Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsGujaratવાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન

વાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘તાઉ’તે’ ગઈ કાલે રાતે 8 વાગ્યાની આસપાસ ગુજરાતના કાંઠે ત્રાટક્યું હતું અને તેણે રાજ્યના અનેક ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડું ગઈ કાલે દીવના કાંઠેથી પ્રવેશી ભાવનગરમાં પહોંચ્યું હતું. મધરાતે વેરાવળ-સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ અનેક ઠેકાણે વરસાદ ચાલુ હતો. ગઈ કાલે રાતે પ્રતિ કલાક 180 કિ.મી.ની સ્પીડે ફૂંકાયેલા પવન સાથે લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે. ભારતીય હવામાન વિભાગે આજે સવારે કહ્યું કે વાવાઝોડાની આંખ ગઈ કાલે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર પર ત્રાટકી હતી, પરંતુ હવે આંખ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. વાવાઝોડું આજે બપોર પછી ગુજરાતમાંથી વિદાય લેશે. વાવાઝોડાને કારણે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના 14 જિલ્લાઓના સેંકડો ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ઠેરઠેર ઝાડ અને વીજળીના થાંભલાઓ ઉખડી ગયા છે. અનેક ઘરોના છાપરા ઊડી ગયા છે, તો અનેક ઘર જમીનદોસ્ત થયા છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાની પૂંછડી બાકી છે એટલે વરસાદ પડવાનું અને પવન ફૂંકાવાનું હજી ચાલુ રહેશે.

ભાવનગર જળબંબાકાર : પાલિતાણામાં સવાર સુધીમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો.  મહુવામાં ગઈ રાત દરમિયાન કુલ 5 ઈંચ વરસાદ પડ્યો છે. સમગ્ર શહેરમાં વીજપુરવઠો ગઈ રાતથી જ ખોરવાઈ ગયો છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 82 જેટલા વીજળીના થાંભલા, 44 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે. જિલ્લામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ થયો છે.

દીવમાં ગઈ કાલે સાંજે 6 વાગ્યે દરિયો ગાંડોતૂર બન્યો હતો અને ત્યારથી લઈને આજે વહેલી સવારે 4 વાગ્યા ભારે વરસાદ પડ્યો છે. અનેક વીજપોલ, હોર્ડિંગ્સ, મોબાઈલ ટાવર ધરાશાયી થયા છે. વણાકબોરા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.

વાવાઝોડાને કારણે જાફરાબાદ અને પીપાવાવમાં ઘણી ખરાબ અસર થઈ છે. સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ થઈ નથી.

અમદાવાદમાં વાવાઝોડાની અસરથી આજે પ્રતિ કલાક 60 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાવાની અને 3થી 6 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે.

હવામાનને લગતા નિષ્ણાતનું અનુમાન છે કે ગુજરાતના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારોમાં આજે ભારે વરસાદ થશે. વાવાઝોડું સુરેન્દ્રનગરથી પસાર થઈને રાજસ્થાનમાં સમાઈ જશે.

દરમિયાન, બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય નૌકાદળ, અને એનડીઆરએફ જવાનોની ટૂકડીઓ તેમાં વ્યસ્ત છે અને અત્યંત સતર્ક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular