Sunday, May 25, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingનકારાત્મકતા શું છે? 

નકારાત્મકતા શું છે? 

ઘણી વખત અચાનક જ તમારું મન ખિન્ન બની જાય છે. મન ઉપર કોઈ બોજ હોય તેવું લાગ્યા કરે છે. ભીતર સંકોચનનો સતત અનુભવ થાય છે. નકારાત્મકતાના વાદળો તમારી પર છવાઈ જાય છે. આ સ્થિતિમાં તમે રૂંધાઇ જાઓ છો. આ મનોસ્થિતિમાંથી બહાર આવવાની તમારી તીવ્ર ઈચ્છા છે, પરંતુ તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તે તમે જાણતા નથી. આ સંજોગોમાં શું કરવું જોઈએ?

સૌ પ્રથમ તો સમજીએ કે નકારાત્મકતા શું છે? નકારાત્મકતા એટલે પીડા, દુઃખ ની લાગણીનો અનુભવ! જ્યાં તમે ખુશી અને આનંદની પ્રાપ્તિની અપેક્ષા રાખી છે, ત્યાંથી જ દુઃખ મળે છે અને નકારાત્મક સંવેદના ઉત્પન્ન થાય છે. એવું દરેક કાર્ય, ઘટના કે જેમાં શરૂઆતમાં તો ખુશી મળે છે, પણ અંતે મન બોઝીલ બની જાય છે ત્યારે નકારાત્મક સંવેદનો ઉદ્ભવે છે. જેમ કે, જયારે તમે મિત્રો સાથે મળીને કોઈ અન્ય વ્યક્તિ વિષે ઘસાતું બોલો છો, નિંદા કરો છો ત્યારે શરૂઆતમાં મજા આવે છે, પણ પછી તમારું જ મન શું થાકી નથી જતું? ભારે નથી બની જતું? તો પ્રારંભમાં આભાસી આનંદ અને અંતમાં પીડા એટલે નકારાત્મકતા!

ઈર્ષા, લોભ, ગુસ્સો, તિરસ્કાર, અપરાધબોજ, ભય, ચિંતા આ સઘળી નકારાત્મક ભાવનાઓ મહદઅંશે નકારાત્મક વિચારોને કારણે ઉત્પન્ન થાય છે. આવી સંવેદનાઓ ઉત્પન્ન કરતા નકારાત્મક વિચારોને કઈ રીતે રોકી શકાય?

અસંભવ લાગતું આ કાર્ય વાસ્તવમાં એટલું કઠિન નથી. કેટલાક સરળ ઉપાયો દ્વારા ચોક્કસપણે નકારાત્મક વિચારોને દૂર કરી શકાય છે.

૧. નિયમિત વ્યાયામ કરો. સૂર્યનમસ્કાર કરો. ચાલવા જાઓ. તમારા પાચનતંત્ર પર ધ્યાન આપો. જો ખોરાકનું પાચન બરાબર થતું નથી તો નકારાત્મક વિચારો આવે છે. તો શરીરને શુદ્ધ રાખો, જંક ફૂડનો ઉપયોગ ન કરો, આયુર્વેદની મદદ લો.

૨. વિચારો વાદળ જેવા છે તે સમજી લો. આકાશમાં તરતાં વાદળોને આપણે ગોઠવી શકતાં નથી તે જ રીતે વિચારો પણ સતત આવે છે અને જાય છે. નકારાત્મક વિચાર આવે તેનો વિરોધ ન કરો. તેને આવવા દો. તેની સાથે હાથ મિલાવો અને જૂઓ કે તરત જ એ વિચાર અલોપ થઇ જશે.

૩. મન અને શરીર બંનેને વ્યસ્ત રાખો. સતત પ્રવૃત્તિ કરતાં રહો. સંગીત, નૃત્ય, ચિત્રકલા એવી કોઈ પણ કલા શીખો. સારા પુસ્તકોનું વાંચન કરો. મંત્ર જાપથી પણ તરત જ નકારાત્મક વિચારો દૂર થાય છે.

૪. જાણી લો કે ભાવનાઓ અને વિચારો કરતાં તમારું અસ્તિત્વ વિશાળ છે. એ વિશાળતાનો અનુભવ કરો. લોકોને મદદ કરો. જયારે પણ નકારાત્મક વિચારો ઘેરી વળે ત્યારે ઉઠો અને આસપાસના લોકોને પૂછો કે હું તમારી શું મદદ કરી શકું? મદદરૂપ થવાનો ભાવ નકારાત્મક વિચારોને તરત જ દૂર કરે છે.

૫. પ્રાણાયામ અને ધ્યાન કરો. માત્ર 20 મિનિટનું ધ્યાન ઊંડો વિશ્રામ આપે છે. પ્રાણ ઉર્જાનો સંચાર કરે છે. મન જયારે પ્રાણ ઉર્જાથી ભરેલું હોય છે ત્યારે કોઈપણ નકારાત્મક વિચાર નિકટ આવી શકતો નથી.

-તો, સ્મિત કરતાં રહો. પ્રસન્ન રહેવાની આદત કેળવો. જે પરમ શક્તિ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે તેના પર શ્રદ્ધા રાખો. જાણો કે નકારાત્મક વિચારો પર વિજય મેળવવા તમે સક્ષમ છો. વર્તમાન ક્ષણમાં રહો અને જૂઓ કે તમે મુક્ત છો, તૃપ્ત છો, આનંદસ્વરૂપ છો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular