા મુજબ તેને હવે આઇટીએનએલના બીજા ડિપોઝિટર્સ પાસેથી પણ ફરિયાદો મળવા લાગી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular