Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujarat‘તાઉ’તે' વાવાઝોડું: સોમનાથ દરિયાકાંઠે 10-નંબરનું સિગ્નલ

‘તાઉ’તે’ વાવાઝોડું: સોમનાથ દરિયાકાંઠે 10-નંબરનું સિગ્નલ

વેરાવળઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગીર-સોમનાથ અને વેરાવળ બંદર પર તોફાની પવન ફૂંકાય એવી દહેશત સ્થાનિક લોકોમાં છે. બંદરની આજુબાજુ કાચાં ઝૂંપડાંમાં રહેતા લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે, પરંતુ એ પહેલાં તંત્ર દ્વારા દરેક લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

આ વાવાઝોડું વેરાવળની ઉત્તર તરફ દરિયાકિનારો ઓળંગે એવી શક્યતા છે, આથી બંદર પર બહુ જ તોફાની પવન ફૂંકાય એવી શક્યતા છે. ગીર-સોમનાથના દરિયાકિનારાનાં 24 ગામોના લગભગ 14,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાની સંભવતઃ ફરજ પડી શકે છે. જોકે સ્થળાંતર પહેલાં આ લોકોનું રેપિડ કિટ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે, આમાં જે લોકો કોરોનાગ્રસ્ત હશે તેને કોવિડ સેન્ટર અને અન્ય લોકોને સ્કૂલ અથવા સાઇક્લોન સેન્ટરમાં સ્થળાંતર કરવાની તંત્રએ કવાયત હાથ ધરી છે.

આ સાથે ગીર-સોમનાથ જિલ્‍લામાં દરિયાકિનારાના 10 કિલોમીટરની હદમાં આવતાં 99 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે, જેમાં વેરાવળ તાલુકાનાં 28 ગામો, સૂત્રાપાડા તાલુકાનાં 17 ગામો, કોડીનાર તાલુકાનાં 20 ગામો અને ઉના તાલુકાનાં 34 ગામોનો સમાવેશ થાય છે. વેરાવળ, માંગરોળ સહિત દીવનાં બંદરોની ફિશિંગ બોટને સુરક્ષિત બંદર પર લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્રણ દિવસથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો દ્વારા રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. 8500થી વધુ ફિશિંગ બોટોને બંદર પર લાવવામાં આવી છે. માછીમારોને બે દિવસ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular