Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalકોરોનાઃ ચીન વિરુદ્ધ સંગઠિત થયા ભારત સહિત 62 દેશો

કોરોનાઃ ચીન વિરુદ્ધ સંગઠિત થયા ભારત સહિત 62 દેશો

ન્યૂયોર્કઃ કોરોના વાયરસની શરુઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. કેટલાય રિપોર્ટ્સ છે કે, શરુઆતમાં ચીને આ વાયરસના કેસોને છુપાવ્યા હતા. એને કારણે ધીમે-ધીમે કોરોના આખા વિશ્વમાં ફેલાયો અને આજે સ્થિતિ એ છે કે ત્રણ લાખથી વધારે લોકોનો કોરોના વાયરસે ભોગ લીધો છે. ચીનને આ મામલે જવાબદાર ગણવાની માગણી દુનિયાના અનેક દેશોએ ઉઠાવી છે. ચીનને એક પ્રકારે સંરક્ષણ આપવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ઉપર પણ સવાલો ઉઠ્યા છે. હવે ભારત સહિત દુનિયાના 62 જેટલા દેશોએ આ બંન્ને વાતોને એકસાથે જોડીને એક સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એસેમ્બલીમાં યૂરોપિયન યૂનિયન દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે, કોરોના વાયરસને લઈને WHOના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ હેલ્થ રિસ્પોન્સની નિષ્પક્ષ, સ્વતંત્ર અને વિસ્તૃત તપાસ થાય.

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રસ્તાવની ભાષા એવી છે કે, ચીન અને અમેરિકાએ તેનો વિરોધ કર્યો નથી. જો કે આ બંન્ને દેશ એ 62 દેશોના લિસ્ટમાં નથી કે જે પ્રસ્તાવને સમર્થન આપી રહ્યા છે. પ્રસ્તાવમાં WHO મહાસચિવથી ઈન્ટરનેશનલ એજન્સીઝ સાથે મળીને વાયરસના સોર્સનો ખ્યાલ મેળવવા માટે અને આ વાયરસ માણસોમાં કેવી રીતે ફેલાયો તેની વિગતો મેળવવા માટેની પણ માંગ કરવામાં આવી છે.

WHOના એક્ઝિક્યૂટિવ બોર્ડની કમાન આજથી ભારતના હાથમાં હશે. વિશ્વના કેટલાય દેશ કોરોના ફેલાવામાં ચીનની ભૂમિકા પર આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ ભારત હજી આનાથી બચતું રહ્યું છે. જો કે વડાપ્રધાન મોદીએ WHO સંસ્થામાં સુધારાની વાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો WHOને ચીનની કઠપૂતળી પણ ગણાવી ચૂક્યા છે. જો કે, EU ના પ્રસ્તાવમાં ચીન અથવા વુહાનનું નામ નથી. આને ચીનના મિત્ર રશિયાનું પણ સમર્થન મળ્યું છે. EU અને ઓસ્ટ્રેલિયા સિવાય પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં જાપાન, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ, સાઉથ કોરિયા, બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે.

ભારતનું EUના પ્રસ્તાવને સમર્થન આપવું પૂર્ણતઃ યોગ્ય છે. કોરોના વાયરસ ભારત અને ચીન વચ્ચે કોઈ દ્વિપક્ષીય મુદ્દો નથી. આ ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચેની વાત છે. આખા વિશ્વને ભવિષ્યમાં આ પ્રકારની મહામારીથી પોતાના દેશનો બચાવ કરવાનો અધિકાર છે. વિશ્વનો એ જાણવાનો હક બને છે કે, આ ખતરનાક વાયરસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને પછી કેવી રીતે માનવીઓમાં ફેલાયો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular