Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsBusinessPUBG મોબાઈલ એપ કદાચ ભારતમાં પાછી ફરે

PUBG મોબાઈલ એપ કદાચ ભારતમાં પાછી ફરે

નવી દિલ્હીઃ ચીન સામેના વિરોધમાં ભારતે ચીની કંપની ટેન્સેન્ટના મૂડીરોકાણવાળી જાણીતી મોબાઈલ ગેમ PUBG મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ PUBG કોર્પોરેશને જાહેરાત કરી છે કે તેણે ટેન્સેન્ટ ગેમ્સ કંપની સાથેનો સંબંધ તોડી નાખ્યો છેે. આમ, હવે ટેન્સેન્ટ ભારતમાં PUBG મોબાઈલની ફ્રેન્ચાઈઝ  નથી કે ભારતમાં ટેન્સેન્ટનો કોઈ કન્ટ્રોલ નહીં રહે.

આનો મતલબ એ થયો કે આ એપ ભારતમાં પાછી ફરી શકે છે, કારણ કે એનું ચીની કનેક્શન હવે ભૂતકાળની વાત બની ગયું છે.

PUBG કોર્પોરેશન એ દક્ષિણ કોરિયાની ક્રાફ્ટન કંપનીની પેટાકંપની છે. એણે નિવેદન બહાર પાડ્યું છે કે ચીનની ટેન્સેન્ટ કંપની હવે ભારતમાં આ મોબાઈલ ગેમની ફ્રેન્ચાઈઝ રહી નથી અને ભારતમાં તમામ પબ્લિશિંગ જવાબદારીઓ દક્ષિણ કોરિયન કંપની પોતાને હસ્તક લેશે.

ભારત સરકારે આ અઠવાડિયાના આરંભમાં PUBG મોબાઈલ તથા અન્ય 117 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. અન્ય કંપનીઓમાં એપસ લોન્ચર પ્રો, એપ લોક, વી ચેટ વર્ક, બૈદુનો સમાવેશ થાય છે.

ભારત સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ તરત જ PUBG એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. તે છતાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ એને હજી બ્લોક કરી નથી. આને કારણે જે યૂઝર્સે PUBG એપને ઈન્સ્ટોલ કરી છે તેઓ હજી પણ એનો ઉપયોગ કરી શકે છે.

PUBGનું ભારતમાં કમબેક થશે કે કેમ એ તો ભારત સરકાર જ નક્કી કરશે.

જોકે નોંધવા જેવી વાત એ છે કે PUBG કોર્પોરેશન ચીનની ટેન્સેન્ટ ગેમ્સ કંપનીથી અંતર કરી લે તો પણ PUBG મોબાઈલ ગેમની ડેવલપર તો ટેન્સેન્ટ જ રહેશે. એ કારણસર પણ ભારત સરકાર કદાચ PUBGને ફરી ભારતમાં પ્રવેશવાની મંજૂરી ન આપે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular