Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsNationalકેદારનાથ મંદિરનાં દ્વાર ખૂલ્યાં: 11-ક્વિન્ટલ ફૂલોથી મંદિર શણગારાયું

કેદારનાથ મંદિરનાં દ્વાર ખૂલ્યાં: 11-ક્વિન્ટલ ફૂલોથી મંદિર શણગારાયું

રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના ઊંચા હિમાલયના ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ મંદિરનાં દ્વાર છ મહિના માટે સવારે પાંચ કલાકે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યાં છે. કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જોકે આ વખતે પણ કોરોના વાઇરસના પ્રકોપને કારણે શ્રદ્ધાળુઓ હાજર નહીં રહી શકે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે ટ્વીટર પર આ માહિતી આપતાં લખ્યું હતું કે વિશ્વ પ્રસિદ્ધ 11મા જ્યોર્તિલિંગ ભગવાન કેદારનાથ ધામનાં દ્વાર સોમવારે સવારે પાંચ કલાકે વિધિ અને પૂજા-અર્ચન અને અનુષ્ઠાન પછી ખોલવામાં આવ્યાં છે. મેષ લગ્નના શુભ સંયોગ પર મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. હું કેદારનાથને બધાને નીરોગી રાખવાની પ્રાર્થના કરું છું, એમ તેમણે કહ્યું હતું.  બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી અને રવિવારે કેદારનાથ પહોંચી હતી.

કોરોનાને ધ્યાનમાં રાખીને બાબા કેદારની ડોલીને રથ દ્વારા ગૌરીકુંડ સુધી લઈ જવામાં આવી હતી. દેવ સ્થાનમ બોર્ડના કેટલાક કર્મચારીઓ, વેદપાઠી અને પુજારી ડોલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોરોના સંકટના કારણે આ વખતે કેદરાનાથ ધામની યાત્રા સીમિત કરી દેવામાં આવી છે.

કેદારનાથ ધામ ખોલતાં પહેલાં બાબાના દરબારને ફૂલો વડે શણગારવામાં આવ્યો હતો. રોગચાળાના પ્રકોપના કારણે હાલ કોઈ પણ તીર્થયાત્રી કે સ્થાનિક ભક્તને કેદારનાથ જવાની મંજૂરી નથી આપવામાં આવી. મંદિરનાં દ્વાર ખૂલવા સમયે દેવસ્થાનમ બોર્ડની સીમિત ટીમે જ પૂજા-પાઠ કર્યા હતા. કેદારનાથમાં આ વખતે મે મહિનામાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે.

અગાઉ શનિવારે ઉત્તરાખંડમાં આવેલા ચારધામ પૈકીના ગંગોત્રીનાં દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણના કારણે માત્ર પૂજારીઓએ જ મા ગંગાની ડોલી કાઢી હતી. સતત બીજા વર્ષે શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વગર યાત્રા યોજવામાં આવી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular